<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 6th May 2026

KSCA ની ફ્રી પાસની 'અસ્વીકાર્ય' માંગણીઓ અને ટિકિટોના કાળાબજાર પડ્યા ભારે: ચેમ્પિયન RCB ના હોમ ગ્રાઉન્ડને બદલે હવે દુનિયાના સૌથી મોટા સ્ટેડિયમમાં રમાશે ગ્રાન્ડ ફિનાલે

બેંગલુરુના હાથમાંથી ગયું 'IPL 2026' નો ફાઈનલ: હવે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જામશે ખરાખરીનો જંગ, જાણો કેમ છીનવાઈ ગઈ યજમાની?

અમદાવાદ: તા.૦૬ IPL 2026 ના ફાઈનલ મેચને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. બેંગલુરુનું એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ, જે આગામી ૩૧ મેના રોજ આઈપીએલ ફાઈનલની યજમાની કરવાનું હતું, તેણે હવે આ તક ગુમાવી દીધી છે. બીસીસીઆઈ (BCCI) એ એક મહત્વના નિર્ણયમાં ફાઈનલ મેચને બેંગલુરુથી ખસેડીને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આયોજિત કરવાની જાહેરાત કરી છે.
કેમ લેવાયો આ સખત નિર્ણય?
સામાન્ય રીતે આઈપીએલની ફાઈનલ ડિફેન્ડિંગ ચેમ્પિયનના હોમ ગ્રાઉન્ડ પર રમાતી હોય છે. ગત સીઝનમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) વિજેતા બન્યું હોવાથી બેંગલુરુને આ તક મળી હતી. પરંતુ સૂત્રોના જણાવ્યા અનુસાર, કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિએશન (KSCA) દ્વારા સભ્યો અને રાજકારણીઓ માટે મોટી સંખ્યામાં ફ્રી પાસની માંગણી કરવામાં આવી હતી. આ માંગણીઓ BCCI ના નિયમોની બહાર અને 'અસ્વીકાર્ય' હોવાથી વિવાદ સર્જાયો હતો. આ ઉપરાંત, ત્યાં ટિકિટોના કાળાબજારના અહેવાલોએ પણ બોર્ડની ચિંતા વધારી દીધી હતી.
અમદાવાદમાં થશે ભવ્ય સમાપન
BCCI એ સત્તાવાર નિવેદનમાં જણાવ્યું છે કે સ્થાનિક સત્તાધારીઓની કેટલીક એવી શરતો હતી જે બોર્ડના પ્રોટોકોલ સાથે મેળ ખાતી નહોતી, તેથી ફાઈનલ મેચ હવે અમદાવાદમાં ખસેડવામાં આવી છે. ૩૧ મેના રોજ વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં આઈપીએલ ૨૦૨૬ નું ભવ્ય સમાપન થશે. આ નિર્ણયથી ગુજરાતના ક્રિકેટ રસિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
પ્લે-ઓફનું નવું શેડ્યૂલ
લીગ સ્ટેજની ૭૦ મેચો બાદ પ્લે-ઓફનો રોમાંચ શરૂ થશે. ક્વોલિફાયર-૧ મેચ ૨૬ મેના રોજ ધર્મશાલાના એચપીસીએ (HPCA) સ્ટેડિયમમાં રમાશે. ત્યારબાદ એલિમિનેટર (૨૭ મે) અને ક્વોલિફાયર-૨ (૨૯ મે) ન્યૂ ચંદીગઢના ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં યોજાશે. છેલ્લે, બે શ્રેષ્ઠ ટીમો ૩૧ મેના રોજ અમદાવાદના મેદાનમાં ટ્રોફી જીતવા માટે આમને-સામને ટકરાશે.

(5:55 PM IST)