<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th September 2026

ઈંગ્લેન્ડ સામેની શરમજનક હાર બાદ પાકિસ્તાની ક્રિકેટમાં ખળભળાટ: ફોન પાછો મેળવવા અને તપાસની વિગતો માટે મોહમ્મદ રિઝવાને NCCIAને લખ્યો આકરો પત્ર!

ડ્રેસિંગ રૂમમાંથી માહિતી લીક અને શંકાસ્પદ નાણાકીય વ્યવહારોના આરોપો વચ્ચે પાકિસ્તાની વિકેટકીપરે લાહોર હાઈકોર્ટના આદેશનો હવાલો આપી એજન્સી પાસે જવાબ માગ્યો

નવી દિલ્હી, તા.૨૯: ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં પાકિસ્તાન ક્રિકેટ ટીમની શરમજનક હાર બાદ શરૂ થયેલો વિવાદ વધુ ઘેરો બન્યો છે. પાકિસ્તાની વિકેટકીપર-બેટ્સમેન મોહમ્મદ રિઝવાને નેશનલ સાયબર ક્રાઈમ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NCCIA) ને સત્તાવાર પત્ર લખીને પોતાનો જપ્ત કરાયેલો મોબાઈલ ફોન તાત્કાલિક પરત સોંપવા અને તેની વિરુદ્ધ ચાલી રહેલી તપાસની સંપૂર્ણ વિગતો આપવા માંગ કરી છે.

 

૩ કલાકનું કહીને ફોન રાખ્યો, હજુ સુધી પરત ન મળ્યો

 

લોર્ડ્સ ટેસ્ટમાં ઈંગ્લેન્ડ સામે ૧૯૪ રને થયેલી પરાજયના બીજા જ દિવસે, એટલે કે ૩૧ ઓગસ્ટે તપાસ એજન્સી દ્વારા રિઝવાનનો ફોન જપ્ત કરવામાં આવ્યો હતો. રિઝવાનનો દાવો છે કે તેને માત્ર ૩ કલાકમાં ફોન પરત આપવાની ખાતરી આપવામાં આવી હતી, પરંતુ અઠવાડિયાંઓ વિતી જવા છતાં ફોન પાછો મળ્યો નથી. લાહોર હાઈકોર્ટે તાજેતરમાં રિઝવાનની અરજી ફગાવીને તપાસમાં સહકાર આપવા કહ્યું હતું, પરંતુ સાથે જ તપાસ એજન્સીને ખેલાડીને "બિનજરૂરી હેરાનગતિ" ન પહોંચાડવાની કડક તાકીદ કરી હતી. રિઝવાને પોતાના પત્રમાં સ્પષ્ટ કર્યું છે કે પાસવર્ડ સાથે ફોન સોંપવો એ પોતે જ તપાસમાં સહકાર દર્શાવે છે.

 

ડ્રેસિંગ રૂમની માહિતી લીક અને નાણાકીય વ્યવહારો તપાસ હેઠળ

 

મળતી માહિતી મુજબ, ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન પાકિસ્તાનના શરમજનક ૦-૩ ના વાઈટવોશ બાદ PCB એ ડ્રેસિંગ રૂમમાંથી સન્માનીય માહિતી લીક થવાના અને આંતરિક શિસ્તભંગના આરોપો હેઠળ રિઝવાન, ઈમામ-ઉલ-હક સહિત સાત ખેલાડીઓને ટીમમાંથી મુક્ત કરી સ્વદેશ મોકલી દીધા હતા. NCCIA આ ખેલાડીઓના બેંક ખાતા, નાણાકીય વ્યવહારો અને શંકાસ્પદ ફંડિંગના સ્ત્રોતોની પણ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. આ મામલે ઈમામ-ઉલ-હકે એજન્સીની પ્રશ્નાવલીના જવાબો આપી દીધા છે, જ્યારે રિઝવાને કાયદાકીય રસ્તો અપનાવ્યો છે.

(5:42 PM IST)