તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 8th October 2026
આંખોમાં આંસુ... પગમાં જાદુ, મેસીની ‘લાસ્ટ ડાન્સ'માં આર્જેન્ટિનાની ધમાકેદાર જીત
૮૫ હજારથી વધુ ચાહકોની હાજરીમાં ‘લેજન્ડ'ને સલામ, મેસીના અંતિમ મુકાબલામાં ભાવુક બન્યું સમગ્ર મોન્યુમેન્ટલ સ્ટેડિયમ : બેનિન સામે ૩-૦ની જીત સાથે ૨૧ વર્ષના આંતરરાષ્ટ્રીય કરિયરને અલવિદાઃ છેલ્લી મેચમાં મેસીનો એક ગોલ અને બે આસિસ્ટ

બ્યુનોસ આયર્સ : ફૂટબોલના મહાનાયક લિયોનેલ મેસીએ આર્જેન્ટિનાની જર્સીમાં પોતાના આંતરરાષ્ટ્રીય કરિયરની એવી વિદાય લીધી, જે લાંબા સમય સુધી ફૂટબોલપ્રેમીઓના હૃદયમાં જીવંત રહેશે. બ્યુનોસ આયર્સના મોન્યુમેન્ટલ સ્ટેડિયમમાં બેનિન સામે રમાયેલી અંતિમ મેચમાં મેસીએ એક ગોલ ફટકારવા ઉપરાંત બે ગોલમાં આસિસ્ટ કરી આર્જેન્ટિનાને ૩-૦થી શાનદાર વિજય અપાવ્યો. મેચ પહેલાં જ ભાવનાઓનો મહાસાગર છલકાયો હતો. ચાહકોની ભીડ, શ્રદ્ધાંજાલિ અને મેસીના સન્માનના કાર્યક્રમ વચ્ચે આર્જેન્ટિનાનો મહાન નંબર-૧૦ અનેક વખત ભાવુક જોવા મળ્યો. રાષ્ટ્રગીત દરમિયાન પણ તેની આંખો ભીની થઈ ગઈ હતી. ૮૫ હજારથી વધુ દર્શકોની હાજરીમાં સમગ્ર સ્ટેડિયમ જાણે મેસીના નામે ધબકતું હતું.
મેદાન પર જોકે મેસીએ ભાવનાઓને એક તરફ મૂકી પોતાની ઓળખ પ્રમાણે જાદુ દેખાડ્યો. તેણે નિકોલસ ઓટામેન્ડી અને નિકો પાઝના ગોલમાં મહત્વની ભૂમિકા ભજવી અને અંતે પોતે પેનલ્ટી પરથી ગોલ કરી પોતાની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચને યાદગાર બનાવી દીધી. આ સાથે આર્જેન્ટિના માટે તેનો કુલ આંતરરાષ્ટ્રીય ગોલનો આંકડો ૧૨૬ પર પહોંચ્યો.
૨૧ વર્ષ સુધી આર્જેન્ટિનાની જર્સી પહેરીને મેસીએ વિશ્વકપ, બે કોપા અમેરિકા સહિત અનેક ઐતિહાસિક સિદ્ધિઓ હાંસલ કરી. હવે તેની રાષ્ટ્રીય ટીમની સફરનો અંત આવ્યો છે, પરંતુ ફૂટબોલના ઇતિહાસમાં મેસીનું નામ હંમેશા સુવર્ણ અક્ષરે લખાયેલું રહેશે. મોન્યુમેન્ટલમાં અંતિમ સીટી વાગી ત્યારે એક યુગનો અંત થયો અને ચાહકોની આંખોમાં એક જ લાગણી હતી‘ગ્રાસિયાસ, લિયો!'
(2:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
