તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 30th September 2026
ગુવાહાટીમાં શાઈ હોપની ધમાકેદાર સદી સાથે વેસ્ટ ઈન્ડિઝે રચ્યો ઈતિહાસ: બ્રાયન લારાનો રેકોર્ડ તોડી ભારત સામે ખડક્યો ૪૦૫ રનનો પહાડ જેવા સ્કોર
વિન્ડીઝ ટીમે ભારતીય બોલરોની ધજાગરા ઉડાવી ફટકારી ૩ શાનદાર સદી; સુકાની શાઈ હોપ ODI ક્રિકેટમાં ૨૦મી સદી ફટકારી સૌથી વધુ સદી ફટકારનાર બીજા વિન્ડીઝ બેટ્સમેન બન્યા

ગુવાહાટી : ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ગુવાહાટીના બારસાપારા સ્ટેડિયમ ખાતે રમાયેલી બીજી વન-ડે (ODI) મેચમાં રનનો માતબર ખડકલો જોવા મળ્યો છે. વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન શાઈ હોપે શાનદાર બેટિંગ કરીને દિગ્ગજ ખેલાડી બ્રાયન લારાનો વર્ષો જૂનો રેકોર્ડ તોડી નાખ્યો છે. આ મેચમાં કેપ્ટન હોપની આગેવાની હેઠળ વિન્ડીઝ ટીમે ભારતીય બોલરોની આકરી પરીક્ષા લેતા વન-ડે ક્રિકેટ ઈતિહાસમાં પોતાનો સર્વોચ્ચ સ્કોર ૪૦૫/૭ નોંધાવ્યો છે.
શાઈ હોપે ફટકારી ૨૦મી સદી: બ્રાયન લારાને પાછળ છોડ્યા
મેચમાં કેપ્ટન શાઈ હોપે માત્ર ૯૪ બોલમાં ૮ ચોગ્ગા અને ૩ છગ્ગાની મદદથી ૧૦૪ રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી. આ સદી સાથે તેમણે વેસ્ટ ઈન્ડિઝ માટે ODI ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારવાના મામલે બ્રાયન લારા (૧૯ સદી) ને પાછળ છોડી દીધા છે. હોપે માત્ર ૧૫૭ મેચોમાં પોતાની ૨૦મી સદી પૂરી કરી લીધી છે. હવે તેમની આગળ માત્ર 'યુનિવર્સ બોસ' ક્રિસ ગેલ (૨૫ સદી) છે. ખાસ કરીને ભારતીય ધરતી પર હોપનો રેકોર્ડ અદભુત રહ્યો છે, જ્યાં તેમણે ૧૬ મેચોમાં ૭૧.૪૧ ની ધમાકેદાર સરેરાશથી ૮૫૭ રન બનાવ્યા છે.
એક જ ઇનિંગમાં ૩ સદી: વિન્ડીઝનો ૪૦૫ રનનો રેકોર્ડબ્રેક સ્કોર
ભારતે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો, પરંતુ વેસ્ટ ઈન્ડિઝના બેટ્સમેનોએ આ નિર્ણયને તદ્દન ખોટો સાબિત કર્યો હતો. શાઈ હોપના ૧૦૪ રન ઉપરાંત, જ્હોન કેમ્પબેલે (૬૮ બોલમાં ૧૦૧ રન) અને અમીર જંગૂએ (૭૭ બોલમાં ૧૧૪ રન) પણ વિસ્ફોટક સદીઓ ફટકારી હતી. આ ત્રણેય બેટ્સમેનોના આક્રમક શતકોના જોરે વેસ્ટ ઈન્ડિઝે નિર્ધારિત ૫૦ ઓવરમાં ૭ વિકેટે ૪૦૫ રનનો વિશાળ સ્કોર ઊભો કર્યો હતો.
ભારતીય બોલરોના ધજાગરા
ભારતીય બોલિંગ આક્રમણ વિન્ડીઝના બેટ્સમેનો સામે સંપૂર્ણપણે લાચાર નજરે પડ્યું હતું. ગુરનૂર બ્રારે ૨ વિકેટ ઝડપી હતી પરંતુ ૯૬ રન લૂંટાવ્યા હતા, જ્યારે પદાર્પણ કરનાર આકિબ નબીએ ૮.૫ ઓવરમાં ૮૪ રન આપી દીધા હતા. અનુભવી રવિન્દ્ર જાડેજાએ પણ ૨ વિકેટ લેવા માટે ૭૫ રન ખર્ચ્યા હતા. ભારતીય ટીમ તરફથી માત્ર ચાઈનામેન બોલર કુલદીપ યાદવ જ કંઈક અંશે રન રેટ પર અંકુશ મેળવવામાં સફળ રહ્યા હતા, જેમણે ૬૫ રન આપીને ૨ વિકેટ ઝડપી હતી.
(8:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
