તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 28th May 2026
વૈભવે ૯૭માંથી ૯૨ રન તો ઉભાં ઉભાં જ ઠોકી દીધાઃ કઈ ભૂલના કારણે સદી ચૂક્યો?
ઇન્ડિયન પ્રીમિયર લીગમાં આ વર્ષે હવે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન વૈભવ સૂર્યવંશી બની ગયો છે

ચંડીગઢ,તા.૨૮: આઈપીએલ ૨૦૨૬માં ગઈકાલે રાજસ્થાન અને હૈદરાબાદનો મુકાબલો રમાયો હતો. મેચમાં રાજસ્થાને હૈદરાબાદને ૪૭ રનથી હરાવીને ક્વોલિફાયર-ટૂમાં પ્રવેશ કર્યો હતો. રાજસ્થાને પ્રથમ બેટિગ કરતા ૨૦ ઑવરમાં ૮ વિકેટના નુકસાન પર ૨૪૩ રન બનાવ્યા હતા. જેના જવાબમાં હૈદરાબાદની ટીમ ૧૯.૨ ઑવરમાં ૧૯૬ રન બનાવી ઑલઆઉટ થઈ ગઈ હતી.
રાજસ્થાન તરફથી વૈભવ સૂર્યવંશીએ તાબડતોડ બેટિગ કરી હતી. તેણે ૨૯ બોલમાં ૧૨ સિક્સર અને ૫ ફોરની મદદથી ૯૭ રન ઠોક્યા હતા. આમ તેણે ૯૨ રન તો ઉભાં ઉભાં જ ઠોકી દીધા હતા. ક્રિસ ગેઈલનો ૩૦ બોલમાં સદીનો રેકોર્ડ તોડવાની ઉતાવળમાં તેણે ઉંચો શોટ ફટકાર્યો હતો અને બાઉન્ડ્રી નજીક કેચ આઉટ થયો હતો. આમ માત્ર ૩ રન માટે તે સદી ચૂકી ગયો હતો. આઉટ થયા બાદ તે ઘણો નિરાશ થયો હતો. જોકે ત્યાં સુધીમાં તેણે રાજસ્થાનના તોતિગ સ્કોરનો પાયો નાંખી દીધો હતો.
ઇન્ડિયન પ્રીમિયર લીગમાં આ વર્ષે હવે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન વૈભવ સૂર્યવંશી બની ગયો છે. વૈભવે અત્યાર સુધીમાં ૧૫ મેચ રમીને ૬૮૦ રન બનાવી લીધા છે અને તે ઑરેન્ડ કેપ હોલ્ડર બની ગયો છે. સૂર્યવંશી ૭૦૦ રનના જાદુઈ આંકડાથી હવે માત્ર ૨૦ રન પાછળ છે. તેની ટીમ એટલે કે રાજસ્થાન રોયલ્સ હવે ક્વોલિફાયર ૨ માં પહોંચી ગઈ છે, એટલે કે તેમને હવે એકથી બે મેચ વધુ મળશે. જો તેમનું બેટ ચાલશે તો ૭૦૦ શું, ૮૦૦ રન પણ તેના માટે બહુ મુશ્કેલ કામ નથી. વૈભવે અત્યાર સુધી રમાયેલી મેચોમાં ૫૫ ચોગ્ગા અને ૬૫ છગ્ગા ફટકારી દીધા છે, જે એક રેકોર્ડ છે.
રાજસ્થાને ગઈકાલે હૈદરાબાદને ૪૭ રનથી હરાવીને મેચ જીતીને ક્વોલિફાયર-૨માં સ્થાન બનાવ્યું હતું. જેમાં રાજસ્થાનનો મુકાબલો ગુજરાત સામે થશે. આ મેચમાં જે ટીમ જીતશે તે ફાઈનલમાં બેંગ્લૂરુ સામે ટકરાશે. ફાઈનલ મુકાબલો રવિવાર, ૩૧ મે ના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.
(10:39 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
