તા. ૨૭ ઓગષ્ટ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ સુદ – ૧૪ ગુરૂવાર
News of Friday, 19th June 2026
મહિલા T20 વર્લ્ડ કપમાં જોવા મળી કાંટાની ટક્કર; સ્કોટલેન્ડ સામે હારતા-હારતા માંડ બચ્યું વેસ્ટ ઈન્ડિઝ, આખરી ઓવરોના હાઈ-વોલ્ટેજ ડ્રામા બાદ વિન્ડિઝ ટીમનો 7 રને દિલધડક વિજય!
રોમાંચની પરાકાષ્ઠા: 154 રનના પીછો કરતા સ્કોટલેન્ડે પાવરપ્લેમાં મચાવી હતી ધમાલ, આલિયા એલીને એક જ ઓવરમાં 3 વિકેટ ઝડપી બાજી પલટી

દુબઈ, : મહિલા ટી૨૦ વર્લ્ડ કપમાં ક્રિકેટ ચાહકોને શ્વાસ અધ્ધર કરી દેનારો એક રોમાંચક મુકાબલો જોવા મળ્યો છે. અંડરડોગ ગણાતી સ્કોટલેન્ડની ટીમે પૂર્વ ચેમ્પિયન વેસ્ટ ઈન્ડિઝના મોંમાંથી વિજયનો કોળિયો છીનવી જવાનો પૂરેપૂરો પ્રયાસ કર્યો હતો,
ખરાબ શરૂઆત બાદ સ્ટેફની ટેલરનું તોફાન
આ મેચમાં સ્કોટલેન્ડે ટોસ જીતીને વેસ્ટ ઈન્ડિઝને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. ઈજા બાદ વાપસી કરી રહેલી સ્ટેફની ટેલર અને ચિનેલ હેનરી પર બધાની નજર હતી. વિન્ડિઝની શરૂઆત ખૂબ જ ધીમી રહી હતી. કિયોના જોસેફ પાવરપ્લેમાં મોટી ઓવર મારવાના ચક્કરમાં આઉટ થઈ ગઈ અને કેપ્ટન હેલી મેથ્યુસ પણ માત્ર 14 રન બનાવીને પેવેલિયન ભેગી થઈ જતાં વિન્ડિઝની ટીમ મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી. એક સમયે 2016ની ચેમ્પિયન ટીમ 59 રને 2 વિકેટ ગુમાવીને સંઘર્ષ કરતી હતી. જોકે, મધ્યમ ઓવરોમાં શેમેન કેમ્પબેલે (36 રન) ઇનિંગને સંભાળી હતી. 85 રનમાં 5 વિકેટ પડી ગયા બાદ સ્ટેફની ટેલરે મોરચો સંભાળ્યો હતો અને છેલ્લી ત્રણ ઓવરમાં વાવાઝોડું લાવતા બે ગગનચુંબી છગ્ગાની મદદથી ટીમનો સ્કોર 20 ઓવરમાં 153/6 સુધી પહોંચાડી દીધો હતો. વિન્ડિઝે છેલ્લી 3 ઓવરમાં જ 40 રન ઝૂડી કાઢ્યા હતા.
સ્કોટલેન્ડના ઓપનરોએ પાયો હચમચાવી દીધો
154 રનના ટાર્ગેટ સામે સ્કોટલેન્ડે અણધારી અને વિસ્ફોટક શરૂઆત કરી હતી. કેથરિન ફ્રેઝર અને ડાર્સી કાર્ટરે કેરેબિયન બોલરો પર પ્રહાર કરતા માત્ર 5 ઓવરમાં જ સ્કોર 51/0 પર પહોંચાડી દીધો હતો. આ જોઈને વિન્ડિઝના કેમ્પમાં ચિંતાની લકીરો ખેંચાઈ ગઈ હતી. જોકે, કેપ્ટન હેલી મેથ્યુસે પાવરપ્લેની છેલ્લી ઓવરમાં ફ્રેઝરને આઉટ કરીને આ ભાગીદારી તોડી હતી અને તેના પછીના બીજા જ બોલે કેથરિન બ્રાયસને શૂન્ય રને બોલ્ડ કરીને સ્કોટલેન્ડને બેકફૂટ પર ધકેલી દીધું હતું. ત્યારબાદ એફી ફ્લેચર અને મેથ્યુસે વધુ વિકેટો ઝડપતા સ્કોટલેન્ડનો સ્કોર 51/0 થી સીધો 58/4 થઈ ગયો હતો.
આલિયા એલીનની એક ઓવર અને સ્કોટલેન્ડનું સપનું ચકનાચૂર
એક છેડેથી વિકેટો પડવા છતાં ઓપનર ડાર્સી કાર્ટરે લડાયક અર્ધસદી (59 રન) ફટકારીને લડત ચાલુ રાખી હતી. તેને એઇલ્સા લિસ્ટર (33 રન) નો મજબૂત સાથ મળ્યો હતો. લિસ્ટરે 17મી ઓવરમાં ચોગ્ગા-છગ્ગા ફટકારીને મેચને રોમાંચક મોડ પર લાવી દીધી હતી. જ્યારે સ્કોટલેન્ડ જીતની નજીક દેખાતું હતું, ત્યારે કેપ્ટને બોલ આલિયા એલેનને સોંપ્યો. આલિયાએ 19મી ઓવરમાં ચમત્કારિક બોલિંગ કરતા સમગ્ર મેચનો પાસો પલટી નાખ્યો. તેણે સેટ બેટ્સમેન ડાર્સી કાર્ટરને 59 રને કેચ એન્ડ બોલ્ડ કરી, ત્યારબાદ લિસ્ટરને સ્ટમ્પ આઉટ કરાવી અને પછીના બોલે કિર્સ્ટી ગોર્ડનને આઉટ કરીને એક જ ઓવરમાં 3 વિકેટ ઝડપી લીધી. છેલ્લી ઓવરમાં સ્કોટલેન્ડને 17 રનની જરૂર હતી પરંતુ તેઓ માત્ર 8 રન જ બનાવી શક્યા અને મેચ ગુમાવી દીધી.
ટૂંકો સ્કોર:
· વેસ્ટ ઈન્ડિઝ: 20 ઓવરમાં 153/6 (સ્ટેફની ટેલર 47*, શેમેન કેમ્પબેલ 36; કેથરિન ફ્રેઝર 2-34)
· સ્કોટલેન્ડ: 20 ઓવરમાં 146/9 (ડાર્સી કાર્ટર 59, એઇલ્સા લિસ્ટર 33; આલિયા એલીન 3-11, હેલી મેથ્યુઝ 3-19)
· પરિણામ: વેસ્ટ ઈન્ડિઝ 7 રનથી વિજેતા.
(6:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
