<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 19th July 2026

રોહિત શર્મા-વિરાટ કોહલીએ લૉર્ડ્સમાં ઈતિહાસ રચ્યો: ઐતિહાસિક આંક મેળવનાર પ્રથમ ભારતીય જોડી બની

રોહિત-કોહલી એ સચિન તેંડુલકર અને રાહુલ દ્રવિડની 391 મેચ સાથે રમવાના રેકોર્ડને પાછળ છોડ્યો:લૉર્ડ્સમાં બંનેએ 400મી મેચ સાથે રમવાનો રેકોર્ડ કરી ભારતીય ક્રિકેટ ઈતિહાસમાં નવો અધ્યાય ઉમેર્યો

ભારતીય ટીમના 2 સૌથી અનુભવી બેટર રોહિત શર્મા અને વિરાટ કોહલી એ રવિવારે લૉર્ડ્સમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધની ત્રીજી અને નિર્ણાયક વન-ડેમાં એક મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. બંને દિગ્ગજોએ ભારતીય જોડી તરીકે 400 આંતરરાષ્ટ્રીય મેચ એકસાથે રમવાનો ઐતિહાસિક આંક હાંસલ કર્યો છે. રોહિત અને કોહલીની જોડી પહેલા જ ભારત માટે સૌથી વધુ આંતરરાષ્ટ્રીય મેચ સાથે રમનાર જોડી બની ચૂકી હતી. 

 

રોહિત-કોહલી એ સચિન તેંડુલકર અને રાહુલ દ્રવિડની 391 મેચ સાથે રમવાના રેકોર્ડને પાછળ છોડ્યો હતો. હવે લૉર્ડ્સમાં બંનેએ 400મી મેચ સાથે રમવાનો રેકોર્ડ કરી ભારતીય ક્રિકેટ ઈતિહાસમાં નવો અધ્યાય ઉમેર્યો છે. જોકે, વિશ્વ ક્રિકેટમાં સૌથી વધુ મેચ સાથે રમવાનો રેકોર્ડ હજુ પણ શ્રીલંકાના કુમાર સંગાકારા અને મહેલા જયવર્ધનેનાં નામે છે. જેમણે 550 આંતરરાષ્ટ્રીય મેચ સાથે રમી છે. રોહિત-કોહલી આ યાદીમાં 400 મેચની સાથે છઠ્ઠાં ક્રમે પહોંચી ગયા છે.

 

18 વર્ષથી બંને ભારતીય ટીમના મહત્ત્વપૂર્ણ ખેલાડીઓ

 

રોહિત શર્મા એ 2007માં અને વિરાટ કોહલી એ 2008માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એન્ટ્રી કરી હતી. ગત 18 વર્ષમાં બંને ભારતીય બેટિંગનાં સૌથી મહત્ત્વપૂર્ણ ખેલાડી રહ્યાં છે. આ દરમિયાન ભારતે 3 ટી20 વર્લ્ડ કપ, 1 વન-ડે વર્લ્ડ કપ અને 2 ચેમ્પિયન્સ ટ્રોફી જીતી છે. 

બંને ખેલાડીઓ હવે ટી20 અને ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યા છે અને માત્ર વન-ડે ફોર્મેટમાં રમી રહ્યાં છે. વન-ડે ક્રિકેટમાં વિરાટ કોહલી ભારત માટે બીજો સૌથી વધુ રન કરનાર બેટર છે. તેના નામે 14,867 રન નોંધાયેલા છે, જ્યારે રોહિત શર્મા 11,757 રન સાથે ત્રીજા ક્રમે છે. 

 

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ મેચ એકસાથે રમનાર જોડીઓઃ

 

જોડી                                                      મેચ

કુમાર સંગાકારા/મહેલા જયવર્ધને (શ્રીલંકા)            550

તિલકરત્ને દિલસાન/મહેલા જયવર્ધને (શ્રીલંકા)      426

કુમાર સંગાકારા/તિલકરત્ને દિલશાન (શ્રીલંકા)      418

સનથ જયસૂર્યા/મુથૈયા મુરલીધરન (શ્રીલંકા)      408

જેક્સ કાલિસ/માર્ક બાઉચર (દ.આફ્રિકા)              407

રોહિત શર્મા/વિરાટ કોહલી (ભારત)              400

સચિન તેંડુલકર/રાહુલ દ્રવિડ (ભારત)              391

(6:28 PM IST)