તા. ૨૭ ઓગષ્ટ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ સુદ – ૧૪ ગુરૂવાર
News of Thursday, 25th June 2026
મહિલા ટી૨૦ વર્લ્ડ કપમાં બાંગ્લાદેશને ૫ વિકેટે હરાવી સેમિફાઇનલની નજીક પહોંચી ભારતીય ટીમ : હવે ઓસ્ટ્રેલિયા સામે થશે મહામુકાબલો
શેફાલી વર્માની અડધી સદીની મદદથી ભારતે નોંધાવી ત્રીજી જીત : ડાયરેક્ટ ક્વોલિફાય કરવા માટે છેલ્લી લીગ મેચમાં કાંગારૂઓને હરાવવું અનિવાર્ય, નહિતર દક્ષિણ આફ્રિકાના પરિણામો પર રાખવો પડશે આધાર

નવી દિલ્હી: મહિલા ટી૨૦ વિશ્વ કપ ૨૦૨૬માં ભારતીય મહિલા ક્રિકેટ ટીમે શાનદાર પ્રદર્શન જાળવી રાખતા બાંગ્લાદેશને ૫ વિકેટે પરાજય આપ્યો છે. આ વિજય સાથે હરમનપ્રીત કૌરના નેતૃત્વવાળી ટીમ ઇન્ડિયા સેમિફાઇનલની બિલકુલ નજીક પહોંચી ગઈ છે. જોકે, સેમિફાઇનલમાં પોતાની જગ્યા સીધી જ પાકી કરવા માટે ભારતે રવિવારે યોજાનારી તેની છેલ્લી લીગ મેચમાં મજબૂત ઓસ્ટ્રેલિયન ટીમનો સામનો કરવો પડશે અને આ મેચ કોઈ પણ સંજોગોમાં જીતવી પડશે.
ગુરુવારે રમાયેલા રોમાંચક મુકાબલામાં બાંગ્લાદેશે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. બાંગ્લાદેશની ટીમે નિયત ૨૦ ઓવરમાં ૮ વિકેટ ગુમાવીને ૧૩૬ રન બનાવ્યા હતા. ૧૩૭ રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમે ૫ વિકેટ ચોક્કસ ગુમાવી હતી, પરંતુ ૧૯ બોલ બાકી રહેતા જ ૧૬.૫ ઓવરમાં ૫ વિકેટે ૧૩૯ રન બનાવી મેચ પોતાના નામે કરી લીધી હતી. ભારત તરફથી ઓપનર શેફાલી વર્માએ સૌથી વધુ ૫૩ રનની શાનદાર ઇનિંગ રમી હતી, જ્યારે મેચના અંતિમ ચરણમાં જેમિમાએ પણ કેટલાક આકર્ષક મોટા શોર્ટ્સ ફટકારી ટીમને જીત અપાવી હતી. જોકે, ફેન્સને ભારતીય ટીમ પાસેથી આનાથી વધુ શ્રેષ્ઠ પ્રદર્શનની આશા હતી.
ચાલુ ટી૨૦ વર્લ્ડ કપના અભિયાન પર નજર કરીએ તો, ભારતીય ટીમે અત્યાર સુધીમાં કુલ ચાર મુકાબલા રમ્યા છે, જેમાંથી ત્રણમાં શાનદાર જીત મેળવી છે. ભારતે પોતાની પ્રથમ મેચમાં પરંપરાગત પ્રતિસ્પર્ધી પાકિસ્તાનને ૬૪ રને કચડીને વિજયી પ્રારંભ કર્યો હતો. ત્યારપછીની આગામી મેચમાં નેધરલેન્ડ સામે ૯૫ રનની વિશાળ જીત મેળવતા ભારતનો નેટ રન રેટ ઘણો મજબૂત બન્યો હતો. બાંગ્લાદેશ સામેની આ જીત બાદ હવે ભારતના ચાર મેચમાં ૬ પોઇન્ટ્સ થયા છે અને ટીમ ૨.૨૬૮ ના ઉત્કૃષ્ટ નેટ રન રેટ સાથે પોઇન્ટ્સ ટેબલમાં બીજા સ્થાને મજબૂતાઈથી બરકરાર છે.
હવે રવિવારે ભારતની છેલ્લી ટક્કર ઓસ્ટ્રેલિયા સામે થવાની છે. ટુર્નામેન્ટના ઇતિહાસમાં ઓસ્ટ્રેલિયાનું પલ્લું હંમેશા ભારે રહ્યું છે. ટી૨૦ વર્લ્ડ કપમાં બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં કુલ ૮ મેચ રમાઈ છે, જેમાંથી ૫ માં ઓસ્ટ્રેલિયાએ અને માત્ર ૨ માં ભારતે જીત મેળવી છે. ભારતે છેલ્લી વાર ૨૦૨૦ના વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું. ઓસ્ટ્રેલિયાએ ગ્રુપમાં પોતાની સતત ચાર જીત સાથે ૮ પોઇન્ટ્સ મેળવી લીધા છે અને ૪.૭૨૪ ના શાનદાર નેટ રન રેટ સાથે પોતાને સૌથી મજબૂત ટીમ સાબિત કરી દીધી છે.
બીજી તરફ, આ ગ્રુપમાં દક્ષિણ આફ્રિકાના મુકાબલા પર પણ ભારતની નજર રહેશે. દક્ષિણ આફ્રિકાએ ત્રણ મેચ રમીને બે માં જીત મેળવી છે, જ્યારે ઓસ્ટ્રેલિયા સામે તેનો પરાજય થયો હતો. આફ્રિકાની અંતિમ બે મેચો નેધરલેન્ડ અને બાંગ્લાદેશ સામે થવાની છે. જો આફ્રિકા આ બંને મેચો જીતી જાય, તો પણ તેણે ભારતના પરિણામ પર નિર્ભર રહેવું પડશે, કારણ કે આફ્રિકાની લીગ મેચો ખતમ થયા બાદ ભારત પોતાની છેલ્લી મેચ રમશે. જો ભારત ઓસ્ટ્રેલિયા સામે હારી જાય અને આફ્રિકા બંને મેચ જીતે, તો સેમિફાઇનલનો નિર્ણય નેટ રન રેટના આધારે થશે. દરેક ગ્રુપમાંથી માત્ર ટોપ બે ટીમો જ આગળ વધવાની હોવાથી, ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકા તરફથી કોઈ પણ પ્રકારના દબાણમાં આવ્યા વિના ઓસ્ટ્રેલિયાને હરાવી બીજા નંબર પર પોતાની પકડ મજબૂત કરવાના પૂરા પ્રયાસ કરશે. હાલમાં દક્ષિણ આફ્રિકાના ૪ પોઇન્ટ્સ છે, પરંતુ નેટ રન રેટ મામલે તે ભારત કરતા ઘણું પાછળ છે.
(11:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
