<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th July 2026

ફૂટબોલના મેદાનમાં ટ્રમ્પની એન્ટ્રી! ઇંગ્લેન્ડના કોચ થોમસ ટુચેલે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની બોલતી બંધ કરી, ટ્રોલિંગ પર આપ્યો સણસણતો જવાબ

સેમિફાઇનલમાં આર્જેન્ટિના સામે હાર બાદ હેરી કેનની રણનીતિ પર ટ્રમ્પે કરી હતી ટીકા, ટુચેલે પત્રકારને પૂછ્યું- 'શું તમે ડોનાલ્ડ ટ્રમ્પને ફૂટબોલના સાક્ષી માનો છો?'

નવી દિલ્હી, : ફિફા વર્લ્ડ કપના રોમાંચ વચ્ચે હવે ફૂટબોલના મેદાનમાં રાજકારણના સૌથી મોટા સુપરસ્ટાર ડોનાલ્ડ ટ્રમ્પની એન્ટ્રી થતાં વિવાદ ગરમાયો છે. ઇંગ્લેન્ડના મુખ્ય કોચ (મેનેજર) થોમસ ટુચેલે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કરવામાં આવેલી આકરી ટીકા અને ટ્રોલિંગ પર જોરદાર વળતો પ્રહાર કર્યો છે. સેમિફાઇનલમાં આર્જેન્ટિના સામે ઇંગ્લેન્ડની હાર અને ટુર્નામેન્ટમાંથી બહાર થવા માટે ટ્રમ્પે ટુચેલની રક્ષણાત્મક (Defensive) રણનીતિને જવાબદાર ઠેરવી હતી, જેનો હવે થોમસ ટુચેલે પ્રેસ કોન્ફરન્સમાં જડબાતોડ જવાબ આપ્યો છે.

ડોનાલ્ડ ટ્રમ્પે શું કટાક્ષ કર્યો હતો?
શનિવારે યોજાયેલી એક ફિફા રિસેપ્શન ઇવેન્ટ દરમિયાન, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઇંગ્લેન્ડના સ્ટાર ખેલાડી હેરી કેનનો ઉપયોગ રક્ષણાત્મક ભૂમિકામાં કરવા બદલ થોમસ ટુચેલની મજાક ઉડાવી હતી. ટ્રમ્પે કટાક્ષ કરતા કહ્યું હતું કે, ટુચેલે કેનને વધુ ઊંડાણપૂર્વક (ડીપ રોલ) રમાડીને બહુ મોટી ભૂલ કરી છે. તેમણે મજાકિયા અંદાજમાં ઉમેર્યું હતું કે તેઓ પોતે કદાચ ફૂટબોલ કોચિંગ વિશે બહુ નથી જાણતા, પણ આ એક મોટી ભૂલ હતી.

ટ્રમ્પના સવાલ પર ટુચેલનો બાઉન્સર:
ત્રીજા સ્થાન માટેની પ્લેઓફ મેચ પહેલા યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં જ્યારે એક પત્રકારે થોમસ ટુચેલને ડોનાલ્ડ ટ્રમ્પના આ નિવેદન વિશે પૂછ્યું, ત્યારે જર્મન કોચે સહેજ પણ ખચકાયા વિના પત્રકારને જ સામો સવાલ કરીને ક્લીન બોલ્ડ કરી દીધા હતા. ટુચેલે હસતા મુખે તીખો કટાક્ષ કરતા પૂછ્યું, "શું તમે ફૂટબોલની રણનીતિના કેસ માટે ડોનાલ્ડ ટ્રમ્પને તમારા મુખ્ય સાક્ષી તરીકે વાપરી રહ્યા છો?" તેમના આ વન-લાઇનર જવાબે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે.

નિર્ણયો બદલ કોઈ અફસોસ નથી, લક્ષ્ય ત્રીજા સ્થાન પર:

પોતાની રણનીતિ અને ખેલાડીઓની અવેજી (Substitutes) અંગે થઈ રહેલી આલોચનાઓનો જવાબ આપતા ટુચેલે સ્પષ્ટ કર્યું કે, "મને મારા લીધેલા કોઈ પણ નિર્ણય પર સહેજ પણ અફસોસ નથી. મેં મારી સહજ વૃત્તિ, અંતઃપ્રેરણા અને વર્ષોના અનુભવના આધારે જ ટીમના હિતમાં નિર્ણયો લીધા હતા. જો મેં તે સમયે પ્રતિક્રિયા ન આપી હોત તો મને અફસોસ થાત." તેમણે વધુમાં ઉમેર્યું કે તેઓ બહારના અવાજો કે ટીકાઓ પર ધ્યાન આપતા નથી. હવે ઇંગ્લેન્ડની ટીમ મિયામીમાં યોજાનારી મેચમાં ત્રીજું સ્થાન મેળવવાના લક્ષ્ય સાથે મેદાનમાં ઉતરશે. જો ટીમ આ મેચ જીતશે, તો ૧૯૬૬ માં વર્લ્ડ કપ જીત્યા પછીના છેલ્લા ૬૦ વર્ષમાં ઇંગ્લેન્ડનું આ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન સાબિત થશે.

(8:45 PM IST)