News of Wednesday, 29th April 2026
રેયન રિકેલ્ટને એક એવી સિદ્ધિ હાંસલ કરી :44 બોલમાં સેન્ચુરી ફટકારી :સચિન-રોહિતને પણ પાછળ છોડ્યા
મુંબઈ માટે સૌથી ઝડપી સદીનો રેકોર્ડ સંયુક્ત રીતે સનથ જયસૂર્યા અને તિલક વર્માના નામે હતો

પાંચ વખતના ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ માટે રમતા, રેયન રિકેલ્ટને એક એવી સિદ્ધિ હાંસલ કરી છે જે સચિન તેંડુલકર અને રોહિત શર્મા જેવા મહાન બેટ્સમેન હાંસલ કરવામાં નિષ્ફળ ગયા. 29 વર્ષીય આ બેટ્સમેન મુંબઈ ઈન્ડિયન્સ માટે સદી ફટકારનાર સૌથી ફાસ્ટ બેટ્સમેન બની ગયો છે. સનરાઈઝર્સ હૈદરાબાદ સામે પોતાની તોફાની બેટિંગથી સનસનાટી મચાવતા, દક્ષિણ આફ્રિકાના આ ક્રિકેટરે સદી સુધી પહોંચવા માટે ફક્ત 44 બોલ રમ્યા હતા. અગાઉ, મુંબઈ માટે સૌથી ઝડપી સદીનો રેકોર્ડ સંયુક્ત રીતે સનથ જયસૂર્યા અને તિલક વર્માના નામે હતો. બંનેએ 45-45 બોલમાં આ સિદ્ધિ હાંસલ કરી હતી.
તિલક વર્માએ તાજેતરમાં 45 બોલમાં સદી ફટકારીને સનથ જયસૂર્યાના રેકોર્ડની બરાબરી કરી હતી. જયસૂર્યાએ IPLની પહેલી સીઝનમાં મુંબઈની જર્સી પહેરીને 45 બોલમાં 100 રનનો આંકડો પાર કર્યો હતો. જોકે, રિકેલ્ટન હવે આ 18 વર્ષ જૂનો રેકોર્ડ તોડીને મુંબઈનો સૌથી ફાસ્ટ સેન્ચુરી ફટકારનાર બેટ્સમેન બન્યો છે. કેમરુન ગ્રીન ટીમ માટે સૌથી ઝડપી સદી ફટકારનાર બીજો બેટ્સમેન છે. ગ્રીને 2023માં હૈદરાબાદ સામે 47 બોલમાં 100 રન બનાવ્યા હતા. સૂર્યકુમાર યાદવે પણ 2023માં ગુજરાત ટાઇટન્સ સામે 49 બોલમાં સદી ફટકારી હતી. સૂર્યા આ રેકોર્ડમાં ચોથા ક્રમે છે.
ઇનિંગની શરૂઆત કરતા, રિકેલ્ટને બીજી ઓવરથી બોલરો પર પ્રહાર કરવાનું શરુ કરી દીધું હતું. તેણે પ્રફુલ હિન્જના બોલ પર એક જોરદાર છગ્ગો ફટકાર્યો. ત્યારબાદ તેનું બેટ અટક્યું નહીં અને તેણે પોતાની અદ્ભુત લય દર્શાવી, દરેક ઓવરમાં માસ્ટરફુલ શોટ રમીને ઝડપથી તેની અડધી સદી પૂર્ણ કરી. ઇનિંગની આઠમી ઓવરમાં છગ્ગો ફટકારીને, રિકેલ્ટને ફક્ત 23 બોલમાં પોતાનો હાફ સેન્ચુરી પૂર્ણ કરી. ઓપનરનું કૌશલ્ય ત્યાં જ અટક્યું નહીં. તેણે વચ્ચેની ઓવરમાં પણ બોલરોને હંફાવવાનું ચાલુ જ રાખ્યું હતું. 15મી ઓવરના બીજા બોલ પર ચોગ્ગો ફટકારીને તેણે પોતાના 90 રને પહોંચી ગયો. તેણે નીતિશ રેડ્ડીના બીજા જ બોલ પર એક શાનદાર છગ્ગો ફટકારીને 99 રન બનાવ્યા. ત્યારબાદ તેણે એક સિંગલ ફટકારીને પોતાની સદી પૂર્ણ કરી.
રિકેલટન 123 રન બનાવી અણનમ રહ્યો. આ IPLમાં મુંબઈ ઇન્ડિયન્સ માટે સૌથી વધુ ઇનિંગ્સનો રેકોર્ડ છે. આ સંદર્ભમાં, રિકેલટને જયસૂર્યાનો રેકોર્ડ પણ તોડ્યો. જયસૂર્યાએ મુંબઈ માટે અણનમ 114 રન બનાવ્યા હતા. રિકેલટને 223ની સ્ટ્રાઇક રેટથી 55 બોલમાં રન બનાવ્યા હતા. આ ઇનિંગ્સ દરમિયાન, તેણે 8 છગ્ગા અને 10 ચોગ્ગા પણ ફટકાર્યા હતા. આ ઇનિંગ્સના જોરે મુંબઈએ સનરાઇઝર્સ સામે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 243 રનનો વિશાળ સ્કોર બનાવ્યો છે.
(11:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
