તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Tuesday, 17th November 2026
૨૦૨૭ના વર્લ્ડ કપમાં રોહિત-વિરાટનું પત્તું કપાશે?
ન્યૂઝીલેન્ડ પ્રવાસમાં રોહિતનું કંગાળ પ્રદર્શન બન્યું ચિંતાનો વિષયઃ યુવા ખેલાડીઓને તક આપવાની દિશામાં પસંદગીકારોનું મંથન

નવી દિલ્હી,તા.૧૭: ભારતીય ક્રિકેટમાં ૨૦૨૭ના વન-ડે વર્લ્ડ કપને લઈને અત્યારથી જ ટીમની રચના અને ખેલાડીઓની પસંદગી અંગે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. ખાસ કરીને ભારતીય ક્રિકેટના બે દિગ્ગજ ખેલાડીઓ રોહિત શર્મા અને વિરાટ કોહલીના ભવિષ્યને લઈને સવાલો ઊભા થયા છે. ન્યૂઝીલેન્ડ પ્રવાસ બાદ આ ચર્ચાએ વધુ જોર પકડ્યું છે. એક તરફ રોહિત શર્માનું નિરાશાજનક પ્રદર્શન ચિતાનું કારણ બન્યું છે, તો બીજી તરફ વિરાટ કોહલીના અનુભવ અને વર્તમાન ફોર્મને ધ્યાનમાં રાખીને તેની સ્થિતિ અલગ માનવામાં આવી રહી છે.
ન્યૂઝીલેન્ડ સામેની વન-ડે શ્રેણીમાં રોહિત શર્મા અપેક્ષા મુજબનું પ્રદર્શન કરી શક્યો નથી. તેના બેટમાંથી રન ન નીકળતાં આગામી વર્લ્ડ કપમાં તેના સ્થાન અંગે ચર્ચા શરૂ થઈ છે. જોકે રોહિત જેવા અનુભવી ખેલાડીને માત્ર એક શ્રેણીના પ્રદર્શનના આધારે ટીમમાંથી બહાર કરવાની ઉતાવળ થાય તેવી શક્યતા ઓછી છે. આગામી શ્રેણીઓમાં તેનું પ્રદર્શન નિર્ણાયક બની શકે છે.
બીજી તરફ વિરાટ કોહલીની સ્થિતિ પ્રમાણમાં મજબૂત છે. વન-ડે ક્રિકેટમાં તેનો શાનદાર રેકોર્ડ, અનુભવ અને દબાણની પરિસ્થિતિમાં રમવાની ક્ષમતા તેને ટીમનો મહત્વનો હિસ્સો બનાવે છે. તેમ છતાં વર્લ્ડ કપ સુધી સતત સારું પ્રદર્શન જાળવી રાખવું તેના માટે પણ જરૂરી રહેશે.
ભારતીય ટીમ હવે આગામી વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને યુવા ખેલાડીઓને વધુ તક આપવાની દિશામાં આગળ વધી રહી છે. શુભમન ગિલ, યશસ્વી જાયસવાલ સહિતના યુવા ખેલાડીઓની ભૂમિકા પણ મહત્વની બની શકે છે. ટીમ મેનેજમેન્ટ સામે એક તરફ અનુભવી ખેલાડીઓનો ઉપયોગ કરવાનો અને બીજી તરફ ભવિષ્યની મજબૂત ટીમ તૈયાર કરવાનો પડકાર રહેશે.
જોકે અત્યારે રોહિત શર્મા કે વિરાટ કોહલીમાંથી કોઈને પણ વર્લ્ડ કપની ટીમમાંથી પડતા મૂકવાનો અંતિમ નિર્ણય થયો હોવાનું કહી શકાય નહીં. બંને ખેલાડીઓનું ભવિષ્ય આગામી પ્રદર્શન, ફિટનેસ અને ટીમની જરૂરિયાત પર નિર્ભર રહેશે. હવે જોવાનું એ રહેશે કે ૨૦૨૭ના વર્લ્ડ કપમાં આ બે દિગ્ગજ ફરી એકવાર ભારતીય ટીમની જર્સીમાં મેદાન ગજવશે કે યુવા ખેલાડીઓ માટે માર્ગ મોકળો થશે.
(4:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
