<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 3rd September 2026

2023માં ગોલ્ડ જીતાડનાર વીવીએસ લક્ષ્મણ રહેશે એશિયન ગેમ્સમાં ભારતીય પુરુષ ટીમનાં કોચ

રમત-ગમત મંત્રાલયે કોચોની યાદી જાહેર કરી છે. લક્ષ્મણની સાથે સુનીલ જોશી, ઋષિકેશ કાનિતકર અને સુભદીપ ઘોષ પણ ટીમના કોચિંગ સ્ટાફમાં રહેશે.

નેશનલ ક્રિકેટ એકેડમીનાં ડિરેક્ટર વીવીએસ લક્ષ્મણ આ મહિને જાપાનનાં આઈચી-નાગોયામાં યોજાનાર એશિયન ગેમ્સમાં ભારતીય પુરુષ ટીમનાં કોચ રહેશે. રમત-ગમત મંત્રાલયે કોચોની યાદી જાહેર કરી છે. લક્ષ્મણની સાથે સુનીલ જોશી, ઋષિકેશ કાનિતકર અને સુભદીપ ઘોષ પણ ટીમના કોચિંગ સ્ટાફમાં રહેશે. લક્ષ્મણે 2023માં ચીનનાં હાંગજોઉમાં યોજાયેલ એશિયન ગેમ્સમાં પણ ભારતીય ટીમને કોચિંગ આપી હતી, જ્યાં ટીમે ગોલ્ડ મેડલ જીત્યો હતો.

ટીમના નિયમિત હેડ કોચ ગૌતમ ગંભીર વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ હોમ વન-ડે સિરીઝ દરમિયાન સિનિયર ટીમ સાથે રહેશે. ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે પ્રથમ વન-ડે 27 સપ્ટેમ્બરે રમાશે. એશિયન ગેમ્સમાં ક્રિકેટની સ્પર્ધા 24 સપ્ટેમ્બરથી શરૂ થશે. ભારતીય ટીમ પોતાની પ્રથમ મેચ તેના 4 દિવસ બાદ રમશે.

અમોલ મજુમદાર ભારતીય મહિલા ટીમની કમાન સંભાળતા રહેશે. ગત વખતે કાનિટકરની કોચિંગમાં મહિલા ટીમે પણ ગોલ્ડ જીત્યો હતો. મજુમદાર સાથે બોલિંગ કોચ આવિષ્કાર સાલવી અને ફિલ્ડિંગ કોચ મુનીશ બાલી રહેશે. ભારતીય મહિલા ટીમ પોતાના અભિયાનનો પ્રારંભ જાપાન વિરુદ્ધ ક્વાર્ટર ફાઈનલથી કરશે. પુરુષ ટીમનો મુકાબલો ગ્રુપ-એમાં બીજા સ્થાને રહેનાર ટીમથી થશે. ગ્રુપ-એમાં અફઘાનિસ્તાન, જાપાન અને નેપાળ સામેલ છે.

(8:35 PM IST)