<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd November 2026

સ્પેનમાં ફૂટબોલ મેચ દરમિયાન દુઃખદ ઘટના: ગોલકીપર સાથે ભયાનક ટક્કરમાં સ્પેનિશ ફૂટબોલર જીસસ ડી મિગુએલનું નિધન

મેદાન પર બેભાન થયા બાદ તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયો પરંતુ સારવાર દરમિયાન તેનું નિધન થયું:કરુણ ઘટનાથી ફૂટબોલ જગતમાં શોકની લાગણી

સ્પેનના ફૂટબોલ જગતમાંથી દુઃખદ સમાચાર સામે આવ્યા છે. સ્પેનિશ ફૂટબોલર જીસસ ડી મિગુએલનું મેચ દરમિયાન ગોલકીપર સાથે થયેલી ગંભીર ટક્કર બાદ નિધન થયું છે. 30 વર્ષીય ખેલાડી ટેનેરિફ ક્લબ તરફથી રમી રહ્યો હતો. એફસી એન્ડોરા સામેની મેચ દરમિયાન બનેલી આ ઘટનાથી ફૂટબોલ જગતમાં શોકની લાગણી ફેલાઈ છે.

 

 સ્પેનિશ સેકન્ડ ડિવિઝનમાં ટેનેરિફ અને એન્ડોરા વચ્ચે મુકાબલો રમાઈ રહ્યો હતો. બંને ટીમનો સ્કોર 2-2થી બરાબર હતો. મેચના અંતિમ તબક્કામાં એન્ડોરાનો ગોલકીપર જીસસ ઓવોનો બોલને ક્લિયર કરવા મેદાનમાં આગળ દોડ્યો હતો. આ દરમિયાન તેનું ઘૂંટણ જીસસ ડી મિગુએલની છાતીના ભાગે અથડાયું હતું. ટક્કર બાદ મિગુએલ મેદાન પર ઢળી પડ્યો હતો.

 

 

ખેલાડીની હાલત જોઈને બંને ટીમના ખેલાડીઓએ તાત્કાલિક મેડિકલ ટીમને બોલાવી હતી. તબીબી સ્ટાફે પાંચ મિનિટથી વધુ સમય સુધી મેદાન પર પ્રાથમિક સારવાર આપી હતી. ત્યારબાદ મિગુએલને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. અહેવાલ અનુસાર, ગંભીર ટક્કર બાદ તેને કાર્ડિયાક અરેસ્ટ આવ્યો હતો. આ ઘટના બાદ મેચ અધૂરી રાખવામાં આવી હતી.

 

 

 

ટેનેરિફ ક્લબે મંગળવાર, 3 નવેમ્બરે ખેલાડીના નિધનની સત્તાવાર પુષ્ટિ કરી હતી. ક્લબના જણાવ્યા અનુસાર સ્થાનિક સમય મુજબ સવારે 8 વાગ્યે જીસસ ડી મિગુએલનું અવસાન થયું હતું. આ દુઃખદ ઘટના બાદ ક્લબે ખેલાડીના પરિવારજનો અને મિત્રો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. પરિવારની ગોપનીયતાનું સન્માન કરવાની અપીલ પણ કરવામાં આવી હતી.

 

 

જીસસ ડી મિગુએલના નિધનથી સ્પેનિશ ફૂટબોલ જગતને મોટો આઘાત લાગ્યો છે. બાર્સેલોના અને રિયલ મેડ્રિડ સહિતની જાણીતી ક્લબોએ શ્રદ્ધાંજલિ પાઠવી છે. સ્પેનિશ ફૂટબોલ ફેડરેશને પણ શ્રદ્ધાંજલિના ભાગરૂપે મંગળવારની વિવિધ મેચો સ્થગિત કરી હતી. આ દુર્ઘટનાએ ફૂટબોલમાં ખેલાડીઓની સુરક્ષા અને તાત્કાલિક તબીબી સારવારના મહત્વને ફરી ઉજાગર કર્યું છે.

(9:50 PM IST)