<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 19th April 2026

ટી૨૦ ક્રિકેટમાં સ્મૃતિ માન્ધનાનું શાસન: રોહિત શર્મા અને વિરાટ કોહલીને પછાડી બની ભારતની રન મશીન

મહિલા ક્રિકેટની સ્ટાર ઓપનરે ૧૬૧ મેચમાં ૪૨૪૪ રન ફટકારી રચ્યો ઈતિહાસ, વિશ્વ સ્તરે હવે માત્ર સુઝી બેટ્સ અને બાબર આઝમ જ માન્ધનાથી આગળ, દક્ષિણ આફ્રિકા સામેની હાર વચ્ચે પણ સ્મૃતિએ ભારતીય ક્રિકેટમાં પોતાનું નામ સુવર્ણ અક્ષરે અંકિત કર્યું.

ડરબન: ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સ્ટાર બેટર અને વાઈસ કેપ્ટન સ્મૃતિ માન્ધનાએ આંતરરાષ્ટ્રીય ટી૨૦ ક્રિકેટમાં એક અભૂતપૂર્વ સિદ્ધિ હાંસલ કરી છે. દક્ષિણ આફ્રિકા સામે રમાયેલી શ્રેણીની પ્રથમ મેચમાં ભલે માન્ધના માત્ર ૧૩ રન કરી શકી હોય, પરંતુ આ નાનકડી ઇનિંગની મદદથી તેણે ભારતીય પુરુષ ટીમના દિગ્ગજ ખેલાડી રોહિત શર્માના ૧૫૯ મેચમાં ૪૨૩૧ રનના રેકોર્ડને તોડી નાખ્યો છે. હવે સ્મૃતિ માન્ધના ભારત માટે ટી૨૦ ઇન્ટરનેશનલમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની ગઈ છે. આ અગાઉ તેણે ફેબ્રુઆરી ૨૦૨૬માં વિરાટ કોહલીના ૪૧૮૮ રનના આંકડાને પણ વટાવી દીધો હતો.

સ્મૃતિ માન્ધનાના આંકડા તેની શાનદાર કારકિર્દીની ગવાહી આપે છે. ૧૬૧ મેચોની સફરમાં તેણે ૩૦.૩૧ની એવરેજ અને ૧૨૪.૩૮ના સ્ટ્રાઈક રેટ સાથે ૪૨૪૪ રન બનાવ્યા છે, જેમાં ૧ સદી અને ૩૩ અડધી સદીનો સમાવેશ થાય છે. તેની આક્રમક બેટિંગ શૈલીને કારણે તેણે અત્યાર સુધીમાં ૫૭૦ ચોગ્ગા અને ૮૪ ગગનચુંબી છગ્ગા ફટકાર્યા છે. વિશ્વ સ્તરે વાત કરીએ તો, હવે તે ન્યૂઝીલેન્ડની સુઝી બેટ્સ અને પાકિસ્તાનના બાબર આઝમ પછી ત્રીજા ક્રમે છે. આ સિદ્ધિ માત્ર મહિલા ક્રિકેટ માટે જ નહીં, પરંતુ સમગ્ર ભારતીય ખેલ જગત માટે ગૌરવની ક્ષણ છે.

મેચની વાત કરીએ તો, ભારતીય મહિલા ટીમ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ડરબનમાં રમાયેલી પ્રથમ ટી૨૦માં યજમાન ટીમે ૬ વિકેટે વિજય મેળવી શ્રેણીમાં ૧-૦ની લીડ લીધી છે. જેમિમા રોડ્રિગ્સના ૪૭ રનની મદદથી ભારતે ૧૫૭ રનનો સ્કોર નોંધાવ્યો હતો, પરંતુ સાઉથ આફ્રિકાની કેપ્ટન લૌરા વોલ્વાર્ટની અડધી સદીએ ભારત પાસેથી જીત છીનવી લીધી હતી. આજે સાંજે ૫:૩૦ વાગ્યે ડરબનમાં જ રમાનારી બીજી મેચમાં ટીમ ઈન્ડિયા શ્રેણીમાં વાપસી કરવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે, જેમાં ચાહકોને ફરી એકવાર સ્મૃતિના બેટમાંથી મોટી ઇનિંગની અપેક્ષા છે.

(2:30 PM IST)