તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ શ્રાવણ વદ-૧૪, રવિવાર
News of Sunday, 12th April 2026
KKR માટે સંજીવની સમાન સમાચાર: ૧૮ કરોડનો ‘યોર્કર કિંગ’ મથીષા પથિરાના IPL ૨૦૨૬માં મચાવશે ધૂમ, શ્રીલંકા બોર્ડે આપી મંજૂરી
પોઈન્ટ ટેબલમાં તળિયે પટકાયેલી કોલકાતા નાઈટ રાઈડર્સની બોલિંગ લાઇનઅપમાં જાન ફૂંકાશે: ફિટનેસ વિવાદ અને SLCની કડકતા બાદ આખરે પથિરાનાને મળ્યું NOC, નેટ્સમાં બોલિંગ શરૂ કરતા વિરોધી ટીમોમાં ફફડાટ

કોલકાતા:આઈપીએલ ૨૦૨૬માં સતત હારનો સામનો કરી રહેલી કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) માટે આખરે રાહતના સમાચાર આવ્યા છે. ટીમે મીની-ઓક્શનમાં જેની પર ૧૮ કરોડ રૂપિયાનો જંગી દાવ ખેલ્યો હતો તે શ્રીલંકન ફાસ્ટ બોલર મથીષા પથિરાનાને શ્રીલંકા ક્રિકેટ બોર્ડ (SLC) તરફથી નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) મળી ગયું છે. ૨૦૨૬ના ટી૨૦ વર્લ્ડ કપ દરમિયાન ઈજાગ્રસ્ત થયેલા પથિરાનાની ફિટનેસને લઈને લાંબા સમયથી ખેંચતાણ ચાલી રહી હતી. શ્રીલંકા બોર્ડે તેના ફાસ્ટ બોલરોની ફિટનેસ બાબતે અત્યંત કડક વલણ અપનાવતા પથિરાનાની આઈપીએલ રમવા પર જોખમ તોળાઈ રહ્યું હતું, પરંતુ હવે ગ્રીન સિગ્નલ મળતા તે ટૂંક સમયમાં જ કેકેઆરના ડ્રેસિંગ રૂમમાં જોવા મળશે.
પથિરાનાની ગેરહાજરીમાં કેકેઆરનું બોલિંગ આક્રમણ અત્યંત નબળું સાબિત થયું છે, જેના કારણે ટીમ અત્યાર સુધી એક પણ મેચ જીતવામાં નિષ્ફળ રહી છે. હર્ષિત રાણા અને આકાશ દીપ જેવા મુખ્ય બોલરો આખી સીઝન માટે બહાર થઈ ગયા છે અને મુસ્તફિઝુર રહેમાનને પણ બીસીસીઆઈની વિનંતી પર મુક્ત કરવામાં આવ્યા છે. નવદીપ સૈની અને મુઝારાબાની જેવા બોલરો રન રોકવામાં નિષ્ફળ રહ્યા હોવાથી પથિરાનાની વાપસી ટીમ માટે સંજીવની સમાન માનવામાં આવે છે. શેન વોટસને પણ પુષ્ટિ કરી છે કે તેઓ શ્રીલંકા ક્રિકેટની સૂચનાઓનું પાલન કરીને પથિરાનાને વહેલી તકે મેદાનમાં ઉતારવા માટે તમામ પ્રયાસો કરી રહ્યા છે.
તાજેતરના અહેવાલો મુજબ, પથિરાનાએ કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમ ખાતે નેટ્સમાં બોલિંગનો અભ્યાસ શરૂ કરી દીધો છે. જોકે તે અત્યારે તેની સંપૂર્ણ ગતિએ બોલિંગ કરી રહ્યો નથી, પરંતુ તેની રિકવરી સંતોષકારક હોવાનું મનાય છે. મલિંગા જેવી એક્શન ધરાવતો આ બોલર ડેથ ઓવર્સમાં રન અટકાવવાની ક્ષમતા ધરાવે છે, જેની અત્યારે કેકેઆરને સખત જરૂર છે. ૧૮ કરોડની મોટી રકમ ખર્ચ્યા બાદ પથિરાના મેદાન પર પરત ફરશે તો કોલકાતાના ચાહકોને આશા છે કે ટીમ ફરી એકવાર જીતના પાટા પર ચડશે અને ટુર્નામેન્ટમાં મજબૂત વાપસી કરશે.
(4:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
