<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th October 2026

૧૮૧ રનનો ટાર્ગેટ, હવે ભારતીય બેટરોની કસોટી

ન્‍યૂઝીલેન્‍ડે ૨૦ ઓવરમાં ૫ વિકેટે ૧૮૦ રન બનાવ્‍યા, ફિલિપ્‍સે ૭૦ તો જેકોબ્‍સે ૫૮ રન ફટકાર્યા : અર્શદીપ ૨ તો ભુવી, પ્રિન્‍સ, અક્ષર અને નીતીશ ને ૧-૧ વિકેટો

નવી દિલ્‍હી, તા. ર૪ : ભારત અને ન્‍યૂઝીલેન્‍ડ વચ્‍ચે રમાઈ રહેલી બીજી ટી-૨૦ આંતરરાષ્‍ટ્રીય મેચમાં કીવી બેટરોએ ભારતીય બોલરો સામે આક્રમક બેટિંગ કરતાં ૨૦ ઓવરમાં પાંચ વિકેટના ભોગે ૧૮૦ રનનો મજબૂત સ્‍કોર ખડકી દીધો છે.

ટોસ જીતીને ભારતીય ટીમે પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો, પરંતુ ન્‍યૂઝીલેન્‍ડના બેટરોએ ભારતીય બોલિંગ આક્રમણને પડકાર આપતાં રનનો વરસાદ વરસાવ્‍યો હતો. હવે આ મુકાબલામાં જીત મેળવવા માટે ટીમ ઇન્‍ડિયાએ ૧૮૧ રનનો લક્ષ્યાંક હાંસલ કરવો પડશે.

ન્‍યૂઝીલેન્‍ડ તરફથી ગ્‍લેન ફિલિપ્‍સે સતત બીજી મેચમાં પોતાની આક્રમક બેટિંગનો પરચો બતાવ્‍યો હતો. પ્રથમ મેચમાં શાનદાર બેટિંગ કરનાર ફિલિપ્‍સે બીજા મુકાબલામાં પણ ભારતીય બોલરોને નિશાન બનાવતાં માત્ર ૪૩ બોલમાં ૭૦ રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી. તેની બેટિંગે ન્‍યૂઝીલેન્‍ડના સ્‍કોરને મજબૂત બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. બીજી તરફ જેકોબ્‍સે પણ ૫૮ રનનું યોગદાન આપતાં ટીમને મોટા સ્‍કોર સુધી પહોંચાડવામાં મદદ કરી હતી.

આ મુકાબલામાં ભારતીય બોલરોએ વિકેટો મેળવવામાં સફળતા તો મેળવી હતી, પરંતુ ન્‍યૂઝીલેન્‍ડના બેટરોને રન બનાવતા અટકાવવામાં અપેક્ષિત સફળતા મળી નહોતી. અર્શદીપ સિંહે બે વિકેટ ઝડપી હતી, જ્‍યારે ભુવનેશ્વર, પ્રિન્‍સ, અક્ષર પટેલ અને નીતિશ રેડ્ડીએ એક-એક વિકેટ મેળવી હતી. તેમ છતાં કીવી ટીમે પાંચ વિકેટે ૧૮૦ રનનો પડકારજનક સ્‍કોર નોંધાવ્‍યો હતો.

ન્‍યૂઝીલેન્‍ડે ભારત સામે જીત માટે ૧૮૧ રનનો લક્ષ્યાંક મૂકયો છે ત્‍યારે ભારતીય બેટરો પર ટીમને જીત અપાવવાની જવાબદારી રહેશે. ફિલિપ્‍સની આક્રમક બેટિંગ બાદ હવે ભારતીય બેટિંગ લાઇનઅપ કેવો જવાબ આપે છે અને ટીમ લક્ષ્યાંક સુધી પહોંચવામાં સફળ રહે છે કે નહીં તેના પર ક્રિકેટપ્રેમીઓની નજર મંડાઈ છે.

(2:51 PM IST)