<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 9th May 2026

વિનેશ ફોગાટના કમબેક પર વાગી 'બ્રેક': WFI એ ૨૦૨૬ સુધી મેદાનમાંથી કરી આઉટ, ૧૫ પાનાની નોટિસમાં ગંભીર આરોપોની લાગી ઝડી!

ડોપિંગ ટેસ્ટ મિસ કરવાથી લઈને શિસ્તભંગ સુધીના મામલે મહિલા કુસ્તીબાજ ઘેરાઈ; ગોંડા ટુર્નામેન્ટના દ્વાર બંધ થતા ૨૦૨૮ ઓલિમ્પિકના સપના પર જોખમ

નવી દિલ્હી, તા.૦૯: ભારતીય મહિલા કુસ્તીની શાન ગણાતી વિનેશ ફોગાટની રિંગમાં વાપસીની આશાઓ પર ફરી એકવાર પાણી ફરી વળ્યું છે. પેરિસ ઓલિમ્પિકના વિવાદો બાદ કમબેક કરવા તૈયાર વિનેશને ભારતીય કુસ્તી મહાસંઘ (WFI) એ મોટો ઝટકો આપ્યો છે. ફેડરેશને શનિવારે વિનેશ વિરુદ્ધ કડક શિસ્તભંગના પગલાં લેતા તેને ૨૬ જૂન ૨૦૨૬ સુધી તમામ ઘરેલું ટુર્નામેન્ટ માટે અયોગ્ય જાહેર કરી દીધી છે. 
ડોપિંગ ટેસ્ટ અને કાયદાકીય ગૂંચ મહાસંઘે વિનેશ સામે ૧૫ પાનાની કારણ બતાવો નોટિસ ફટકારી છે, જેમાં સૌથી ગંભીર આરોપ ડોપિંગ ટેસ્ટ મિસ કરવાનો છે. WFI ના જણાવ્યા અનુસાર, વિનેશે ૧૮ ડિસેમ્બર ૨૦૨૫ ના રોજ પોતાનો ડોપિંગ ટેસ્ટ આપ્યો ન હતો અને પોતાની ઉપલબ્ધતા (Whereabouts) અંગેની માહિતી આપવામાં પણ બેદરકારી દાખવી હતી. આ ઉપરાંત, સંન્યાસમાંથી પરત આવવા માટે જે ૬ મહિનાનો ફરજિયાત નોટિસ પિરિયડ પૂરો કરવો પડે છે, તેમાં પણ વિનેશે નિયમોનું ઉલ્લંઘન કર્યું હોવાનું ફેડરેશને નોંધ્યું છે. 
ગોંડા ટુર્નામેન્ટમાંથી બહાર: વાપસીનો માર્ગ મુશ્કેલ આ પ્રતિબંધને કારણે વિનેશ ફોગાટ ૧૦ થી ૧૨ મે ૨૦૨૬ દરમિયાન ઉત્તર પ્રદેશના ગોંડામાં યોજાનારી નેશનલ ઓપન રેન્કિંગ ટુર્નામેન્ટમાં હિસ્સો લઈ શકશે નહીં. વિનેશ માટે આ ટુર્નામેન્ટ સત્તાવાર વાપસી માટેનો પ્રથમ અને મહત્વનો માર્ગ હતી, જે હવે તેના માટે બંધ થઈ ગયો છે. ફેડરેશનના અધ્યક્ષ સંજય સિંહે સ્પષ્ટ કર્યું છે કે ખેલાડીએ નિયમોનું પાલન કર્યું છે કે નહીં તેની તપાસ કરવી અનિવાર્ય છે. 
ભૂતકાળનું આચરણ અને શિસ્તહીનતાના આરોપો નોટિસમાં માત્ર વર્તમાન જ નહીં પરંતુ વિનેશના ભૂતકાળના વર્તન પર પણ આકરા પ્રહારો કરવામાં આવ્યા છે. માર્ચ ૨૦૨૪ ના સિલેક્શન ટ્રાયલ્સ દરમિયાન બે અલગ-અલગ વજનની શ્રેણીમાં ભાગ લેવો અને પેરિસ ઓલિમ્પિકમાં વજન વધવાને કારણે અયોગ્ય જાહેર થવાથી ભારતની છબી ખરડાઈ હોવાનો આરોપ મહાસંઘે મૂક્યો છે. 
૧૪ દિવસમાં જવાબ આપવો પડશે WFI એ વિનેશ ફોગાટને પોતાની સફાઈ આપવા માટે ૧૪ દિવસનો સમય આપ્યો છે. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા જ વિનેશે આશંકા વ્યક્ત કરી હતી કે ગોંડામાં તેની સાથે પક્ષપાત થઈ શકે છે. હાલમાં આ પ્રતિબંધને કારણે વિનેશની ૨૦૨૮ લોસ એન્જલસ ઓલિમ્પિકની તૈયારીઓ પર મોટા પ્રશ્નાર્થ ચિન્હો ઉભા થયા છે.

(6:28 PM IST)