News of Monday, 7th September 2026
મહિલા એશિયા કપ 2026ની ફાઇનલમાં એશિયન ક્રિકેટ કાઉન્સિલના પ્રમુખ મોહસિન નકવી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેવાના અહેવાલથી ફરી ટ્રોફી વિવાદ સર્જાવાના એંધાણ: ભારતીય ટીમ ચેમ્પિયન બને તો ટ્રોફી સ્વીકારવા અંગે મોટો સસ્પેન્સ
ગયા વર્ષે પુરુષ એશિયા કપ ફાઇનલ બાદ નકવીના હાથે ટ્રોફી લેવાનો ભારતે ઇનકાર કર્યો હતો; દુબઇ ખાતે 13 સપ્ટેમ્બરે યોજાનાર ફાઇનલમાં હરમનેપ્રીત કૌરની આગેવાની હેઠળની ભારતીય ટીમ ફરી એ જ સ્થિતિ સામે આવી શકે છે

નવી દિલ્હી: મહિલા એશિયા કપ 2026 ક્રિકેટ ટૂર્નામેન્ટ તેની આખરી ચરણ તરફ આગળ વધી રહી છે ત્યારે 13 સપ્ટેમ્બરે રમાનારી ફાઇનલ મેચ પહેલાં એક નવો રાજકીય અને ખેલ વિવાદ વકરે તેવી શક્યતાઓ સેવાય રહી છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) ના ચેરમેન અને એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) ના પ્રમુખ મોહસિન નકવી દુબઈમાં યોજાનારી આ ફાઇનલ મેચમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપવાના હોવાના અહેવાલો સામે આવ્યા છે. આ સ્થિતિને કારણે ભારત અને પાકિસ્તાન વચ્ચે ટ્રોફી પ્રેઝન્ટેશનને લઈને ફરી એકવાર વિવાદ સર્જાવાની પૂરી શક્યતા ઊભી થઈ છે.
ગયા વર્ષે પુરુષ એશિયા કપની ફાઇનલમાં પણ આવી જ પરિસ્થિતિ સર્જાઈ હતી. પાકિસ્તાનના ગૃહમંત્રી અને ACC પ્રમુખ મોહસિન નકવી દ્વારા ભારત વિરોધી નિવેદનો અને સરહદી તણાવને કારણે ભારતીય પુરુષ ટીમે નકવીના હાથે ટ્રોફી સ્વીકારવાનો ઇનકાર કરી દીધો હતો. તે સમયે ભારતીય ટીમે ટ્રોફી વિના જ વિજયની ઉજવણી કરી હતી અને તે ટ્રોફી હજુ પણ દુબઈ સ્થિત ACC ના કાર્યાલયમાં પડી રહી છે.
હાલમાં રમાઈ રહેલા મહિલા એશિયા કપમાં હરમનેપ્રીત કૌરની આગેવાની હેઠળની ભારતીય ટીમ શાનદાર ફોર્મમાં છે અને એક પણ મેચ હાર્યા વિના સેમિફાઇનલમાં પ્રવેશ કરી ચૂકી છે. જો ભારતીય મહિલા ટીમ ફાઇનલમાં પહોંચીને ચેમ્પિયન બને છે અને મંચ પર મોહસિન નકવી ટ્રોફી આપવા માટે ઉપસ્થિત રહેશે, તો ભારતીય ટીમ નકવીના હાથે ટ્રોફી લેશે કે કેમ તે અંગે મોટો પ્રશ્ન ઊભો થયો છે.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) તરફથી આ સંભવિત પરિસ્થિતિ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી નથી. જોકે, ક્રિકેટ જગતની નજરો હવે 13 સપ્ટેમ્બરે યોજાનારી ફાઇનલ મેચ અને ત્યારબાદ યોજાનારા એવોર્ડ વિતરણ સમારોહ પર ટકેલી છે.
(4:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
