તા. ૨૭ ઓગષ્ટ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ સુદ – ૧૪ ગુરૂવાર
News of Saturday, 26th September 2026
વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ વનડે પહેલા ભારતીય ફેન્સ માટે રાહતના સમાચાર: નેટ પ્રેક્ટિસમાં ઈજાગ્રસ્ત થયેલા કેપ્ટન શુભમન ગિલ ફિટ જાહેર!
મોહમ્મદ સિરાજના બાઉન્સરથી કોણીમાં વાગ્યા બાદ ગિલના રમવા પર ઊભા થયા હતા આશંકાના વાદળો; બેટિંગ કોચ સિતાંશુ કોટકે મેચની પૂર્વસંધ્યાએ કરી સત્તાવાર પુષ્ટિ

નવી દિલ્હી : ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રવિવારથી શરૂ થઈ રહેલી ત્રણ મેચોની વનડે શ્રેણી પહેલા ભારતીય ક્રિકેટ ફેન્સ માટે આશ્વાસન આપનારા મોટા સમાચાર સામે આવ્યા છે. તિરુવનંતપુરમ ખાતે રમાનારી પ્રથમ વનડે મેચની પૂર્વસંધ્યાએ ભારતીય ટીમના કેપ્ટન શુભમન ગિલને મેડિકલ ટીમ દ્વારા સંપૂર્ણપણે ફિટ જાહેર કરવામાં આવ્યા છે. ભારતીય બેટિંગ કોચ સિતાંશુ કોટકે પ્રેસ કોન્ફરન્સમાં આ વાતની સત્તાવાર પુષ્ટિ કરી છે.
ઉલ્લેખનીય છે કે, શુક્રવારે નેટ પ્રેક્ટિસ દરમિયાન ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજના એક તીવ્ર બોલ પર બેટિંગ કરતી વખતે ગિલને જમણા હાથની કોણી પર જોરદાર ઈજા પહોંચી હતી. ઈજા એટલી ગંભીર જણાતી હતી કે ગિલને તાત્કાલિક નેટ્સ છોડીને મેડિકલ ટીમ સાથે સમય વિતાવવો પડ્યો હતો. ગિલ મોડે સુધી દુખાવાથી પીડાતો જોવા મળ્યો હતો, જેના કારણે રવિવારની મેચમાં તેના રમવા સામે મોટો પ્રશ્નાર્થ ચિહ્ન ઊભો થયો હતો. જો ગિલ બહાર થયો હોત તો કે.એલ. રાહુલ કેપ્ટનશીપ સંભાળે તેવી પૂરી શક્યતાઓ હતી.
જોકે, તમામ ચિંતાઓનો અંત લાવતા બેટિંગ કોચ સિતાંશુ કોટકે જણાવ્યું હતું કે, "ગિલ હવે સંપૂર્ણપણે સ્વસ્થ છે અને તે પ્રથમ વનડેમાં રમવા માટે પૂરી રીતે તૈયાર છે." કોટકે વધુમાં સ્પષ્ટતા કરી હતી કે કેપ્ટન શુભમન ગિલ અને અનુભવી ઓપનર રોહિત શર્મા જ ઈનિંગ્સની શરૂઆત કરશે. આ સાથે જ યુવા બેટ્સમેન યશસ્વી જયસ્વાલે પોતાની તકની રાહ જોવી પડશે.
ટીમ ઈન્ડિયાની ભવિષ્યની રણનીતિ અંગે વાત કરતાં કોટકે ઉમેર્યું હતું કે 2027ના વનડે વર્લ્ડ કપ માટેની તૈયારીઓ અત્યારથી જ શરૂ કરી દેવામાં આવી છે. દક્ષિણ આફ્રિકામાં યોજાનારા વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને ત્યાંની ઝડપી અને બાઉન્સી વિકેટોને અનુકૂળ રહેવા માટે અત્યારથી જ ખાસ ટ્રેનિંગ પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યો છે.
(10:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
