News of Friday, 4th September 2026
કાલથી અમદાવાદમાં વર્લ્ડ આર્ચરી પેરા સિરીઝ યોજાશે: શીતલ દેવી સહિત 19 દેશોના કુલ 108 તીરંદાજો ઉતરશે
ભારતમાં સૌ પ્રથમવાર 'ધ હ્યુન્ડાઈ વર્લ્ડ આર્ચરી પેરા સિરીઝ(WAPS)-2026’ અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે 5 થી 9 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે

ભારતમાં સૌ પ્રથમવાર 'ધ હ્યુન્ડાઈ વર્લ્ડ આર્ચરી પેરા સિરીઝ(WAPS)-2026’ અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે 5 થી 9 સપ્ટેમ્બર,2026 દરમિયાન યોજાશે. જેમાં વિવિધ 19 દેશોના 108 જેટલા તીરંદાજો સહિત કુલ 200 જેટલા એથ્લિટ્સ, કોચ અને સપોર્ટ સ્ટાફ ભાગ લેશે. આ અંગે આર્ચરી એસોસિએશન ઑફ ઇન્ડિયાના અધ્યક્ષ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી અર્જુન મુંડાએ વિગતો આપતા કહ્યું કે, ‘આ પ્રકારનાં આંતરરાષ્ટ્રીય આયોજનોથી દેશમાં છુપાયેલી રમત પ્રતિભાઓને બહાર લાવવા માટે મજબૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને નવી તકો ઉપલબ્ધ થઈ રહી છે. વડાપ્રધાન મોદીના વિઝન અને પ્રેરણાથી ભારતમાં તીરંદાજીમાં અત્યારે અભૂતપૂર્વ પ્રગતિ થઈ રહી છે.’
એસોસિએશનના મહાસચિવ વીરેન્દ્ર સચદેવાએ સમગ્ર કાર્યક્રમની રૂપરેખા આપીને રાજ્યમાં રમતગમત ક્ષેત્રે થઈ રહેલા માળખાકીય વિકાસની સરાહના કરી હતી. તેમણે કહ્યું કે, આગામી વર્ષની વર્લ્ડ ચેમ્પિયનશિપ તેમજ વર્ષ-2028ની એશિયન ચેમ્પિયનશિપના ગુજરાતમાં આયોજનની વિગતો આપી હતી. આ પ્રસંગે આર્ચરી ચેમ્પિયનશિપનું ઑફિશિયલ એન્થેમ લૉન્ચ કરવામાં આવ્યું હતું તેમજ સત્તાવાર મૅસ્કોટ ‘લક્ષ્યમ્’ તથા જરસીનું અનાવરણ પણ કરવામાં આવ્યું હતું.
આર્ચરી એસોસિએશન ઑફ ઇન્ડિયા (AAI) દ્વારા ગુજરાત સરકાર, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઑફ ઇન્ડિયાના સહયોગથી આયોજિત આ ઇવેન્ટનો ઔપચારિક શુભારંભ 4 સપ્ટેમ્બર, 2026ના રોજ કરવામાં આવશે.આ સ્પર્ધામાં રિકર્વ ઓપન, કમ્પાઉન્ડ ઓપન, ડબલ્યૂ-૧ અને વિઝ્યુઅલી ઇમ્પેર્ડ શ્રેણીઓમાં વિશ્વના અગ્રણી પેરા આર્ચર્સ વચ્ચે મુકાબલો થશે.જેમાં ભારત તરફથી પેરિસ 2024 પેરાલિમ્પિક ચેમ્પિયન હરવિન્દર સિંહ, વર્લ્ડ પેરા આર્ચરી ચેમ્પિયન અને પેરાલિમ્પિક પદક વિજેતા શીતલ દેવી, અર્જુન પુરસ્કાર વિજેતા રાકેશ કુમાર અને શ્યામ સુંદર સ્વામી જેવા પ્રખ્યાત ખેલાડીઓ મેદાનમાં ઉતરશે.
ભારત ઉપરાંત ચીન, બ્રિટન, ફ્રાન્સ, જર્મની, હંગેરી, ઇન્ડોનેશિયા, ઇરાન, કઝાકિસ્તાન, મેક્સિકો, સ્લોવાકિયા, યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા, ઉઝબેકિસ્તાન, બાંગલાદેશ, ભૂટાન, સાયપ્રસ, ચેકિયા, ઇરાક અને રશિયન ફેડરેશન સહિત કુલ 19 દેશો આ સ્પર્ધામાં ભાગ લઈ રહ્યાં છે. 5 થી 7 સપ્ટેમ્બર દરમિયાન સ્પર્ધાના ક્વોલિફિકેશન રાઉન્ડ્સ યોજાશે. જ્યારે ફાઇનલ અને મેડલ સેરેમની 8 અને 9 સપ્ટેમ્બરે સાબરમતી રિવરફ્રન્ટ પ્લાઝા ખાતે યોજાશે. આ આયોજન ભારતની આંતરરાષ્ટ્રીય સ્પોર્ટ્સ ઇવેન્ટ્સ યોજવાની ક્ષમતાને વધુ મજબૂત બનાવશે અને વર્ષ 2036માં ઓલમ્પિક રમતોના આયોજનના ભારતના સ્વપ્નને વેગ આપશે તેવો વિશ્વાસ આયોજકો દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે.
આ અવસરે આર્ચરી એસોસિએશન ઑફ ઇન્ડિયાના ખજાનચી જોરિસ પાઉલોસ, વિશ્વ તિરંદાજી તકનીકી પ્રતિનિધિ, આંતરરાષ્ટ્રીય નિર્ણાયક ગઝાલેહ રસૌલી, તિરંદાજી પ્રીમિયર લીગના પદાધિકારીઓ ઉપરાંત ઓલિમ્પિક તીરંદાજ હરવિન્દર સિંહ તેમજ આંતરરાષ્ટ્રીય મહિલા તીરંદાજ શીતલ દેવી ઉપસ્થિત રહ્યાં હતાં.
(1:03 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
