તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Friday, 15th November 2024
એન્ટી સોશિયલ મીડિયા !
સામાજિક માધ્યમો મોટાભાગે અસામાજિક બની ગયા છેઃ આંધ્ર જેવો પ્રયોગ દેશભરમાં જરૂરી...
રાજકોટમાં મહિલા પોલીસ પર મહિલા તૂટી પડી. જાહેરમાં માર્ગ પર માર માર્યો. ધમકી દીધી... આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. પોલીસની કોઇ પ્રકારની ધાક રહી નથી. મહિલાઓ પણ પોલીસને ફટકારવા લાગી છે. આવી ઘટનાઓ વારંવાર બને છે. પોલીસ કમિશનર કે ગૃહપ્રધાન કોઇને શરમ આવતી નથી. આવી ઘટનાઓ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થવી જ જોઇએ. ગુજરાતની દશા અને દિશા ઉજાગર કરવાનું મહત્વનું કામ સોશિયલ મીડિયા દ્વારા થાય છે.
સોશિયલ મીડિયા મોટી તાકાત છે. ક્ષણવારમાં દુનિયાભરમાં પોસ્ટ વાયરલ થઇ જાય છે. આ તાકાત સામાન્ય જનના હાથમાં આવી ગઇ છે. જો કે કુવૃત્તિ ધરાવતા કે સમજદારી વગરના તત્વોના કારણે સોશિયલ મીડિયાને, દશા એન્ટી સોશિયલ મીડિયા જેવી બની ગઇ છે.
જાણ્યા-વિચાર્યા કે સમજયા વગર મનફાવે તેવી બાબતો મોટાભાગનાં લોકો વાયરલ કરી રહ્યા છે. આમાના મોટાભાગના લોકોની વૃત્તિ ખરાબ નથી હોતી, પણ તેમને વિષયની ગંભીરતા કે ઊંડાઇનો ખ્યાલ હોતો નથી. સોશિયલ મીડિયામાં મોટી ગેંગ કુવૃત્તિ ધરાવનારા તત્વોની છે. જાણી જોઇને ખોટી બાબતો વાયરલ કરીને આ ગેંગ પોતાનો સ્વાર્થ સાધે છે. નિર્દોષ લોકો આ ખેલ સમજી શકતા નથી. અને પોસ્ટ-વીડિયા વાયરલ કરીને અજાણતા કુવૃત્તિ ગેંગના સહયોગી બની જાય છે.
જાણતા કે અજાણતા સોશિયલ મીડિયાનો બેફામ ર૪ કલાક દુરૂપયોગ થઇ રહ્યો છે. આ સામે વિશેષ પ્રકારના કાયદાનો અભાવ છે. પગલાં ભરવાની વૃત્તિનો પણ અભાવ છે. નવી ટેકનોલોજી માર્કેટમાં આવે ત્યારે તેના લાભ-ગેરલાભ, તેના ઉપયોગ સાથે જોડાયેલા વિવેક-સમજ વગેરે અંગે લોકોને માહિતગાર-ટ્રેઇન કરવા જોઇએ. આવો કોઇ રીવાજ ન હોવાથી ટેકનોલોજી ફાયદાને બદલે નુકસાન વધારે કરે છે. મોબાઇલ ફોન અને સોશિયલ મીડિયાનો ઉપયોગ - દુરૂપયોગ બ્રેક વગરની ગાડી જેવો બની ગયો છે.
સોશિયલ મીડિયામાં ર૪ કલાક ગેરસમજોથી માંડીને ગેર માહિતી - અફવાના ધોધ વહી રહ્યો છે, જેનાથી કોઇની અકારણ બદનામીથી વિવિધ પ્રકારના તનાવો ફેલાઇ રહ્યા છે.
ગઇકાલે સમાચાર આવ્યા કે આંધ્ર પ્રદેશમાં વિશેષ કાર્યવાહી થઇ છે. સોશિયલ મીડિયાની વાંધાનજનક પોસ્ટ વિરુધ્ધ સર્જિકલ સ્ટ્રાઇક કરાઇ અને ૧૦૦ જેટલાં કેસ કરીને ૪૦ લોકોની ધરપકડ કરવામાં આવી અને ૬૮૦ લોકોને નોટિસ આપવામાં આવી. આ પ્રકારની કાર્યવાહીથી ફફડાટ ફેલાઇ ગયો છે.
આંધ્રમાં થઇ એ કાર્યવાહી રાજનીતિથી પ્રેરિત હતી. પરંતુ આ પ્રકારે સર્જિકલ સ્ટ્રાઇક સોશિયલ મીડિયા યુઝર્સ પર થઇ શકે છે, તે સાબિત થયું છે. બ્રેક વગરની ગાડીને કાબૂમાં લાવવા માટે કાર્યવાહી અને ધાક અનિવાર્ય છે. બ્રેક મારવામાં નહિ આવે તો અકસ્માતો થતા રહેશે. સોશિયલ મીડિયાને એન્ટી સોશિયલ મીડિયા બનતું અટકાવવું પડશે.
(10:29 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
