તા. ૩ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૧ બુધવાર
News of Thursday, 2nd January 2025
બિચારું હિન્દુત્વ હાથો બની ગયું
હિન્દુત્વની રાજકીય સ્પર્ધા જામી, પણ મોટાભાગે દંભ સિવાય કંઇ નથી...
બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર થયો તેના વિરોધમાં ગુજરાતભરમાં શેરીના કાર્યકરથી માંડીને મુખ્યમંત્રી સુધીનાએ વિરોધ પ્રદર્શનો કર્યા હતા. બે દિવસ પૂર્વે રાજકોટમાં વિધર્મીઓએ વકફ બોર્ડના આદેશના નામે ત્રણ હિન્દુ વ્યાપારીની દુકાનોમાંથી સામાન ફગાવી દીધો. ખુલ્લેઆમ દાદાગીરી કરી. આ સામે રાજકોટ કે ગુજરાતનું એક પણ ભાજપી-સંધી નેતું કંઇ ન બોલ્યું બાંગ્લાદેશના હિન્દુઓ માટે જીવ બળે છે. જેમના મતથી સત્તા મળી છે તેવા ગુજરાતના હિન્દુઓ માટે ભાજપને કંઇ પડી નથી.
હાલ દિલ્હીમાં ધારાસભાની ચૂંટણીનો માહોલ ગરમ થઇ ગયો છે. ભાજપની સ્માર્ટ નેતાગીરી સામે કેજરીવાલ દોઢી સ્માર્ટગીરી દેખાડી રહ્યા છે. ભાજપની મુખ્ય વોટબેંક હિન્દુત્વ પર જ કેજરીવાલે નિશાન તાકયું છે. આમ આદમી પાર્ટીએ મંદિરોના પૂજારીઓને મહિને રૃા. ૧૮૦૦૦ પગારનું વચન આપીને ભાજપને ધ્રુજાવી દીધો છે.
ભાજપી પ્રવકતાઓ અને નેતાઓ સતત ટીવી પડદે પ્રગટ થઇને કેજરીવાલના હિન્દુ પ્રેમને દંભી દેખાડી રહ્યા છે. ભાજપે કેજરીવાલને ચૂનાવી હિન્દુનું બિરુદ પણ આપી દીધું છે. વાત સાચી પણ છે કેજરીવાલને અને હિન્દુત્વને વાસ્તવમાં કોઇ સંબંધ નથી. કેજરીવાલ વાસ્તવમાં મહાનાટક જ છે.
પણ ભાજપ? ગુજરાતની દશા જોતા ભાજપનું હિન્દુત્વ પણ મહાનાટક નથી લાગતું? ભાજપ હિન્દુઓના મતો મેળવીને હિન્દુઓને જ તડકે મૂકી દે છે. કેજરીવાલે ભાજપ સામે નિશાન તાકતા કહ્યું કે, ભાજપ માત્ર મંદિરોના વિવાદો પર જીવે છે, હિન્દુઓના ઉત્થાન માટે કંઇ કરતો નથી. અમે પૂજારીઓને પગાર આપીએ તો પણ ભાજપ વિરોધ કરે છે.
દિલ્હીની રાજનીતિમાં હિન્દુત્વની તીવ્ર સ્પર્ધા જામી છે. અહેવાલો પ્રમાણે દિલ્હીમાં કોંગ્રેસ પણ સોફટ હિન્દુત્વનો એજન્ડા લઇને મેદાનમાં આવી રહી છે. બધાં પક્ષોને હિન્દુત્વના મતો જોઇએ છે, પણ હિન્દુ સમાજની કોઇને કંઇ પડી નથી. કેજરીવાલે કરવા જેવો એક પ્રયોગ છે. ચૂંટણી ભલે દિલ્હીમાં હોય, આપે ગુજરાતમાં યાત્રા યોજીને તેનું જીવંત પ્રસારણ કરાવીને હિન્દુ પરિવારોની દશાનો દેશ સમક્ષ પર્દાફાસ કરવો જોઇએ.
ભાજપ ૩૦ વર્ષથી સત્તામાં છે, વિધર્મી ગુંડાગીરીથી હિન્દુ સમાજ ફફડે છે અને ભાજપી નેતાઓ મુજરા કરી રહ્યા છે. આઝાદી બાદ દેશમાં કોંગ્રેસ દાયકાઓ સુધી બિનસંપ્રદાયિકતાનો દંભ ચલાવ્યો હતો. હિન્દુ સમુદાયે સતત અન્યાય સહન કર્યો હતો. અસહય સ્થિતિ બનતા કોંગ્રેસને સત્તા પરથી ફગાવી દીધી હતી. ભાજપને સત્તા પ્રાપ્ત થઇ, પણ હવે હિન્દુ સમાજ બિનસાંપ્રદાયિકતાના દંભમાંથી નીકળીને હિન્દુત્વના દંભમાં ફસાઇ ગયાનો અહેસાસ કરે છે.
હિન્દુત્વ વિચારધારાની દશા બિચારી બની ગઇ છે. ગુજરાતમાં ભાજપીઓ લીલી રંગે રંગાઇ ગયા છે.
(10:04 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
