<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th April 2026

ટીમ ઇન્ડિયાના મિશન 2027 વર્લ્ડ કપનો માસ્ટર પ્લાન લીક! રિષભ પંતની રજા અને સંજુ સેમસનની થશે ‘રોયલ’ એન્ટ્રી? જાણો BCCI ના નવા સમીકરણો

IPL 2026 માં ખરાબ ફોર્મ પંતને ભારે પડશે, જ્યારે સતત બે સદી ફટકારી સંજુ સેમસને પસંદગીકારોનું દિલ જીત્યું; રોહિત-વિરાટ વર્લ્ડ કપ રમશે પણ વિકેટકીપર તરીકે કોણ?

મુંબઈ : વર્ષ 2027 ના વનડે વર્લ્ડ કપ માટે ભારતીય ક્રિકેટ ટીમમાં મોટા પાયે ફેરફારોના સંકેત મળી રહ્યા છે. BCCI અને પસંદગીકારો અત્યારથી જ આગામી વર્લ્ડ કપનું માળખું તૈયાર કરી રહ્યા છે, જેમાં સૌથી મોટો ઝટકો રિષભ પંતને લાગી શકે છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, પંતના ખરાબ ફોર્મને જોતા તેને વનડે ટીમમાંથી બહાર કરવામાં આવી શકે છે અને તેના સ્થાને કેરળના સ્ટાર ખેલાડી સંજુ સેમસનને કાયમી તક મળી શકે છે.

રિષભ પંત માટે મુશ્કેલ સમય

રિષભ પંતે ઓગસ્ટ 2024 થી ભારત માટે એક પણ વનડે મેચ રમી નથી. વધુમાં, IPL 2026 માં પણ તેનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે, જ્યાં તેણે 8 મેચમાં માત્ર 189 રન બનાવ્યા છે. હાલમાં વનડે ટીમમાં કે.એલ. રાહુલ મુખ્ય વિકેટકીપર તરીકે પસંદગીકારોની પહેલી પસંદ છે, જ્યારે પંત બેકઅપ તરીકે હતો. પરંતુ હવે જે રીતે પંતનું બેટ શાંત છે, તે જોતા તેની જગ્યા જોખમમાં જણાઈ રહી છે.

સંજુ સેમસનનો દબદબો: ટી20 બાદ વનડેમાં પણ ‘રાજ’

બીજી તરફ, સંજુ સેમસન અત્યારે શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે. ટી20 વર્લ્ડ કપ 2026 માં ભારતને ખિતાબ જાળવી રાખવામાં મદદ કર્યા બાદ હવે IPL 2026 માં પણ તે ધૂમ મચાવી રહ્યો છે. સંજુએ આ સીઝનમાં અત્યાર સુધીમાં 2 આક્રમક સદી ફટકારી છે અને 8 મેચમાં 304 રન બનાવી ચેન્નાઈ સુપર કિંગ્સ માટે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બન્યો છે. પસંદગીકારો સંજુની આ સાતત્યપૂર્ણ રમતથી ખૂબ પ્રભાવિત છે.

વર્લ્ડ કપ પહેલા 20 વનડે મેચોનું લક્ષ્ય

2027 ના વર્લ્ડ કપ પહેલા ભારતીય ટીમે હજુ આશરે 20 વનડે મેચો રમવાની છે. ટીમ મેનેજમેન્ટ ઈચ્છે છે કે વર્લ્ડ કપ સુધીમાં એક સંતુલિત ટીમ તૈયાર થઈ જાય. રોહિત શર્મા અને વિરાટ કોહલી 2027 નો વર્લ્ડ કપ રમે તેવી પૂરેપૂરી સંભાવના છે, પરંતુ વિકેટકીપર બેટ્સમેન તરીકે સંજુ સેમસનને અજમાવવાનો પ્લાન અત્યારે ટોચ પર છે. જો આગામી શ્રેણીઓમાં સંજુને તક મળશે, તો પંત માટે વાપસીના દરવાજા લગભગ બંધ થઈ શકે છે.

(7:33 PM IST)