<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 2nd April 2025

મહાત્‍મા ગાંધીજીના નામે મગજનું દહીં!

ગાંધીજી જડ ન હતા, પણ હજુ તેના નામે જડતા જતી નથીઃ વિભૂતિઓના પરિવારો ઉફાણે આવ્‍યા

 

  મહાત્‍મા ગાંધીજી  ગુજરાતમાં  પ્રગટ્‍યા હતા તે આપણું ગોૈરવ છે. મહાત્‍મા ગાંધીજીની યાદમાં ગુજરાતમાં અનેક સ્‍થાને સ્‍મારકો બન્‍યા છે. પ્રતિમાઓ મૂકાય  છે. મોટાભાગના સ્‍મારકો -પ્રતિમાઓ બદહાલતમાં છે. આ અંગે કોઇને કંઇ પડી નથી, પણ હજુ સ્‍મારકોના નિર્માણનો ઢઢ્ઢો પૂરો થતો નથી.

રવિવારે રાણપુરમાં વધુ એક ગાંધી સ્‍મૃતિ સ્‍મારકનું લોકાર્પણ થનાર છે. રાષ્‍ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી અને મહાત્‍મા ગાંધીજીની પ્રથમ મુલાકાત થઇ એ સ્‍થાન ઐતિહાસિક જ ગણાય, પરંતુ સ્‍મારકો નિર્માણ  કરવાને બદલે વિભૂતિઓના માન જળવાય તેવા ઠોસ કાર્યો થવા જોઇએ.

સાવ ફાલતુ કલાકારો મેઘાણીની રચનાઓ રજૂ કરીને મોટાભા બનીને હલકી વૃત્તિ-પ્રવૃતિ ચલાવે એ રાષ્‍ટ્રીય શાયરનું અપમાન જ ગણાય. મેઘાણી ચાહકો - સ્‍વજનોએ મેઘાણી રચનાને સન્‍માન આપવાને બદલે કુવૃતિ ધરાવતા ફાલતુ કલાકારો સામે મુજરા કરે એ યોગ્‍ય છે?

મેઘાણી કે ગાંધીજી સ્‍મારકોમાં નહી, તેની રચના અને વિચારોમાં જીવે છે, ધબકે છે. મેઘાણીના નામે ઘણા તરી રહ્યા છે, પણ તેની રચનાને સન્‍માન અપાવી શકતા નથી. આવું જ ગાંધીજીના ચાહકો અને તેના પરિવારો દ્વારા થાય છે. ગાંધીજીનો સોૈથી મોટો ગુણ એ હતો કે તેઓ જડ ન હતા. જો કે કહેવાતા ગાંધીવાદીઓ અને મહાત્‍માજીનો પરિવાર જડતા મૂકતા નથી. વારંવાર વિવાદો કરતા રહે છે. અમદાવાદના સાબરમતી આશ્રમના પુનઃ વિકાસનો નિર્ણય થયો છે. આ કાર્ય સામે ગાંધીજીના પ્રપોૈત્ર તુષાર ગાંધીએ જડતાથી જંગ શરૂ કર્યો હતો. છેક સુપ્રીમ કોર્ટ સુધી કોર્ટે તુષાર ગાંધીની અરજી ફગાવી દીધી હતી.

ગાંધીજીના પ્રપોૈત્ર હોવાના નાતે તુષાર ગાંધી વાંરવાર વિચિત્ર નિવેદનો -હરકતો કરીને વિવાદો સર્જતા રહે છે. તેઓને પ્રસિધ્‍ધમાં રહેવાનું વ્‍યસન થઇ ગયું હોય તેમ લાગે  છે. ગાંધીજી ખુદના વિચારમાં ધબકે છે, આ વિચારનો હાસ થઇ રહ્યો છે, પરંતુ તુષાર ગાંધીનું લોહી ઉકળતું નથી. ગાંધી સ્‍મારક મુદ્‌ે સળી કરવા સક્રિય બન્‍યા.

તુષારભાઇના ભુતકાળના નિવેદનો જોતા સ્‍પષ્‍ટ લાગે કે તેઓ અન્‍યના ઇશારે ખેલ કરતા રહે છે. અહીં કોઇ પક્ષ કે કોઇની તરફેણ કે વિરોધ કરવાનો ઇરાદો નથી, પરંતુ ગુજરાતમાં સ્‍મારકો જેવા પ્રશ્‍ને મરણિયા બનતા ગાંધી-મેઘાણીના પરિવારો- એ નક્કર કાર્ય કરવા જેવું છે.

ગુજરાતમાં ગાંધીજી પ્રગટ્‍યા  તે મુદે ગુજરાત દારૂ પ્રતિબંધિત રાજય બનાવવામાં આવ્‍યું હતું. પોરબંદરથી માંડીને સમગ્ર ગુજરાતમાં પ્રતિબંધ હોવા છતા દેશી-વિદેશી દારૂની રેલમછેલ ચાલે છે. આ અંગે ગાંધી-મેઘાણી પરિવારોના જીવ નથી બળતા? દારૂથી અનેક પરિવારો બરબાદ થઇ રહ્યા છે.

તુષાર ગાંધી અને વિભૂતિઓના પરિવારો ગુજરાતમાં દારૂ પ્રતિબંધનો કડકાઇથી અમલ કરવા શા માટે મેદાનમાં નથી આવતા? આવું કરે તો લોકોનો પણ ટેકો મળે. સ્‍મારકો ખંઢેર બનતા અટકાવો અથવા ગાંધી-મેઘાણીના નામે મગજનું દહીં કરવાનું બંધ કરો.

(10:34 AM IST)