<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd July 2026

રમતગમતનો મહાકુંભ શરૂ! ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સ ૨૦૨૬ નો ભવ્ય પ્રારંભ: નીરજ ચોપરા અને મીરાબાઈ ચાનુ સહિત ૧૨૫ ભારતીય એથ્લેટ્સ મેદાનમાં

૭૪ દેશોના ખેલાડીઓ વચ્ચે ખેલાશે રોમાંચક જંગ: સુવર્ણચંદ્રક જીતવાના ઈરાદા સાથે ભારતીય ટુકડી ગ્લાસગોમાં ઉતરી, ૧૦ દિવસ સુધી ચાલશે રમતગમતનો સંગ્રામ

નવી દિલ્હી, તા.૨૩: વિશ્વના સૌથી મોટા રમતગમત ઉત્સવોમાંથી એક એવી ૨૩મી કોમનવેલ્થ ગેમ્સ (CWG ૨૦૨૬) નો આજથી સ્કોટલેન્ડના ગ્લાસગો શહેરમાં ઝળહળતો અને ભવ્ય પ્રારંભ થઈ રહ્યો છે. આગામી ૧૦ દિવસ સુધી ચાલનારા આ મહાકુંભમાં વિશ્વના ૭૪ દેશોમાંથી હજારો ખેલાડીઓ પોતપોતાના દેશનું પ્રતિનિધિત્વ કરવા અને મેડલ જીતવા માટે મેદાનમાં ઉતરશે.
ભારત તરફથી આ વખતે ૧૨૫ સભ્યોની મજબૂત ટુકડી (જેમાં પેરા એથ્લેટ્સ પણ સામેલ છે) ગ્લાસગો પહોંચી ગઈ છે. ભારતની આશાનો મુખ્ય ભાર ઓલિમ્પિક ગોલ્ડ મેડાલિસ્ટ નીરજ ચોપરા, વેઇટલિફ્ટિંગ ચૅમ્પિયન મીરાબાઈ ચાનુ અને બોક્સિંગની સ્ટાર ખેલાડી લવલીના બોર્ગોહેન જેવા દિનગજ એથ્લેટ્સ પર રહેશે.
ઓછા સ્થળો, મર્યાદિત રમતો અને નવો પડકાર
બર્મિંગહામ ૨૦૨૨ ની તુલનામાં ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સનું સ્વરૂપ થોડું અલગ અને નાનું રાખવામાં આવ્યું છે. આ વખતે રમતોનું આયોજન માત્ર આઠ માઈલના વિસ્તારમાં આવેલા ચાર મુખ્ય સ્થળો (Venues) પર જ કરવામાં આવશે.
•    કુલ રમતો: આ વખતે ગેમ્સમાં માત્ર ૧૦ રમતોનો જ સમાવેશ કરાયો છે, જે ૨૦૨૨ કરતાં ૯ રમતો ઓછી છે.
•    મુખ્ય રમતો: એથ્લેટિક્સ, સ્વિમિંગ, ૩×૩ બાસ્કેટબોલ, ટ્રેક સાયકલિંગ, વેઇટલિફ્ટિંગ, બોલ્સ, આર્ટિસ્ટિક જિમ્નેસ્ટિક્સ, નેટબોલ, બોક્સિંગ અને જુડોનો સમાવેશ થાય છે.
ભારત સામે મેડલ ટેલી જાળવી રાખવાનો મોટો સંગ્રામ
વર્ષ ૨૦૨૨ ની બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે અસાધારણ પ્રદર્શન કરીને કુલ ૬૧ મેડલ્સ પોતાના નામે કર્યા હતા. જોકે, આ વખતે કેટલીક પરંપરાગત અને ભારત માટે મેડલ આપનારી રમતોને બાદ કરવામાં આવી હોવાથી ભારતીય ખેલાડીઓ સામે ઓછા મેડલ ઇવેન્ટ્સમાં પણ શ્રેષ્ઠ પ્રદર્શન કરવાનો એક અલગ જ પડકાર રહેશે.
આમ છતાં, ભારતીય રમતવીરો પોતાના જુસ્સા અને સખત પરિશ્રમના બળે ગ્લાસગોની ધરતી પર તિરંગો લહેરાવવા માટે સજ્જ છે.

(4:47 PM IST)