News of Tuesday, 6th October 2026
મુંબઈની રણજી ટીમમાંથી સૂર્યકુમાર યાદવની અચાનક બાદબાકી: પ્રૅક્ટિસ કૅમ્પમાં ગેરહાજર રહેતા MCA એ લીધો મોટો નિર્ણય
વાનખેડેમાં ચંડીગઢ સામેની પ્રથમ મેચ પહેલા સૂર્યાને ટીમ બહાર રખાતા ક્રિકેટ જગતમાં ખળભળાટ; ફોર્મ સાબિત કરવા હવે લોકલ ટૂર્નામેન્ટ રમવી પડશે

મુંબઈ : વાનખેડે સ્ટેડિયમ ખાતે રવિવાર, ૧૧મી ઑક્ટોબરે ચંડીગઢ સામે રમાનારી રણજી ટ્રોફીની નવી સીઝનની પ્રથમ મેચ માટે મુંબઈની ટીમ જાહેર કરવામાં આવી છે, જેમાં ભારતીય ટીમના પીઢ બેટ્સમેન અને ભૂતપૂર્વ ટી-20 કેપ્ટન સૂર્યકુમાર યાદવને સ્થાન ન મળતા ક્રિકેટ વર્તુળોમાં આશ્ચર્ય સર્જાયું છે. રાષ્ટ્રીય ટીમમાંથી બહાર થયા બાદ સૂર્યા માટે ડોમેસ્ટિક ક્રિકેટમાં સારું પ્રદર્શન કરવું અનિવાર્ય હતું, પરંતુ સીઝન પૂર્વેના પ્રૅક્ટિસ કેમ્પમાં સતત ગેરહાજર રહેવાને કારણે મુંબઈ ક્રિકેટ અસોસિએશન (MCA) ના પસંદગીકારોએ તેને ટીમમાં સામેલ ન કરવાનો કડક નિર્ણય લીધો છે.
વિક્રમજનક ૪૨ વખત રણજી ચેમ્પિયન બનેલી મુંબઈની ટીમ નવી સીઝન માટે છેલ્લા એક મહિનાથી સખત તાલીમ લઈ રહી હતી. તમામ ખેલાડીઓએ ક્રિકેટ ક્લબ ઑફ ઇન્ડિયા (CCI) ના બ્રેબર્ન સ્ટેડિયમ અને બાંદરા-કુર્લા કોમ્પ્લેક્સ (BKC) ના મેદાન પર સઘન પ્રૅક્ટિસ કરી હતી, પરંતુ આ આખી શિબિર દરમિયાન સૂર્યકુમાર ગેરહાજર રહ્યો હતો. પ્રી-સીઝન કેમ્પમાં ભાગ ન લેવો તે ટીમના શિસ્તના નિયમોનું ઉલ્લંઘન માનવામાં આવે છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આખરે ક્રિકેટ એ એક ટીમ ગેમ છે અને શિસ્ત દરેક ખેલાડી માટે સમાન હોવી જોઈએ. આ ઉપરાંત સૂર્યકુમારને છેલ્લા ઘણા સમયથી રેડ બોલ ક્રિકેટનો ખાસ અનુભવ પણ રહ્યો નથી, જેના કારણે પસંદગીકારો અને ટીમ મેનેજમેન્ટ દ્વારા તેને પ્રથમ મેચની ટીમથી દૂર રાખવાનો નિર્ણય સર્વાનુમતે લેવામાં આવ્યો છે.
આ નિર્ણય પહેલાં ઉદ્ભવેલી પરિસ્થિતિ અંગે જાણવા મળ્યું છે કે આશરે ૧૦ દિવસ પહેલાં જ્યારે પસંદગી સમિતિ દ્વારા રણજી ટીમ અંગે સૂર્યકુમારનો સંપર્ક કરવામાં આવ્યો હતો, ત્યારે તેણે શરૂઆતમાં કોઈ સ્પષ્ટ પ્રતિક્રિયા આપી નહોતી. જોકે, પાછળથી તેણે રણજી ટ્રોફી રમવા માટે પોતાની તૈયારી દર્શાવી હતી, પરંતુ ત્યાં સુધી પ્રૅક્ટિસ કેમ્પ પૂર્ણ થઈ ચૂક્યો હતો.
MCA ના કડક વલણને કારણે હવે સૂર્યકુમાર યાદવ માટે રણજી ટીમમાં વાપસીનો રસ્તો આસાન નથી રહ્યો. તેણે રણજી ટીમમાં વાપસી કરવા માટે અથવા તો પોતાનું ફોર્મ અને ફિટનેસ સાબિત કરવા માટે મુંબઈની સ્થાનિક ક્રિકેટ સ્પર્ધાઓ જેવી કે 'પોલીસ શીલ્ડ' અને 'પુરુષોત્તમ શીલ્ડ' ટૂર્નામેન્ટમાં ફરજિયાતપણે મેદાનમાં ઊતરવું પડશે.
ભારતીય ટીમમાં પુનઃ પુનરાગમન કરવા માટે રણજી ટ્રોફી સૂર્યા માટે એક મહત્ત્વનું મંચ હતી, પરંતુ શિસ્ત અને પ્રૅક્ટિસના અભાવે તેને શરૂઆતમાં જ મોટો આંચકો લાગ્યો છે. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે સૂર્યકુમાર સ્થાનિક ટૂર્નામેન્ટમાં રમીને મુંબઈની રણજી ટીમમાં અને ત્યારબાદ ભારતીય ટીમમાં પોતાનું સ્થાન પાછું મેળવવામાં સફળ રહે છે કે નહીં.
(6:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
