તા. ૩ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૧ બુધવાર
News of Wednesday, 9th September 2026
રેસલિંગ રિંગમાં વિનેશ ફોગટની વાપસી પર મોટો સસ્પેન્સ: દિલ્હી હાઈકોર્ટે વર્લ્ડ ચેમ્પિયનશિપ ટ્રાયલ્સમાં એન્ટ્રી અંગે WFI પાસે માગ્યો તાત્કાલિક જવાબ!
મધરહુડ અને મેટરનિટી લીવ પછી કમબેક કરતી મહિલા એથ્લેટ્સ માટે ફેર પોલિસીની માગ; ૧૪ સપ્ટેમ્બરે યોજાનારી પસંદગી ટ્રાયલ્સમાં ભાગ લેવા વિનેશે કોર્ટના દરવાજા ખટખટાવ્યા

નવી દિલ્હી : ભારતની સ્ટાર મહિલા રેસલર વિનેશ ફોગટની કુસ્તીમાં વાપસીને લઈને ચાલી રહેલા વિવાદમાં દિલ્હી હાઈકોર્ટે મહત્વપૂર્ણ વલણ અપનાવ્યું છે. ૨૦૨૬ ની સિનિયર વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપ માટે યોજાનારી સિલેક્શન ટ્રાયલ્સમાં વિનેશ ફોગટને ભાગ લેવા દેવાશે કે નહીં, તે અંગે દિલ્હી હાઈકોર્ટે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI) પાસે સ્પષ્ટ સૂચનાઓ અને સ્ટેન્ડ માંગ્યો છે. જસ્ટિસ સ્વર્ણ કાંતા શર્માની સિંગલ બેન્ચે WFI ના વકીલને આ મુદ્દા પર સૂચનાઓ મેળવવા અને વિનેશ સામે ચાલી રહેલી શિસ્તભંગની કાર્યવાહીમાં કોઈ પણ આખરી નિર્ણય હાલ પૂરતો મુલતવી રાખવા નિર્દેશ આપ્યો છે.
ગર્ભાવસ્થા પછી વાપસી કરતી મહિલા એથ્લેટ્સ માટે સ્પષ્ટ નીતિની માગ:
વિનેશ ફોગટે હાઈકોર્ટમાં નવી અરજી દાખલ કરીને WFI ના ૭ સપ્ટેમ્બરના એ પરિપત્રને પડકાર્યો છે, જે ૨૪ ઓક્ટોબરથી ૧ નવેમ્બર દરમિયાન કઝાકિસ્તાનના અસ્તાનામાં યોજાનારી 'સિનિયર વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપ' માટેના પાત્રતા માપદંડ નક્કી કરે છે. વિનેશના વરિષ્ઠ વકીલ રાજશેખર રાવે રજૂઆત કરી હતી કે, "મધરહુડ (માતૃત્વ) અને પ્રસૂતિ પછીની રિકવરીને કારણે રમતમાં ગેરહાજર રહેવા બદલ કોઈ ખેલાડીને પસંદગી પ્રક્રિયામાંથી બાકાત ન રાખી શકાય. હું કોઈ ફ્રી પાસ નથી માંગી રહી, પણ ૧૪ સપ્ટેમ્બરના રોજ ઈન્દિરા ગાંધી સ્ટેડિયમમાં યોજાનારી મહિલા ટ્રાયલ્સમાં ભાગ લેવાની સમાન તક માંગું છું."
શિસ્તભંગની કાર્યવાહી અને WFI સાથે વિવાદ:
WFI એ આ અગાઉ વિનેશ ફોગટ પર અનુશાસનહીનતા અને ડોપિંગ વિરોધી નિયમોના ભંગ જેવા આરોપો લગાવીને ૧૫ પાનાની શો-કોઝ નોટિસ ફટકારી હતી અને શિસ્તભંગની કાર્યવાહી શરૂ કરી હતી. વિનેશે આ કાર્યવાહીને મનસ્વી અને રમતમાંથી તેને બહાર રાખવાનું કાવતરું ગણાવ્યું છે. તેણે દલીલ કરી હતી કે આંતરરાષ્ટ્રીય ટેસ્ટિંગ એજન્સીએ તેને રમત માટે ક્લીન ચિટ આપી હોવા છતાં ફેડરેશન તેને હેરાન કરી રહ્યું છે.
અગાઉ એશિયન ગેમ્સ ટ્રાયલ્સમાં પણ પહોંચી હતી કોર્ટ:
આ પહેલીવાર નથી જ્યારે વિનેશને પાત્રતા નિયમો માટે અદાલતના દરવાજા ખટખટાવવા પડ્યા હોય. ૨૦૨૬ એશિયન ગેમ્સ ટ્રાયલ્સ વખતે પણ તેને બાકાત રખાતાં કોર્ટે માતૃત્વના આધારે તક ન નકારવાનો આદેશ આપીને ભાગ લેવા દીધી હતી. જોકે, ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમમાં રમાયેલી ૫૩ કિગ્રા કેટેગરીની સેમિફાઇનલમાં મીનાક્ષી ગોયત સામે ૪-૬ થી હારી જતાં તે ક્વોલિફાય થઈ શકી નહોતી. હવે હાઈકોર્ટ આ મામલે આગળ શું આદેશ આપે છે તેના પર સમગ્ર રમતજગતની નજર ટકેલી છે.
(8:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
