તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 30th July 2026
અનુભવી બેટ્સમેન અજિક્ય રહાણેએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી
ટેસ્ટ ક્રિકેટમાં સંકટમોચન ગણાતા રહાણેએ સોશિયલ મીડિયા પર ભાવુક પોસ્ટ શેર કરીને ક્રિકેટના તમામ આંતરરાષ્ટ્રીય ફોર્મેટને અલવિદા કર્હ્યું : ઓસ્ટ્રેલિયામાં ૨૦૨૦-૨૧ની ઐતિહાસિક બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં કેપ્ટનશીપ કરીને ભારતને શ્રેણી વિજય અપાવવામાં ભજવી હતી યાદગાર ભૂમિકાઃ ઘર આંગણે અને વિદેશની કઠિન પીચો પર ભારતીય મિડલ ઓર્ડરની મજબૂત દીવાલ બનીને અનેક મેચોમાં ટીમ ઇન્ડિયાને જીત અપાવી

નવી દિલ્હી તા.૩૦: ભારતીય ક્રિકેટ ટીમ અને ચાહકો માટે એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. ટીમ ઇન્ડિયાના અનુભવી અને મિડલ ઓર્ડરના ભરોસાપાત્ર બેટ્સમેન અજિક્ય રહાણેએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે. લાંબા સમયથી ભારતીય ટીમની બહાર ચાલી રહેલા રહાણેએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટના તમામ ફોર્મેટને અલવિદા કહીને પોતાના શાનદાર આંતરરાષ્ટ્રીય કરિયરનો અંત આણ્યો છે. રહાણેના આ નિર્ણયથી ક્રિકેટ જગતમાં અને તેના ચાહકોમાં નિરાશા વ્યાપી ગઈ છે.
અજિક્ય રહાણેએ પોતાના અધિકૃત સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક ભાવુક સંદેશ શેર કરીને પોતાની નિવૃત્તિની માહિતી આપી હતી. તેણે લખ્યું હતું કે, ભારત માટે રમવું એ મારા જીવનનું સૌથી મોટું સન્માન રહ્યું છે. બ્લુ જર્સી પહેરીને દેશનું પ્રતિનિધિત્વ કરવાનો અહેસાસ શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી. મારી આ સફરમાં સાથ આપનાર તમામ કોચ, સાથી ખેલાડીઓ, બીસીસીઆઈ અને ખાસ કરીને દેશના ક્રિકેટ ચાહકોનો હું હૃદયપૂર્વક આભાર માનું છું.
અજિક્ય રહાણેને ખાસ કરીને ટેસ્ટ ક્રિકેટમાં ભારતીય ટીમના સંકટમોચન તરીકે ઓળખવામાં આવતો હતો. જ્યારે પણ ટીમ મુશ્કેલીમાં હોય ત્યારે રહાણે પોતાની શાંત અને સંયમિત બેટિગથી ટીમને ઉગારી લેતો હતો. રહાણેના કરિયરનો સૌથી યાદગાર તબક્કો ૨૦૨૦-૨૧નો ઓસ્ટ્રેલિયા પ્રવાસ હતો, જ્યારે વિરાટ કોહલીની ગેરહાજરીમાં તેણે ટીમ ઇન્ડિયાનું નેતૃત્વ કર્યું હતું. એડિલેડ ટેસ્ટમાં ભારતીય ટીમ ૩૬ રનમાં ઓલઆઉટ થઈ ગયા પછી, રહાણેએ પોતાની અદભુત કેપ્ટનશીપ અને મેલબોર્નમાં ફટકારેલી શાનદાર સદીના દમ પર ભારતને ગબ્બા ટેસ્ટ જીતાડીને ઐતિહાસિક શ્રેણી વિજય અપાવ્યો હતો.
રહાણેએ ભારત માટે અસંખ્ય યાદગાર ઇનિગ્સ રમી છે. ઇંગ્લેન્ડના લોર્ડ્ઝ ગ્રાઉન્ડ પર રમેલી સદી હોય કે દક્ષિણ આફ્રિકા અને ન્યૂઝીલેન્ડની કઠિન પીચો પર રમેલી લડાયક ઇનિગ્સ, રહાણેએ હંમેશા મુશ્કેલ પરિસ્થિતિઓમાં રન બનાવ્યા હતા. સ્લિપમાં તેની ક્ષમતા અને ક્ષેત્રરક્ષણ (ફીલ્ડિંગ) પણ ભારતીય ટીમ માટે ખૂબ મહત્વપૂર્ણ રહ્યા હતા.
તેના નિવૃત્તિના નિર્ણય બાદ માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર, વિરાટ કોહલી અને રોહિત શર્મા સહિત ક્રિકેટ જગતના અનેક દિગ્ગજોએ રહાણેને તેની શાનદાર કારકિર્દી બદલ શુભેચ્છા પાઠવી હતી અને ભારતીય ક્રિકેટમાં તેના અમૂલ્ય યોગદાનને બિરદાવ્યું હતું.
(11:37 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
