તા. ૨ ઓક્ટોબર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા વદ – ૬ શુક્રવાર
News of Monday, 11th May 2026
ક્રિકેટના મેદાનમાં ટીમ ઇન્ડિયાનો 'સુપર પાવર': ODI રેન્કિંગમાં ભારત બાદશાહ : પાકિસ્તાન ફેંકાયું પાંચમા ક્રમે
ICCના વાર્ષિક અપડેટમાં ટીમ ઇન્ડિયા 118 પોઈન્ટ સાથે ટોચના સ્થાને યથાવત: ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા પછડાટ બાદ બીજા અને ત્રીજા ક્રમે: વર્લ્ડ કપ 2027 માટે ક્વોલિફાય થવાની રેસ થઈ તેજ

દુબઈ: વિશ્વ ક્રિકેટમાં ભારતીય ટીમનો દબદબો ફરી એકવાર સાબિત થયો છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ દ્વારા જાહેર કરવામાં આવેલા વાર્ષિક ODI રેન્કિંગમાં ભારતે પોતાનું નંબર 1નું સ્થાન જાળવી રાખ્યું છે. તાજેતરના ડેટા અનુસાર, ટીમ ઇન્ડિયા 118 પોઈન્ટ સાથે વિશ્વની સર્વશ્રેષ્ઠ ટીમ બની રહી છે. જોકે, પાછલા વર્ષની સરખામણીમાં ભારતના રેટિંગમાં એક પોઈન્ટનો ઘટાડો થયો છે, છતાં ન્યુઝીલેન્ડ (113 પોઈન્ટ) અને વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા (109 પોઈન્ટ) કરતા ભારત હજુ ઘણું આગળ છે. આ રેન્કિંગમાં મે 2025 પછી રમાયેલી મેચોને 100 ટકા વેઇટેજ આપવામાં આવ્યું છે, જે ભારતના સાતત્યપૂર્ણ પ્રદર્શનનું પરિણામ છે.
બીજી તરફ, પાડોશી દેશ પાકિસ્તાનને આ રેન્કિંગમાં મોટો આંચકો લાગ્યો છે. પાકિસ્તાન હવે 98 પોઈન્ટ સાથે લપસીને પાંચમા સ્થાને પહોંચી ગયું છે, જ્યારે દક્ષિણ આફ્રિકાએ શાનદાર છલાંગ લગાવીને 102 પોઈન્ટ સાથે ચોથું સ્થાન કબજે કર્યું છે. અન્ય એશિયન ટીમોની વાત કરીએ તો, શ્રીલંકા 96 પોઈન્ટ સાથે છઠ્ઠા અને અફઘાનિસ્તાન 93 પોઈન્ટ સાથે સાતમા ક્રમે છે. ઇંગ્લેન્ડ જેવી દિગ્ગજ ટીમ 89 પોઈન્ટ સાથે આઠમા સ્થાને ફેંકાઈ ગઈ છે. આ રેન્કિંગ માત્ર પ્રતિષ્ઠાનો વિષય નથી, પરંતુ તે 2027ના વર્લ્ડ કપ માટે સીધા ક્વોલિફાય થવા માટે પણ અત્યંત મહત્વનું પરિબળ સાબિત થશે.
2027ના વર્લ્ડ કપના સમીકરણો પર નજર કરીએ તો, 31 માર્ચ, 2027 સુધીમાં ટોચના આઠ ક્રમે રહેલી ટીમો યજમાન દક્ષિણ આફ્રિકા અને ઝિમ્બાબ્વે સાથે સીધી એન્ટ્રી મેળવશે. જો દક્ષિણ આફ્રિકા ટોચના આઠમાં રહે છે, તો નવમાં ક્રમની ટીમને પણ વર્લ્ડ કપની ટિકિટ મળી શકે છે. નીચલા ક્રમની ટીમોમાં પણ મોટી ઉથલપાથલ જોવા મળી છે, જેમાં આયર્લેન્ડે ઝિમ્બાબ્વેને અને યુએસએ સ્કોટલેન્ડને પાછળ છોડી દીધું છે. ભારતની નજર હવે આગામી સિરીઝમાં પોતાના પોઈન્ટ્સ વધારીને નંબર 1ની ખુરશીને વધુ મજબૂત કરવા પર રહેશે.
(6:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
