તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Tuesday, 2nd July 2024
કાયદા બદલાયા, વૃત્તિ બદલો
કાયદા-કાનૂનમાં પરિવર્તન આવકાર્ય, પણ તેના ઉપયોગની માનસિકતાનું શુધ્ધિ- કરણ કોણ કરશે...?
રાજકોટના અગ્નિકાંડમાં શું પગલાં ભરાયા...? થોડા કર્મચારીઓ અંદર થયા અને પ્રકરણનો ગોટોવાળી દેવાના ખેલ ચાલ્યા. કાયદા બધાં સામે સરખા છે, મહાકાય અધિકારીઓથી માંડીને પદાધિકારીઓને કાયદા સ્પર્શે નહિ અને ઝીણા-ઝીણા ભરડામાં આવી જાય.
સંસદે મસ્ત નિર્ણય કર્યો છે. ક્રિમીનલ કાયદામાં ફેરફારો થયા. આ અંગે ગઇકાલે ગૃહમંત્રી અમિતભાઇ શાહે જણાવ્યું હતું કે, હવે કાયદા સ્વદેશી બની રહ્યા છે. દંડને બદલે ન્યાયની દિશા પકડાઇ છે.
કાયદા-કાનૂનમાં સ્થિતિ પ્રમાણે પરિવર્તન થવું જ જોઇએ. જો કે માત્ર કાયદા બદલવાથી સ્થિતિ શ્રેષ્ઠ બની જાય તેવું નથી હોતું. કાયદાના અમલ કરનારની વૃત્તિ મહત્વની હોય છે. કાયદા-કાનૂનનો પાર નથી, પણ તેના અમલ અંગેનો માહોલ આપણી નજર સામે જ છે.
કાયદાના અમલમાં સેટિંગ, ભલામણ, જે તે અધિકારી કે નેતા કે અન્ય કોઇ મોટા માથાના હિતો વગેરે ધ્યાનમાં રાખવામાં આવે છે. સામાન્ય માણસ સામે કાયદા તાંડવ કરે છે અને મોટા માથા સામે કાયદો મુજરા કરતો રહે છે. આ પ્રકારની વૃત્તિના કારણે કાયદા અને તંત્ર પરથી વિશ્વાસ ઉઠી જાય છે.
મોદી સરકારે કાયદામાં પરિવર્તન કરીને મહત્વનું પગલું ભર્યુ છે. સૌથી મોટો પડકાર વૃત્તિ પરિવર્તનનો છે. રાજકોટના અગ્નિકાંડમાં વાતો એવી થાય છે કે, ફલાણા સામે પગલાં લેવાય તો ઢીકણી લોબી નારાજ થઇ જશે. આવા અનુમાનો કદાચ સાચા પણ હોઇ શકે, પરંતુ કાયદાનો અમલ કોઇની નારાજગી કે પ્રસન્નતા માટે નહિ, ન્યાય માટે થવો જોઇએ.
ભારતમાં વૃત્તિ પરિવર્તન અનિવાર્ય છે, પરંતુ સ્કૂલથી માંડીને પરિવાર કે અન્યત્ર કોઇ સ્થાને વૃત્તિના શુધ્ધિકરણના કોર્ષ ચાલતા નથી. કાયદો ગમે તેટલો કડક કરવામાં આવે, પણ તેનો અમલ મનસ્વીરૂપે થાય તો કાયદો અસરકારક બની ન શકે.
સ્થિતિમાં પરિવર્તન લાવવાનો સરકારનો નિર્ધાર હોય તો વૃત્તિ પરિવર્તન અનિવાર્ય છે. આટલા વર્ષમાં અસંખ્ય કાયદામાં બદલાવ આવ્યા છે, પણ દુઃખદ બાબત એ છે કે, આ બદલાવથી સ્થિતિમાં પરિવર્તન નથી થયું. ચર્ચા એવી છે કે, કાયદા જેટલાં આકરા બને તેટલા સેટિંગ મોટા થાય. અઘરા કાયદાની છટકબારી શોધીને સેટિંગબાજને છટકાવવાના સ્માર્ટ કીમિયા ચમત્કારો કરે છે.
કાયદાના બદલાવ કરતા વૃત્તિમાં પરિવર્તન કરવું એ મહત્વનું પગલું ગણાય.
(10:25 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
