<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th October 2026

શેફાલીની તોફાની અડધી સદીઃ ભારતનો વિજય

ઝિમ્‍બાબ્‍વેને ૯ વિકેટે હરાવી શ્રેણીમાં ૨-૦ની અજેય સરસાઈ મેળવીઃ શેફાલીના ૨૫ બોલમાં ૫૫ રન, સ્‍મૃતિ મંધાના ૪૭ રને અણનમ

રાયપુરઃ: ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ઝિમ્‍બાબ્‍વે સામેની ટી-૨૦ શ્રેણીમાં ઐતિહાસિક જીત મેળવી છે. રાયપુરના શહીદ વીર નારાયણ સિહ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્‍ટેડિયમ ખાતે રમાયેલી બીજી ટી-૨૦ મેચમાં ભારતે ઝિમ્‍બાબ્‍વેને ૯ વિકેટે પરાજય આપી ત્રણ મેચની શ્રેણીમાં ૨-૦ની અજેય સરસાઈ મેળવી લીધી હતી. પ્રથમ વખત બંને દેશો વચ્‍ચે રમાઈ રહેલી ટી-૨૦ શ્રેણી ભારતે પોતાના નામે કરી ઇતિહાસ રચ્‍યો છે. અગાઉ પ્રથમ મેચમાં પણ ભારતે ૪ વિકેટે વિજય મેળવ્‍યો હતો.

મેચમાં પ્રથમ બેટિગ કરવા ઉતરેલી ઝિમ્‍બાબ્‍વેની ટીમ ભારતીય બોલરોના સચોટ પ્રહાર સામે ઝઝૂમતી જોવા મળી હતી. ભારતીય બોલરોએ સતત દબાણ જાળવી રાખતાં ઝિમ્‍બાબ્‍વેની ટીમ ૨૦ ઓવરમાં ૮ વિકેટે માત્ર ૧૦૨ રન જ બનાવી શકી હતી. ચીપો મુગેરી-તિરિપાનાએ ૩૪ અને કેપ્‍ટન જોસેફિન નકોમોએ ૨૭ રન નોંધાવી ટીમને સંભાળવાનો પ્રયાસ કર્યો હતો. ભારત તરફથી નિકી પ્રસાદે બે ઓવરમાં માત્ર સાત રન આપીને બે વિકેટ ઝડપી હતી. જ્‍યારે ક્રાંતિ ગૌડ, નંદિની શર્મા, દીપ્તિ શર્મા અને શ્રીચરણીએ એક-એક વિકેટ મેળવી ઝિમ્‍બાબ્‍વેની બેટિગને કાબૂમાં રાખી હતી.

૧૦૩ રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમે શરૂઆતથી જ આક્રમક રમત દાખવી હતી. ઓપનર શેફાલી વર્માએ મેદાન પર ચોગ્‍ગા અને છગ્‍ગાનો વરસાદ વરસાવી ઝિમ્‍બાબ્‍વેના બોલરોને બેકફૂટ પર ધકેલી દીધા હતા. શેફાલીએ માત્ર ૨૫ બોલમાં છ ચોગ્‍ગા અને ચાર છગ્‍ગાની મદદથી ૫૫ રનની ધમાકેદાર અડધી સદી ફટકારી હતી. બીજી તરફ કેપ્‍ટન સ્‍મૃતિ મંધાનાએ પણ શાનદાર બેટિગ કરતાં ૪૭ રન બનાવી અણનમ રહી હતી. બંનેની આક્રમક બેટિગના જોરે ભારતે માત્ર ૮.૫ ઓવરમાં એક વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. ભારતની આ જીતમાં બોલરોની શિસ્‍તબદ્ધ કામગીરી અને બેટરોની વિસ્‍ફોટક રમત નિર્ણાયક સાબિત થઈ હતી

(10:38 AM IST)