<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 19th April 2026

ક્રિકેટના મેદાનમાં વિકેટો ઝડપ્યા બાદ રાશિદ ખાનના ઘરે પારણું બંધાયું: લંડનમાં પુત્રરત્નનો જન્મ, નામ આપ્યું 'અઝલાન ખાન'

ટી૨૦ ક્રિકેટના દિગ્ગજ સ્પિનર અને ગુજરાત ટાઇટન્સના સ્ટાર પ્લેયરના ઘરે 'નાના રાજકુમાર'નું આગમન, સોશિયલ મીડિયા પર પુત્રના જન્મની ખુશખબરી શેર કરતા ફેન્સમાં ભારે ઉત્સાહ, રાશિદના નિકાહ અને બે પત્નીઓની ચર્ચા વચ્ચે અફઘાનિસ્તાન ક્રિકેટમાં ખુશીનો માહોલ.

લંડન: અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટન અને વિશ્વના નંબર વન સ્પિનર રાશિદ ખાનના જીવનમાં એક નવી ઇનિંગની શરૂઆત થઈ છે. રાશિદ ખાન ગઈકાલે પિતા બન્યો છે અને તેના ઘરે પુત્રરત્નનો જન્મ થયો છે. લંડનથી આ ભાવુક સમાચાર શેર કરતા રાશિદ ખાને ઇન્સ્ટાગ્રામ પર પોતાના પુત્રના નામની જાહેરાત 'અઝલાન ખાન' તરીકે કરી છે. ૨૭ વર્ષીય આ ક્રિકેટરે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર લંડનનું લોકેશન સેટ કરીને બે નાનકડા પોસ્ટરના ફોટા શેર કર્યા હતા, જેમાં તેણે લખ્યું હતું કે, "દુનિયામાં તારું સ્વાગત છે, મારા નાના રાજકુમાર." આ સમાચાર આવતાની સાથે જ ક્રિકેટ જગત અને ગુજરાત ટાઇટન્સના ચાહકોએ તેને અભિનંદન પાઠવવાનું શરૂ કરી દીધું છે.

પુત્રના જન્મની ખુશીની સાથે જ રાશિદ ખાનના અંગત જીવનને લઈને સોશિયલ મીડિયા પર ફરી એકવાર અનેક તર્ક-વિતર્ક શરૂ થયા છે. અહેવાલો મુજબ, રાશિદ ખાને ૨૦૨૪ થી ૨૦૨૫ દરમિયાન ૧૦ મહિનાના ટૂંકા ગાળામાં બે વખત નિકાહ કર્યા હોવાની ચર્ચા છે. પ્રથમ નિકાહ ઓક્ટોબર ૨૦૨૪માં કાબુલમાં તેના ભાઈઓ સાથે સામૂહિક રીતે થયા હતા, જ્યારે બીજા નિકાહ ઓગસ્ટ ૨૦૨૫માં લંડન સ્થિત એક અફઘાની મહિલા સાથે થયા હોવાનું મનાય છે. જોકે, આ સંતાન તેની કઈ પત્નીનું છે તે અંગે રાશિદ દ્વારા કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી નથી. સોશિયલ મીડિયા પર એક પક્ષ એવો પણ દાવો કરી રહ્યો છે કે ૨૦૨૪માં તેની માત્ર સગાઈ થઈ હતી અને ૨૦૨૫માં જ તેણે લગ્ન કર્યા છે.

રાશિદ ખાનના લગ્ન વિશેનો રહસ્યમય માહોલ ત્યારે વધુ ઘેરો બન્યો જ્યારે નવેમ્બર ૨૦૨૫માં તેની લંડન સ્થિત પત્ની સાથેના ફોટા વાયરલ થયા હતા. ક્રિકેટના વ્યસ્ત શિડ્યુલ વચ્ચે રાશિદ હંમેશા પોતાની પર્સનલ લાઈફને મીડિયાની નજરથી દૂર રાખવાનો પ્રયાસ કરતો રહ્યો છે. હાલમાં તે લંડનમાં છે અને પોતાના પરિવાર સાથે આ યાદગાર પળોની ઉજવણી કરી રહ્યો છે. 'અઝલાન' નામનો અર્થ સિંહ જેવો બહાદુર થાય છે, અને ચાહકો એવી આશા રાખી રહ્યા છે કે પિતાની જેમ જ અઝલાન પણ ભવિષ્યમાં રમત જગતમાં નામ રોશન કરશે. આ ખુશીના પ્રસંગે અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટરોએ પણ સોશિયલ મીડિયા પર રાશિદને શુભકામનાઓ આપી છે.

(2:30 PM IST)