<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th July 2026

વિશ્વ વિજેતા હોવા છતાં શું ભારતીય ટીમ ઓલિમ્‍પિકમાંથી આઉટ થઈ જશે?

ક્રિકેટ જગતમાં મોટો ફફડાટ : ટ્‍વેન્‍ટી-૨૦ વર્લ્‍ડ કપ ૨૦૨૬ જીત્‍યા બાદ ટીમ ઇન્‍ડિયાના ગ્રાફમાં અચાનક મોટો કડાકોઃ આયર્લેન્‍ડ અને ઇંગ્‍લેન્‍ડ સામેની કારમી હારથી લોસ એન્‍જલસ ૨૦૨૮નો ક્‍વોલિફિકેશન રોડ બન્‍યો અત્‍યંત કાંટાળો

નવી દિલ્‍હી તા.૧૧: ભારતીય ક્રિકેટ ટીમ અત્‍યારે એક અણધાર્યા સંકટમાં મૂકાઈ ગઈ છે. વિશ્વ વિજેતા બન્‍યાના ગણતરીના દિવસોમાં જ ટીમ ઇન્‍ડિયાના ગ્રાફમાં જોરદાર કડાકો જોવા મળ્‍યો છે. સતત ૫ કારમી હારને કારણે હવે આગામી ૨૦૨૮ની લોસ એન્‍જલસ ઓલિમ્‍પિક ગેમ્‍સમાં ભારતીય ટીમ ક્‍વોલિફાય કરી શકશે કે નહીં, તે અંગે મોટો સસ્‍પેન્‍સ ઊભો થયો છે. આ નબળા પ્રદર્શને ક્રિકેટ જગતમાં ભારે ફફડાટ મચાવી દીધો છે અને ઓલિમ્‍પિકનું ગણિત સંપૂર્ણપણે બગાડી નાખ્‍યું છે.

વર્લ્‍ડ કપ જીત્‍યા બાદ અજેય ગણાતી ભારતીય ટીમની ગાડી અચાનક પાટા પરથી ઉતરી ગઈ છે. તાજેતરમાં રમાયેલી શ્રેણીઓમાં આયર્લેન્‍ડ અને ઇંગ્‍લેન્‍ડ સામે વેઠવી પડેલી શરમજનક હારને કારણે ભારતની રેન્‍કિંગ અને પોઇન્‍ટ્‍સ પર માઠી અસર પડી છે. સતત પાંચ મેચોમાં પરાજય મળતાની સાથે જ લોસ એન્‍જલસ ૨૦૨૮ ઓલિમ્‍પિક માટેનો જે ક્‍વોલિફિકેશન રોડ અત્‍યાર સુધી સરળ લાગતો હતો, તે હવે અત્‍યંત કાંટાળો અને મુશ્‍કેલ બની ગયો છે.

વર્ષ ૨૦૨૮માં અમેરિકાના લોસ એન્‍જલસમાં રમાનારી ઓલિમ્‍પિક રમતોમાં ક્રિકેટનો (ટી૨૦ ફોર્મેટ) સત્તાવાર સમાવેશ કરવામાં આવ્‍યો છે. જોકે, તેમાં મર્યાદિત ટીમોને જ પ્રવેશ મળવાનો હોવાથી આઇસીસી રેન્‍કિંગ અને ક્‍વોલિફાયર મેચો ખૂબ મહત્‍વની બની ગઈ છે. ભારતીય ટીમ જે રીતે એક પછી એક મેચો હારી રહી છે, તેનાથી તેના રેટિગ પોઇન્‍ટ્‍સ ઝડપથી ઘટ્‍યા છે. જો આ જ સિલસિલો ચાલુ રહેશે તો ડિફેન્‍ડિંગ વર્લ્‍ડ ચેમ્‍પિયન હોવા છતાં ભારતે ઓલિમ્‍પિકની ટિકિટ મેળવવા માટે લોઢાના ચણા ચાવવા પડશે અથવા તો ક્‍વોલિફિકેશન રેસમાંથી બહાર થવાનો પણ વારો આવી શકે છે.

ખેલ જગતના વિશ્‍લેષકોના મતે, આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્‍સિલ  ઓલિમ્‍પિક માટેના ક્‍વોલિફિકેશનના નિયમો ટૂંક સમયમાં આખરી ઓપ આપશે, જેમાં વર્તમાન ટી૨૦ રેન્‍કિંગ સૌથી મહત્‍વનો ભાગ ભજવશે. ટી૨૦ વર્લ્‍ડ કપ ૨૦૨૬ની ટ્રોફી જીત્‍યા બાદ ભારતીય ટીમ ઓવર-કોન્‍ફિડન્‍સનો ભોગ બની હોય તેમ લાગી રહ્યું છે. આયર્લેન્‍ડ જેવી પ્રમાણમાં નબળી ટીમ સામેની હાર અને ઇંગ્‍લેન્‍ડ સામેનું કથળેલું પ્રદર્શન ટીમના નબળા ફોર્મને છતું કરે છે. હવે જો ભારતે ઓલિમ્‍પિકમાં સીધો પ્રવેશ મેળવવો હોય, તો આગામી તમામ આંતરરાષ્ટ્રીય ટી૨૦ શ્રેણીઓમાં કમબેક કરીને જીત મેળવવી અનિવાર્ય બની ગઈ છે. ભારતીય ફેન્‍સ અને ક્રિકેટ બોર્ડ માટે પણ આ આંકડા ચિતા ઉપજાવનારા છે.

(3:12 PM IST)