<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 3rd September 2026

દક્ષિણ આફ્રિકાની ધરતી પર તૌહિદ હૃદયોયનો ઐતિહાસિક મહા-ધમાકો: ૩૫૦ રન બનાવી ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં રચ્યો નવો ઈતિહાસ!

તમીમ ઈકબાલનો ૩૩૪ રનનો રેકોર્ડ ધ્વસ્ત: દક્ષિણ આફ્રિકામાં વિદેશી બેટ્સમેન તરીકે સૌથી મોટો ફર્સ્ટ-ક્લાસ સ્કોર બનાવનાર વિશ્વનો પ્રથમ ખેલાડી બન્યો

પોચેફસ્ટ્રુમ | તા.૦૩: બાંગ્લાદેશ 'A' ના કેપ્ટન તૌહિદ હૃદયોયે દક્ષિણ આફ્રિકા સામેની બીજી ચાર દિવસીય મેચમાં ઐતિહાસિક બેટિંગ પ્રદર્શન કરીને ક્રિકેટ જગતને સ્તબ્ધ કરી દીધું છે. સાડા છ વર્ષ પહેલાં પોચેફસ્ટ્રુમમાં જ અંડર-૧૯ વર્લ્ડ કપ જીતીને બાંગ્લાદેશને વિશ્વ વિજેતા બનાવનાર તૌહિદ હૃદયોયે તે જ મેદાન પર ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં અણનમ ૩૫૦ રનની ઇનિંગ રમીને ઈતિહાસના સુવર્ણ અક્ષરોમાં પોતાનું નામ નોંધાવી દીધું છે. તે ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં ૩૫૦ રન બનાવનાર પ્રથમ બાંગ્લાદેશી બેટ્સમેન બન્યો છે.

 

દક્ષિણ આફ્રિકા 'A' સામે ચોથા અને અંતિમ દિવસે રાત્રિના ૨૦૪ રનના સ્કોરથી આગળ રમતા તૌહિદ હૃદયોયે ૪૮૧ બોલમાં ૨૭ ચોગ્ગા અને ૧૦ આકાશી છગ્ગાની મદદથી અણનમ ૩૫૦ રન ફટકાર્યા હતા. આ સાથે જ તેણે ભૂતપૂર્વ કેપ્ટન તમીમ ઈકબાલ (૩૩૪*) અને રકીબુલ હસન (૩૧૩*) ના રેકોર્ડને પાછળ છોડી દીધા છે. તૌહિદ બાંગ્લાદેશની બહાર વિદેશી ધરતી પર ફર્સ્ટ-ક્લાસ ત્રેવડી સદી ફટકારનાર દેશનો પ્રથમ ક્રિકેટર પણ બની ગયો છે.

 

આ મેચમાં દક્ષિણ આફ્રિકા 'A' ના પ્રથમ દાવના ૫૧૨ રનના જવાબમાં બાંગ્લાદેશ 'A' એ ૮ વિકેટે ૬૭૬ રન બનાવીને ઇનિંગ્સ ડિકલેર કરી હતી. મેચ ડ્રોમાં પરિણમી હતી અને દક્ષિણ આફ્રિકા 'A' એ બે મેચની અનઓફિશિયલ ટેસ્ટ શ્રેણી ૧-૦ થી જીતી લીધી હતી. પોતાની આ અદ્ભુત સિદ્ધિ બદલ મેન ઓફ ધ મેચ બનેલા તૌહિદે કહ્યું કે, "આ ઇનિંગથી મારો આત્મવિશ્વાસ બેગણો થઈ ગયો છે અને ભવિષ્યમાં રાષ્ટ્રીય ટીમ માટે પણ આવી જ ઇનિંગ રમવાની મારી ઈચ્છા છે."

 

બાંગ્લાદેશના ભૂતપૂર્વ કેપ્ટન અને વર્તમાન BCB પ્રમુખ તમીમ ઈકબાલે પોતાનો રેકોર્ડ તોડવા બદલ તૌહિદને સોશિયલ મીડિયા પર અભિનંદન પાઠવ્યા હતા અને કહ્યું હતું કે, "દક્ષિણ આફ્રિકાની કઠિન પરિસ્થિતિઓમાં ૩૫૦ રન બનાવવા એ એક અસાધારણ અને દેશ માટે ગૌરવપૂર્ણ સિદ્ધિ છે." હવે બંને ટીમો વચ્ચે ૬ સપ્ટેમ્બરથી બ્લૂમફોન્ટેનમાં ત્રણ મેચની વન-ડે શ્રેણી શરૂ થશે.

 

(5:26 PM IST)