News of Wednesday, 8th July 2026
ટ્રેનિંગથી લઈને ટ્રોફી સુધી, ટીમ ઈન્ડિયાનો સિક્રેટ મંત્ર: સૂર્યકુમાર યાદવે 'ધૂમ-૩'ના ડાયલોગથી ખેલાડીઓમાં ફૂંક્યો હતો જીતનો જુસ્સો
"હાથ નહીં છોડના, સાથ નહીં છોડના..." સૂત્ર પાછળની રોચક કહાનીનો અક્ષર પટેલે કર્યો ખુલાસો; વિજેતા જર્સી પર પણ લખાયો આ ખાસ મેસેજ

મુંબઈ : ભારતીય ક્રિકેટ ટીમે તાજેતરમાં મેળવેલી ICC મેન્સ T20 વર્લ્ડ કપ ૨૦૨૬ની ભવ્ય જીત પાછળ માત્ર ખેલાડીઓનું પ્રદર્શન જ નહીં, પરંતુ ટીમની અદભુત એકતા પણ જવાબદાર હતી. આ વર્લ્ડ કપ અભિયાન દરમિયાન તત્કાલીન કેપ્ટન સૂર્યકુમાર યાદવે ટીમને પ્રેરણા આપવા માટે એક અનોખો અને ફિલ્મી અંદાજ અપનાવ્યો હતો. ભારતના સ્ટાર ઓલરાઉન્ડર અક્ષર પટેલે એક ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો છે કે, સૂર્યકુમારે આખી ટુર્નામેન્ટ દરમિયાન આમિર ખાનની પ્રખ્યાત ફિલ્મ "ધૂમ ૩" ના એક ડાયલોગનો ઉપયોગ ટીમના વિજય મંત્ર તરીકે કર્યો હતો.
અક્ષર પટેલે ઈન્ટરવ્યુ દરમિયાન વર્લ્ડ કપ વિજેતા ટીમની એક ખાસ જર્સી બતાવી હતી, જેના પર ટીમના તમામ સભ્યોના ઓટોગ્રાફ હતા. આ જર્સીના ડાબા ખૂણા પર ખાસ શબ્દો લખેલા જોવા મળ્યા હતા: "હાથ નહીં છોડના, સાથ નહીં છોડના" (એટલે કે, હંમેશા સાથે રહો, ક્યારેય સાથ ન છોડો). અક્ષરે હસતા હસતા જણાવ્યું કે આ લાઇન અને તેની નીચે સહી બીજું કોઈ નહીં પણ ખુદ સૂર્યાભાઈ એટલે કે સૂર્યકુમાર યાદવની છે.
મુશ્કેલ સમયમાં કામ કરી ગયો આ જાદુઈ મંત્ર
અક્ષર પટેલના જણાવ્યા મુજબ, વર્લ્ડ કપની મેચો દરમિયાન જ્યારે પણ ભારતીય ટીમ કોઈ મુશ્કેલ પરિસ્થિતિમાં ફસાતી અથવા ખેલાડીઓ દબાણ અનુભવતા, ત્યારે કેપ્ટન સૂર્યકુમાર યાદવ તમામ ખેલાડીઓને મેદાન પર ભેગા (હડલ) કરીને આ શબ્દો યાદ અપાવતા હતા. આ સૂત્રએ ખેલાડીઓમાં એક નવો જ જોશ ભરી દીધો હતો, જેનું પરિણામ એ આવ્યું કે ભારતે ફાઇનલમાં ન્યુઝીલેન્ડને ૯૬ રનથી હરાવીને ટ્રોફી પોતાના નામે કરી લીધી.
ફિલ્મ "ધૂમ ૩" માં આ ડાયલોગ બે ભાઈઓ વચ્ચેના અતૂટ બંધનને દર્શાવવા માટે વપરાયો હતો. સૂર્યકુમારે આ સંવાદ જાણીજોઈને ફિલ્મી પડદા પરથી પ્રેરણા લઈને વાપર્યો હતો કે પછી આ એક માત્ર સંયોગ હતો, તે તો સ્પષ્ટ નથી થયું, પરંતુ આ મંત્ર ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં અમર થઈ ગયો છે. કેપ્ટન સૂર્યાના આ સ્માર્ટ અને ભાવનાત્મક અભિગમે લાખો ભારતીય ચાહકોના દિલ જીતી લીધા છે અને સાબિત કર્યું છે કે ક્રિકેટમાં રણનીતિ જેટલી જ પરસ્પર એકતા પણ મહત્વની છે.
(8:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
