News of Friday, 24th April 2026
ફિફા વર્લ્ડ કપમાં ‘પાવર ગેમ’: ઈરાનને બહાર કરી ઈટાલીને એન્ટ્રી આપવાની અમેરિકાની દરખાસ્ત ફગાવી; રમતગમતના મેદાનમાં રાજનીતિ નહીં ચાલે!
ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસનની ઈચ્છા છતાં ઈટાલીએ વર્લ્ડ કપમાં ‘ચોર રસ્તે’ પ્રવેશવાનો કર્યો ઈનકાર; મેદાનમાં જીતનાર જ રમશે તેવો ઈટાલીના રમતગમત મંત્રીનો લલકાર

રોમ: આગામી ફિફા વર્લ્ડ કપ શરૂ થવાને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ફૂટબોલના મેદાનની બહાર એક મોટું રાજકીય તોફાન જોવા મળી રહ્યું છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્ર સાથે જોડાયેલા એક અધિકારીએ સૂચન કર્યું હતું કે ઈરાનની ટીમને વર્લ્ડ કપમાંથી હટાવીને તેના સ્થાને ઈટાલીને તક આપવામાં આવે. જોકે, ઈટાલીએ અત્યંત ગૌરવપૂર્ણ વલણ અપનાવીને અમેરિકાની આ ઓફરને સદંતર ફગાવી દીધી છે.
યોગ્યતાના આધારે જ એન્ટ્રી, રાજનીતિથી નહીં
ઈટાલીના રમતગમત મંત્રી એન્ડ્રીયા અબોદીએ આ મામલે કડક વલણ અપનાવતા સ્પષ્ટ કર્યું છે કે, ઈરાનને બદલીને ઈટાલીને સ્થાન આપવાનું પગલું ન તો શક્ય છે અને ન તો નૈતિક રીતે યોગ્ય છે. ઈટાલીની ઓલિમ્પિક સમિતિના પ્રમુખ લુસિયાનો બુઓનફિગ્લિયોએ પણ આ વાતને ટેકો આપતા જણાવ્યું હતું કે, વર્લ્ડ કપ જેવી પ્રતિષ્ઠિત સ્પર્ધામાં લાયકાત માત્ર મેદાન પરના પ્રદર્શન અને યોગ્યતાના આધારે જ મળવી જોઈએ, કોઈના સ્થાને ગોઠવણ કરીને નહીં.
અમેરિકાની ‘આકસ્મિક’ દરખાસ્ત અને વિવાદ
આ સમગ્ર વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે યુએસ રાજદૂત પાઓલો ઝામ્પોલીએ એવો પ્રસ્તાવ મૂક્યો કે જો ઈરાન કોઈ કારણસર પાછું ખેંચાય તો ઈટાલીને આકસ્મિક વિકલ્પ તરીકે તૈયાર રાખવું જોઈએ. જોકે, ફિફા (FIFA) એ સ્પષ્ટ કરી દીધું છે કે અમેરિકામાં યોજાનારી ઈરાનની તમામ મેચો પૂર્વનિર્ધારિત શેડ્યૂલ મુજબ જ રમાશે. યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયોએ પણ સ્પષ્ટતા કરી છે કે ઈરાની ખેલાડીઓ પર કોઈ પ્રતિબંધ નથી, જોકે ટીમ સાથે આવતા અન્ય સ્ટાફ અંગે સુરક્ષાની ચિંતાઓ હોઈ શકે છે.
જૂનમાં જામશે ફૂટબોલનો જંગ
એશિયા ક્વોટામાંથી ક્વોલિફાય થયેલા ઈરાને વર્લ્ડ કપમાં પોતાની ભાગીદારીની પુષ્ટિ કરી દીધી છે. જૂન મહિનાથી અમેરિકાના વિવિધ શહેરોમાં ફૂટબોલનો મહાકુંભ શરૂ થવા જઈ રહ્યો છે. એક તરફ દુનિયાભરના ચાહકો મેદાન પર ગોલની રમઝટ જોવા આતુર છે, ત્યારે બીજી તરફ ઈટાલીએ રમતગમતની ગરિમા જાળવી રાખીને અમેરિકાની દરખાસ્ત ફગાવી દેતા ખેલજગતમાં તેની ભારે પ્રશંસા થઈ રહી છે.
(7:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
