<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 19th April 2026

મોઈન અલીએ IPLની ઝાકઝમાળ છોડી PSL કેમ પસંદ કરી? ‘દિલની વાત’ કરતા ખુલી અંગ્રેજ ક્રિકેટરની લાચારી, CSK અને RCBના ફેન્સ પણ ભાવુક!

“બેન્ચ પર બેસી રહેવા કરતા મેદાનમાં પરસેવો પાડવો વધુ ગમે છે”: 38 વર્ષની ઉંમરે મોઈન અલીનો મોટો નિર્ણય - પરિવાર સાથે સમય વિતાવવા અને સતત રમવા માટે ભારતીય લીગને કહી ‘બાય-બાય’

રાજકોટ | તા.18: વિશ્વની સૌથી ધનાઢ્ય અને ગ્લેમરસ ગણાતી ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026 અત્યારે પૂરજોશમાં ચાલી રહી છે, પરંતુ એક દિગ્ગજ ખેલાડીની ખોટ ચાહકોને વર્તાઈ રહી છે. તે છે ઈંગ્લેન્ડનો સ્ટાર ઓલરાઉન્ડર મોઈન અલી. ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) જેવી મોટી ટીમો તરફથી રમી ચૂકેલા મોઈને આ વખતે IPL છોડીને પાકિસ્તાન સુપર લીગ (PSL) માં રમવાનું પસંદ કર્યું છે. તેના આ નિર્ણય પાછળ તેની લાચારી અને ક્રિકેટ પ્રત્યેનો સાચો પ્રેમ જવાબદાર છે.
બેન્ચ પર બેસવાની લાચારી
એક પોડકાસ્ટમાં વાતચીત દરમિયાન મોઈન અલીએ કબૂલ્યું હતું કે IPLમાં સ્પર્ધા એટલી બધી છે કે તેને પ્લેઈંગ ઈલેવનમાં તક મેળવવા માટે સંઘર્ષ કરવો પડતો હતો. તેણે જણાવ્યું કે, "ગયા વર્ષે હું કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) સાથે હતો, પરંતુ મને આખી સીઝનમાં માત્ર 6 મેચ મળી અને બેટિંગ તો માત્ર બે જ વાર આવી." 38 વર્ષની ઉંમરે પહોંચેલા આ ખેલાડીને લાગે છે કે હવે તેની પાસે ક્રિકેટના છેલ્લા કેટલાક વર્ષો બાકી છે, જેમાં તે બેન્ચ પર બેસી રહેવાને બદલે મેદાન પર રહીને રમવા માંગે છે.
પરિવાર અને કરાચી સાથેનું જોડાણ
મોઈન અલીએ PSL પસંદ કરવા પાછળનું બીજું મુખ્ય કારણ સમયગાળો અને પરિવાર ગણાવ્યો છે. IPL એક લાંબી ટુર્નામેન્ટ છે જેમાં ખેલાડીઓએ મહિનાઓ સુધી પરિવારથી દૂર રહેવું પડે છે. તેની સામે PSL એક ટૂંકી લીગ છે, જે તેને તેના પરિવાર સાથે વધુ સમય વિતાવવાની તક આપે છે. વધુમાં, કરાચી સાથેનું તેનું જોડાણ પણ તેને ત્યાં ખેંચી ગયું છે. તેણે કહ્યું, "હું હંમેશાથી PSL રમવા માંગતો હતો, પણ દર વખતે શેડ્યૂલ IPL સાથે ટકરાતું હતું, આ વખતે મેં મારી ઈચ્છા પૂરી કરી છે."
IPLમાં યાદગાર સફર
મોઈન અલીનું IPL કરિયર શાનદાર રહ્યું છે. તેણે 2018 થી 2024 દરમિયાન RCB અને CSK જેવી મોટી ફ્રેન્ચાઈઝી માટે કુલ 73 મેચ રમી છે. ખાસ કરીને ધોનીની કેપ્ટનશીપ હેઠળ ચેન્નાઈ માટે તેણે અનેક મેચ વિનિંગ ઈનિંગ્સ રમી છે. IPLમાં તેના નામે 1167 રન અને 41 વિકેટ નોંધાયેલી છે. જોકે, હવે તે પોતાની કારકિર્દીના આખરી પડાવ પર વધુમાં વધુ મેચ રમીને આનંદ મેળવવા માંગે છે.
મોઈન અલીનો આ નિર્ણય એવા યુગમાં આવ્યો છે જ્યાં ખેલાડીઓ માત્ર પૈસા પાછળ ભાગે છે, જ્યારે તેણે મેદાન પર રમવાના આનંદને સર્વોપરી ગણાવ્યો છે.

(12:35 AM IST)