તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 8th October 2026
રાંચીમાં ‘રનવર્ષા' માટે રંગમંચ તૈયારઃ કાલે ભારત વિ. વિન્ડીઝ ટકકર
શ્રેયસ અય્યરની વિસ્ફોટક બેટિંગ સામે વિન્ડિઝના બોલરોનો મોટો પડકારઃ રાંચીમાં હાઇ-સ્કોરિંગ મેચ જામશે

રાંચી : ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચેની પાંચ ટી-૨૦ મેચની શ્રેણીની બીજી મેચ આવતીકાલે રાંચીના JSCA ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં સાંજે ૭ વાગ્યે રમાશે. પ્રથમ મેચમાં જીત મેળવીને શ્રેણીમાં ૧-૦થી આગળ નીકળી ચૂકેલી ટીમ ઇન્ડિયા હવે બીજી મેચમાં પણ વિજય મેળવી શ્રેણીમાં ૨-૦ની મજબૂત સરસાઈ મેળવવા મેદાનમાં ઉતરશે. બીજી તરફ વેસ્ટ ઇન્ડિઝ માટે આ મુકાબલો અત્યંત નિર્ણાયક બની ગયો છે. રાંચીમાં હાર થશે તો શ્રેણી જીતવાની તેની આશાઓને મોટો ફટકો પડશે. ભારતીય ટીમ હાલ આત્મવિશ્વાસથી છલકાઈ રહી છે. એશિયન ગેમ્સમાં સુવર્ણ સફળતા બાદ ટીમે ટી-૨૦ શ્રેણીની શરૂઆત પણ વિજયથી કરી છે. હવે રાંચીમાં ભારતીય ટીમની નજર માત્ર જીત પર નહીં પરંતુ બેટિગ, બોલિગ અને ટીમ કોમ્બિનેશનની વધુ એક મજબૂત કસોટી પર રહેશે. ટીમ ઇન્ડિયા સતત ૧૦ ટી-૨૦ આંતરરાષ્ટ્રીય મેચ જીતવાના સિલસિલા સાથે રાંચી પહોંચશે. સૌથી વધુ નજર ફરી એકવાર કેપ્ટન શ્રેયસ અય્યર પર રહેશે. પ્રથમ મેચમાં જ તોફાની સદી ફટકારીને તેણે બતાવી દીધું છે કે ટી-૨૦ ફોર્મેટમાં તે કેટલી ઝડપથી મેચનું પાસું પલટી શકે છે. રાંચીમાં પણ તેની પાસેથી આક્રમક બેટિગની અપેક્ષા રહેશે. તેની સાથે ઈશાન કિશન સહિતના ભારતીય બેટરો સામે વેસ્ટ ઇન્ડિઝના બોલરોને શરૂઆતથી જ લાઇન-લેન્થમાં ચોકસાઈ રાખવી પડશે.
ભારત માટે સૌથી મોટો પ્લસ પોઇન્ટ તેની બેટિગની ઊંડાઈ અને બોલિગમાં વિવિધતા છે. ઝડપી બોલરો ઉપરાંત સ્પિનરો પણ મધ્ય ઓવરોમાં દબાણ ઊભું કરી શકે છે. યુવા ખેલાડીઓના પ્રદર્શનથી ટીમમાં સ્પર્ધા પણ વધી છે. આ કારણે બીજી મેચમાં પ્લેઇંગ ઇલેવનમાં કોઈ ફેરફાર થાય છે કે વિજેતા સંયોજનને જ જાળવી રાખવામાં આવે છે તેના પર પણ નજર રહેશે. બીજી તરફ વેસ્ટ ઇન્ડિઝની નજર શાઈ હોપ અને શેરફેન રધરફોર્ડ જેવા બેટરો પર રહેશે. પ્રથમ મેચમાં બંનેએ ઉપયોગી ઇનિગ્સ રમી હતી, પરંતુ હવે ટીમને શરૂઆતથી અંત સુધી વધુ સાતત્યપૂર્ણ બેટિગની જરૂર છે. ખાસ કરીને ભારતીય સ્પિન અને ડેથ ઓવરના બોલિગ સામે વિન્ડિઝના બેટરો કેટલો પડકાર ઊભો કરે છે તે મેચનું પરિણામ નક્કી કરવામાં મહત્વનું બની શકે છે. રાંચીના મેદાન પર ક્રિકેટપ્રેમીઓની નજર પણ રહેશે કે પિચ બેટરોને કેટલી મદદ કરે છે અને રાત્રિના સમયે બોલરોને કેટલો ફાયદો મળે છે.
(2:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
