<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th November 2026

મુંબઈ ઈન્ડિયન્સના માસ્ટરસ્ટ્રોક પાછળ છુપાયેલું છે ખાસ રહસ્ય! : રોહિત શર્માને ફરી કેપ્ટન બનાવવાની જાહેરાત સાંજે 5:45 વાગ્યે જ કેમ કરવામાં આવી?

5 IPL ટ્રોફી અને 45 નંબરની જર્સીનો અનોખો સંગમ : 27 નવેમ્બરની તારીખનું પણ ભારતીય ટીમની કેપ્ટનશિપ સાથે ખાસ કનેક્શન : હાર્દિક પંડ્યાના ત્રણ વર્ષના નિરાશાજનક કાર્યકાળનો અંત

મુંબઈ : IPL 2027 ની સિઝન માટે મુંબઈ ઈન્ડિયન્સે શુક્રવારે 27 નવેમ્બર 2026ના રોજ રોહિત શર્માને ફરીથી ટીમના કેપ્ટન તરીકે નિયુક્ત કરવાની સત્તાવાર જાહેરાત કરી છે. આ સાથે જ હાર્દિક પંડ્યાના ત્રણ સિઝનના સુકાનીપદનો અંત આવ્યો છે અને વર્ષ 2013થી 2024 સુધી સતત 11 સિઝન ટીમનું નેતૃત્વ કરનાર રોહિત શર્માની બીજી ઈનિંગ શરૂ થઈ છે. જોકે, આ જાહેરાત સાંજે બરાબર 5:45 વાગ્યે કરવામાં આવી હતી, જેના સમય અને તારીખ પાછળ છુપાયેલા ખાસ અર્થોએ ક્રિકેટ ચાહકો અને નિરીક્ષકોનું ધ્યાન ખેંચ્યું છે.

અહેવાલો અનુસાર, રોહિત શર્મા શરૂઆતમાં કેપ્ટન તરીકે પરત ફરવા માટે ઉત્સુક નહોતા, પરંતુ આગામી સિઝન પહેલા તેઓ નેતૃત્વ સંભાળવા સંમત થયા હતા. ફ્રેન્ચાઈઝીએ જાહેરાત માટે સાંજે 5:45 વાગ્યાનો સમય પસંદ કર્યો તે માત્ર સંયોગ માનવામાં આવતો નથી. જોકે મુંબઈ ઈન્ડિયન્સે આ અંગે સત્તાવાર પુષ્ટિ કરી નથી, પરંતુ એવું માનવામાં આવે છે કે 5:45ના આંકડામાં રોહિત શર્મા સાથે જોડાયેલા બે સૌથી મહત્વપૂર્ણ આંકડા વણી લેવામાં આવ્યા છે. જેમાં '5'નો આંકડો રોહિતની કેપ્ટનશિપમાં મુંબઈએ જીતેલી પાંચ આઈપીએલ ટ્રોફી (2013, 2015, 2017, 2019 અને 2020) દર્શાવે છે, જ્યારે '45' એ રોહિત શર્માનો જર્સી નંબર છે, જે તેણે ફ્રેન્ચાઈઝી સાથેની સમગ્ર સફર દરમિયાન પહેર્યો છે. આ બંને આંકડાને ઘડિયાળના કાંટા પર ગોઠવતા 5:45નો સમય બને છે.

માત્ર સમય જ નહીં, પરંતુ 27 નવેમ્બરની તારીખ પણ ખાસ મહત્વ ધરાવે છે. વર્ષ 2017માં 27 નવેમ્બરના રોજ જ રોહિત શર્માને પ્રથમ વખત ભારતીય રાષ્ટ્રીય ટીમના કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા, જ્યારે તેમણે વિરાટ કોહલીની ગેરહાજરીમાં મેન ઈન બ્લુની કમાન સંભાળી હતી. આ તારીખની પસંદગીને રોહિતની કારકિર્દીના સીમાચિહ્નરૂપ દિવસને અપાયેલી સલામી તરીકે જોવામાં આવી રહી છે, જોકે ફ્રેન્ચાઈઝી તરફથી આ જોડાણની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.

ઉલ્લેખનીય છે કે રોહિત શર્માના 11 વર્ષના સફળ નેતૃત્વ બાદ આઈપીએલ 2024 પહેલા હાર્દિક પંડ્યાને મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. 2024થી 2026 સુધીની ત્રણ સિઝનમાં પંડ્યાની કેપ્ટનશિપ હેઠળ મુંબઈની ટીમ 39 મેચમાંથી માત્ર 15 મેચ જ જીતી શકી હતી. ખાસ કરીને 2026ની સિઝન સૌથી કપરી રહી હતી, જેમાં ટીમ પોઈન્ટ ટેબલમાં નવમા સ્થાને રહી હતી, જે લીગના ઈતિહાસમાં મુંબઈનું અત્યાર સુધીનું સૌથી ખરાબ પ્રદર્શન હતું. આ નિરાશાજનક પરિણામોને કારણે ફ્રેન્ચાઈઝીએ નેતૃત્વ માળખામાં ફેરફાર કરવાની ફરજ પડી હતી. આઈપીએલ ઈતિહાસમાં પાંચ ટાઈટલ જીતવાનો અજેય રેકોર્ડ ધરાવતા રોહિત શર્માની વાપસી સાથે મુંબઈ ઈન્ડિયન્સે ફરી એકવાર પોતાના સૌથી સફળ સુકાની પર ભરોસો મૂક્યો છે.

(8:39 PM IST)