<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th September 2026

વિમેન્સ એશિયા કપ ૨૦૨૬ : સ્પિનરોની ઘાતક બોલિંગ અને હરમનપ્રીત કૌરની ચતુર રણનીતિના બળે ભારતીય મહિલા ટીમે પાકિસ્તાનને ૭ વિકેટે ચટાડી ધૂળ : જીતની હેટ્રિક સાથે સેમિફાઇનલમાં પ્રવેશ

શ્રી ચરણી અને પ્રેમા રાવતની ૩-૩ વિકેટની મદદથી પાકિસ્તાન T20I માં તેના સૌથી ઓછા ૫૫ રનના સ્કોરે ઓલઆઉટ : ૫૬ રનનો લક્ષ્યાંક ભારતે ૮.૪ ઓવરમાં ૩ વિકેટ ગુમાવીને મેળવી લીધો : શેફાલી વર્માએ T20I માં ૩૦૦૦ રન પૂરા કર્યા

દુબઈ: વિમેન્સ એશિયા કપ ૨૦૨૬ ના ૯મા મેચમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમે શનિવારે પાકિસ્તાન મહિલા ટીમ સામે ૭ વિકેટે ભવ્ય વિજય મેળવીને ટૂર્નામેન્ટમાં પોતાની જીતની હેટ્રિક નોંધાવી છે. આ પહેલા થાઈલેન્ડ અને હોંગકોંગ ચીનને હરાવીને ભારતીય ટીમે સેમિફાઇનલની ટિકિટ કન્ફર્મ કરી લીધી હતી. આ મેચમાં સ્પિનરોની શ્રેષ્ઠ બોલિંગ અને કેપ્ટન હરમનપ્રીત કૌરના રણનીતિક નિર્ણયના કારણે પાકિસ્તાની બેટિંગ લાઈન-અપ સંપૂર્ણપણે પત્તાના મહેલની જેમ વિખેરાઈ ગઈ હતી.

હરમનપ્રીત કૌરની ૧૫૦મી T20I મેચ અને સ્પિનરોનો ધમાકો:
ટોસ જીતીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી પાકિસ્તાન ટીમની શરૂઆત ધીમી રહી હતી. ભારત તરફથી પ્રથમ ૪ ઓવર ફાસ્ટ બોલરોએ ફેંકી હતી જેમાં કોઈ વિકેટ મળી નહોતી. પોતાની ૧૫૦મી T20I મેચ રમી રહેલી ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌરે ૫મી ઓવરમાં સ્પિનરોને બોલ સોંપવાનો ચતુર દાવ ખેલ્યો હતો. હરમનપ્રીત કૌર મહિલા T20I માં કેપ્ટન તરીકે સૌથી વધુ (૧૫૦) મેચ રમવાનો રેકોર્ડ ધરાવે છે. સ્પિનરો આક્રમણ પર આવતા જ પાકિસ્તાની ટીમે ઘૂંટણ ટેકવી દીધા હતા અને આખી ટીમ ૧૮.૧ ઓવરમાં માત્ર ૫૫ રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી. T20I ક્રિકેટમાં પાકિસ્તાન મહિલા ટીમનો આ સૌથી ઓછો સ્કોર છે.

બોલિંગ પ્રદર્શન - શ્રી ચરણી અને પ્રેમા રાવતની ૩-૩ વિકેટ:
પાકિસ્તાન તરફથી ઓપનર મુનીબા અલી (૧૩) અને શાવાલ ઝુલ્ફિકારે (૧૪) પ્રથમ ૪ ઓવરમાં ૨૩ રન જોડ્યા હતા. ૫મી ઓવરમાં શેફાલી વર્માએ મુનીબા અલીને બોલ્ડ કરીને પ્રથમ સફળતા અપાવી હતી. પાવરપ્લેની છેલ્લી ઓવરમાં શ્રી ચરણીએ ગુલ ફિરોઝા (૦) અને શાવાલ ઝુલ્ફિકારને આઉટ કરીને બે ઝટકા આપ્યા હતા. ત્યારબાદ ચરણીએ આયશા ઝફર (૨) ને પણ આઉટ કરી હતી. પ્રેમા રાવતે સદફ શમાસ (૩), એયમાન ફાતિમા અને નાશરા સંધૂને પેવેલિયન ભેગા કર્યા હતા.

દીપ્તી શર્માએ પાકિસ્તાની કેપ્ટન ફાતિમા સનાને LBW કરી હતી. મેચમાં શ્રી ચરણી અને પ્રેમા રાવતે ૩-૩ વિકેટ, દીપ્તી શર્માએ ૨ અને શેફાલી વર્માએ ૧ વિકેટ ઝડપી હતી. આ સાથે શ્રી ચરણી એશિયા કપમાં બીજી સૌથી વધુ વિકેટ (૩૪) લેનારી ભારતીય બોલર બની ગઈ છે, જ્યારે પૂનમ યાદવ ૩૫ વિકેટ સાથે ટોચ પર છે.

શેફાલી વર્માનો રેકોર્ડ અને ભારતનો આસાન વિજય:
૫૬ રનના સરળ લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમ તરફથી શેફાલી વર્માએ ઇનિંગ્સના પહેલા જ બોલ પર છગ્ગો ફટકારીને આક્રમક શરૂઆત કરી હતી. બીજા બોલે ૧ રન લેતાં જ તેણે T20I માં પોતાના ૩૦૦૦ રન પૂરા કર્યા હતા. શેફાલી મહિલા T20I માં ૩૦૦૦ રન બનાવનારી વિશ્વની ૧૬મી અને સ્મૃતિ મંધાના તથા હરમનપ્રીત કૌર પછી ભારતની ૩જી ખેલાડી બની છે. તે સૌથી નાની વયે (૨૨ વર્ષ ૨૨૦ દિવસ) આ સિદ્ધિ મેળવનારી વિશ્વની પ્રથમ ખેલાડી પણ બની છે.

બીજી ઓવરમાં પાકિસ્તાની કેપ્ટન ફાતિમા સનાએ શેફાલી (૧૨) અને પ્રતિકા રાવલ (૪) ને આઉટ કર્યા હતા અને પોતાની બીજી ઓવરમાં સ્મૃતિ મંધાના (૯) ને LBW કરી હતી. ફાતિમા સનાએ ૩ વિકેટ ઝડપી હતી. જોકે, ત્યારબાદ કેપ્ટન હરમનપ્રીત કૌર (૧૮ અણનમ) અને દીપ્તી શર્મા (૧૨ અણનમ) એ ટીમને વધુ ક્ષતિ વિના ૮.૪ ઓવરમાં ૩ વિકેટે વિજય અપાવ્યો હતો.

(10:32 PM IST)