<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 16th May 2026

IPLના ઈતિહાસમાં સુનીલ નારાયણનો સુવર્ણ અક્ષરે રેકોર્ડ: 200 મેચ રમનાર પ્રથમ વિદેશી

ઈડન ગાર્ડન્સમાં ગુજરાત ટાઇટન્સ સામે મેદાનમાં ઉતરતાની સાથે જ નારાયણ રચશે ઈતિહાસ: 15 વર્ષથી એક જ ટીમ પ્રત્યેની વફાદારીનો અનોખો સંગમ : વિરાટ-રોહિત જેવી દિગ્ગજ ભારતીયોની ક્લબમાં સામેલ થનારો પહેલો વિદેશી ખેલાડી

કોલકાતા:  IPL 2026 માં આજે કોલકાતાના ઐતિહાસિક ઈડન ગાર્ડન્સ મેદાન પર જ્યારે કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને ગુજરાત ટાઇટન્સની ટીમો આમને-સામને ટકરાશે, ત્યારે સમગ્ર સ્ટેડિયમ સુનીલ નારાયણના માનમાં ગૂંજી ઉઠશે. વેસ્ટ ઈન્ડિઝનો આ દિગ્ગજ સ્પિનર આજે પોતાની 200મી IPL મેચ રમીને એક એવી સિદ્ધિ હાંસલ કરશે જે આજ સુધી કોઈ વિદેશી ખેલાડી કરી શક્યો નથી. 2012 માં પર્પલ અને ગોલ્ડ જર્સીમાં ડેબ્યૂ કર્યા પછી, નારાયણ અને KKR વચ્ચેનો સંબંધ અતૂટ રહ્યો છે. રસપ્રદ વાત એ છે કે, IPL જેવી લીગમાં જ્યાં ખેલાડીઓ વારંવાર ટીમો બદલતા હોય છે, ત્યાં નારાયણ છેલ્લા 15 વર્ષથી માત્ર કોલકાતા માટે જ રમ્યા છે.

સુનીલ નારાયણ માત્ર મેચોની સંખ્યામાં જ નહીં, પરંતુ પ્રદર્શનમાં પણ 'બેતાજ બાદશાહ' સાબિત થયા છે. અત્યાર સુધીની 199 મેચોમાં તેમણે 6.79 ના અવિશ્વસનીય ઇકોનોમી રેટ સાથે 203 વિકેટ ઝડપી છે. ટી-20 ક્રિકેટમાં જ્યાં બેટ્સમેનો ચોગ્ગા-છગ્ગાની રમઝટ બોલાવે છે, ત્યાં 7 થી ઓછો ઇકોનોમી રેટ જાળવવો એ નારાયણની કાબેલિયતનો પુરાવો છે. એટલું જ નહીં, તે IPL ના ઇતિહાસમાં ત્રણ વખત 'મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર' (MVP) બનનાર એકમાત્ર ખેલાડી છે. બેટિંગમાં પણ તેમણે પોતાની તાકાત બતાવીને 2024 ની સીઝનમાં 500 થી વધુ રન અને 15 થી વધુ વિકેટ લઈને ઓલરાઉન્ડ પ્રદર્શનનો નવો કીર્તિમાન સ્થાપિત કર્યો હતો.

સૌથી વધુ IPL મેચો રમવાની યાદીમાં અત્યાર સુધી માત્ર ભારતીય ખેલાડીઓનો જ દબદબો હતો. વિરાટ કોહલી અને રોહિત શર્મા 279 મેચો સાથે ટોચ પર છે, જ્યારે મહેન્દ્ર સિંહ ધોની 278 મેચો સાથે બીજા સ્થાને છે. આ યાદીમાં અત્યાર સુધી 12 ભારતીયો સામેલ હતા, પરંતુ સુનીલ નારાયણ 200 મેચ રમનાર 13મો ખેલાડી અને પ્રથમ વિદેશી ખેલાડી બનીને આ યાદીમાં નવું નામ ઉમેરશે. KKR ના ચાહકો માટે નારાયણ માત્ર એક ખેલાડી નથી, પણ એક લાગણી છે, જેમણે ફિલ્ડિંગ, બોલિંગ અને ઓપનિંગમાં આક્રમક બેટિંગ કરીને ટીમને અનેક મેચો જીતાડી છે.

(7:38 PM IST)