<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 22nd March 2025

લોખંડ લાલચોળ, કોંગ્રેસ ઘા મારે

ગુજરાતમાં ગુંડાગીરીઃસરકારના નાટકઃ લોકોનો આક્રોશઃ વિપક્ષ શા માટે નિષ્‍ક્રીય?

 

ગુજરાતી  કહેવત છે, તકને તેડા ન હોય. ગુજરાતમાં વિપક્ષને તકનું તેડું આવ્‍યું છે, છતાં વિપક્ષી નેતાઓની નિસ્‍ક્રીયતા આશ્‍ચર્ય અને આશંકા સર્જે છે. ગુજરાતભરમાં દેશી-વિદેશી દારૂની રેલમછેલ અને અસામાજિક તત્‍વોના તાંડવ સામે લોકોનો આક્રોશ ફાટવાનો શરૂ થયો છે.

છેલ્લા દશેક વર્ષથી આ મામલે કંઇ ઉકાળી ન શકનાર સરકારમાં ગોઠવાઇ ગયેલા નેતાઓ ગુન્‍હેગારોની યાદી બનાવવાના  અને ડિમોલેશન જેવા નાટક કરીને આક્રોશ ટાઢો પાડવા પ્રયાસ કરે છે. આશ્‍ચર્ય એ છે કે, સરકાર આક્રમક હોવાનો દેખાવ કરે છે. ત્‍યારે પણ ગુજરાતમાં દારૂથી માંડીને કૃર પ્રકારના ગુન્‍હા બેકાબૂ છે.

આ સ્‍થિતિનું તારણ એ છે કે, સરકારની આક્રમતાના દેખાડાનો કોઇ જ પ્રભાવ અસામાજિકો પર નથી. સરકાર બે-ચાર ઘટનાઓમાં આક્રમકતાના નાટક કરશે. લોકોનો આક્રોશ થોડો ટાઢો પડશે અને સરકાર અભિયાનને અભેરાઇએ ચઢાવી દેશે.

દશેક વર્ષથી વિવિધ ગંભીર મુદ્‌ે આવું જ બનતું રહ્યું છે. અસામાજિક તત્‍વોના ત્રાસ મામલે હાલ માહોલ ગરમાગરમ છે. કહેવત પ્રમાણે લોઢુ ગરમ હોય ત્‍યારે ઘા મારી દેવાથી તેને વાળવું હોય તેમ વાળી શકાય ત્રણ દાયકાથી સત્તા બહાર રહેલી કોંગ્રેસ માટે ગુજરાતમાં મોટી તક સામે આવી છે. માત્ર બે ચાર નિવેદનો કરવાથી કંઇ નહિ વળે. વિપક્ષે ગુજરાતભરમાં સમાંતર ઓપરેશનો કરીને શાસકોની કુવૃતિને ઉઘાડી પાડવાની તક છે.

સરકાર સેટિંગબાજ મીડિયા થકી એવો દેખાવ કરે છે કે દાદાના બુલડોઝરથી  અસામાજિકો ફફડી ગયા છે. વાસ્‍તવિકતા અલગ છે. એ ઉઘાડી પાડવાની ફરજ વિપક્ષની છે. ગુજરાતભરમાં દરેક ગામમાં દારૂના અને અસામાજિકોના અડ્ડા ધમધમે છે. કોંગ્રેસ તેના પર હલ્લાબોલ કરીને ગૃહ પ્રધાનના દાવાને હાસ્‍યાસ્‍પદ બનાવવાની જરૂર છે.

વિપક્ષની આભા એવી છે કે, શાસકો સાથે તે પણ સેટિંગ કરીને હપ્‍તાખોરીનો હિસ્‍સો પચાવે છે. આ કારણે નિવેદનથી વિશેષ વિરોધ વિપક્ષ કરતો નથી. કોંગ્રેસ આવા સેટિંગ પડતા મૂકીને ત્રાટકે અને શાસકોને ધ્રુજાવે તો લોકોમાં કોંગ્રેસ પ્રત્‍યે વિશ્વાસ જાગે અને સત્તા સુધી પહોચવાનો માર્ગ શકય બને. વિપક્ષે  શ્વાનની જેમ સરકાર પાસે પૂંછડી પટપટાવવાનું બંધ કરવું જોઇએ.

રાહુલ ગાંધી કોંગ્રેસને ફરી શકિતશાળી બનાવવા મથે છે. ગુજરાત કોંગ્રેસે આવા નેતા પ્રત્‍યે આશા રાખવાને બદલે ગુજરાતમાં લોકોના હિતમાં નિર્ણાયક લડત આપીને પક્ષને મજબૂત બનાવવાની તક છે. લોખંડ ગરમ હોય ત્‍યારે ઘા મરાતો  નથી અને ચૂંટણીના પરિણામના દિને EVM  ને  દોષિત કહી દેવા અને ગુજરાત કોંગ્રેસના સેટિંગનો જ હિસ્‍સો હોય તેમ લાગે છે.

રાહુલે ખરેખર કરી દેખાડવું હોય તો બે- ચાર મહિના ગુજરાતમાં રહીને અસામાજિકોના અડ્ડા પર દરોડા પાડવા જોઇએ. ગુજરાતમાં જ મોદિત્‍વ-શાહત્‍વની હવા નીકળી જાય તો કોંગ્રેસ માટે દેશમાં લડવું પણ સરળ  બનશે. તેજીને ટકોરો હોય, ભેંસ પાસે ભાગવત ન વંચાય

(10:22 AM IST)