<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th September 2026

પાકિસ્તાન સુપર લીગ દસ વર્ષ પછી પણ બેટ્સમેન પેદા કરવામાં નિષ્ફળ: ૧૪ વર્ષના ભારતીય યુવા બેટર વૈભવ સૂર્યવંશીનું ઉદાહરણ આપીને વસીમ અકરમે પીસીબી અને પોતાના દેશના દિલધડક ક્રિકેટ સિસ્ટમ પર સાધ્યું તીખું નિશાન

​લાહોરમાં મીડિયા સમક્ષ પાકિસ્તાની સ્વિંગના સુલતાને રેડ બોલ ક્રિકેટમાં ટીમના કથળતા પ્રદર્શન અંગે વ્યક્ત કરી ઘેરી ચિંતા; ક્લબ અને રૂટ સ્તરના ક્રિકેટને ફરી જીવંત કરવાની સાથે પીસીબીને ક્ષણિક નિર્ણયો બદલે લાંબા ગાળાના આયોજન પર ભાર મૂકવા કરી આકરી અપીલ

​લાહોર / નવી દિલ્હી: પાકિસ્તાન ક્રિકેટ ટીમ દ્વારા આંતરરાષ્ટ્રીય સ્તરે ખાસ કરીને ટેસ્ટ ક્રિકેટમાં થઈ રહેલા સતત નિરાશાજનક પ્રદર્શન અને સ્થાનિક સ્તરે ગુણવત્તાયુક્ત બેટ્સમેનોની અછતને લઈને પૂર્વ સુકાની અને દિગ્ગજ ઝડપી બોલર વસીમ અકરમે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) પર આકરા પ્રહારો કર્યા છે. લાહોર ખાતે પત્રકારો સાથેની વાતચીત દરમિયાન અકરમે ખુલ્લા મનથી સ્વીકાર્યું હતું કે પાકિસ્તાનમાં હવે મેચ વિનિંગ બેટ્સમેનોની ભારે અછત સર્જાઈ છે, જે ચિંતાનો વિષય છે.

​પોતાની ભડાસ કાઢતા વસીમ અકરમે પાકિસ્તાન સુપર લીગ (PSL)ની ક્ષમતા પર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, PSL શરૂ થયે ૧૦ વર્ષથી પણ વધુ સમય વીતી ગયો છે, પરંતુ શું આ લીગે એક પણ આંતરરાષ્ટ્રીય કક્ષાનો મહાન બેટ્સમેન આપ્યો છે? લીગે થોડા બોલરો ચોક્કસ આપ્યા છે, પરંતુ ઉચ્ચ કક્ષાનું બેટિંગ ટેલેન્ટ આપવા માં તે તદ્દન નિષ્ફળ રહી છે.

​પાકિસ્તાની બોર્ડ અને ક્રિકેટ સ્ટ્રક્ચરને આડે હાથ લેતા અકરમે પડોશી દેશ ભારતનું ઉદાહરણ આપ્યું હતું. તેમણે ભારતના ૧૪ વર્ષીય સનસનાટીભર્યા યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશીનો ઉલ્લેખ કરતા કહ્યું કે, ભારત આજે ૧૪-૧૫ વર્ષની નાની વયે વૈભવ સૂર્યવંશી જેવા અદભુત અને વિસ્ફોટક ખેલાડીઓ તૈયાર કરી રહ્યું છે. જ્યારે પાકિસ્તાન આવું એક પણ નવું ટેલેન્ટ શોધી શક્યું નથી. જ્યાં સુધી પાકિસ્તાનમાંથી વૈભવ સૂર્યવંશી જેવો પ્રતિભાશાળી બેટ્સમેન બહાર નહીં આવે, ત્યાં સુધી દેશના ક્રિકેટ અને ખાસ કરીને ટેસ્ટ ટીમમાં સુધારાની કોઈ શક્યતા નથી.

​આ ઉપરાંત, અકરમે ટીમના સતત બદલાતા કોચિંગ સ્ટાફ અને ખેલાડીઓની પસંદગીમાં અસ્થિરતા સામે પણ નારાજગી દર્શાવી હતી. તેમણે ઉમેર્યું કે બોર્ડ ગમે તેને કોચ બનાવી દે, પરંતુ મૂળ સમસ્યા સ્થાનિક માળખાની છે. ક્લબ, સ્કૂલ અને કોલેજ સ્તરનું ક્રિકેટ તળિયે બેસી ગયું છે. જો ગાસરૂટ સ્તરે ધ્યાન નહીં આપવામાં આવે અને ડોમેસ્ટિક સિસ્ટમને ૩ થી ૪ વર્ષનો સ્થિર સમય નહીં અપાય, તો પાકિસ્તાની ક્રિકેટનો ગ્રાફ વધુ નીચે જશે. તેમણે કરાચી અને લાહોર જેવા શહેરોમાં ક્લબ ક્રિકેટના પુનરુત્થાન માટે બોર્ડે કરોડો રૂપિયાનું રોકાણ કરવું જોઈએ તેવી સખત સલાહ પણ આપી હતી.

(12:18 PM IST)