News of Saturday, 2nd May 2026
ટી૨૦ વર્લ્ડ કપના ત્રણ વિજેતા સુકાનીઓ એક જ ફ્રેમમાં: સૂર્યકુમાર યાદવે ધોની અને રોહિત સાથેની 'ઐતિહાસિક' તસવીરનું ખોલ્યું રહસ્ય
ચેન્નાઈના મેદાનમાં આઈપીએલ જંગ પહેલા વિશ્વ વિજેતા કેપ્ટનોની ત્રણ પેઢીઓનો અદભૂત સંગમ, સોશિયલ મીડિયા પર 'ગ્રુપ ડીપી' માટેના કેપ્શને ફેન્સમાં મચાવી ધૂમ

ચેન્નાઈ: ક્રિકેટના મેદાનમાં જ્યારે ત્રણ-ત્રણ વિશ્વ વિજેતા કેપ્ટનો એકસાથે જોવા મળે ત્યારે તે ક્ષણ ઈતિહાસ બની જતી હોય છે. તાજેતરમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી સૂર્યકુમાર યાદવ, એમ.એસ. ધોની અને રોહિત શર્માની તસવીરે ચાહકોમાં ભારે ઉત્તેજના જગાવી છે. આ મામલે ખુલાસો કરતા સૂર્યાએ જણાવ્યું કે, આઈપીએલ ૨૦૨૬ના મુકાબલા અગાઉ જ્યારે ત્રણેય ચેન્નાઈના સ્ટેડિયમમાં હાજર હતા, ત્યારે આ યાદગાર ક્ષણને કેદ કરવાની તક તેણે ઝડપી લીધી હતી.
આ તસવીર માત્ર એક ફોટો નથી, પરંતુ ભારતીય ક્રિકેટના ૨૦૦૭, ૨૦૨૪ અને ૨૦૨૬ના ટી૨૦ વર્લ્ડ કપ વિજયની ગાથા છે. સૂર્યકુમારે પહેલા રોહિત શર્મા અને ત્યારબાદ વિનંતી સાથે 'કેપ્ટન કૂલ' ધોનીનો સંપર્ક કર્યો હતો. બંને દિગ્ગજો સહમત થતા જ સૂર્યાએ "જલ્દી સે લેતે હૈ" કહીને આ ફોટો ક્લિક કર્યો હતો. આ તસવીર સોશિયલ મીડિયા પર શેર કરતાની સાથે જ લાખો લોકોએ તેને પસંદ કરી છે.
ખાસ કરીને સૂર્યકુમારે આ ફોટો માટે "ગ્રુપ ડીપી મળી ગયો, બસ ગ્રુપનું નામ સૂચવો" એવું કેપ્શન આપતા ઈન્ટરનેટ પર જવાબોનો પૂર આવ્યો છે. યુઝર્સે આ ત્રિપુટીને 'ગોલ્ડન જનરેશન' અને 'વર્લ્ડ ચેમ્પિયન્સ ક્લબ' જેવા નામો આપ્યા છે. આઈપીએલની હરીફાઈ વચ્ચે ખેલાડીઓનો આવો પરસ્પર આદર અને ભાઈચારો જોઈને ક્રિકેટ પ્રેમીઓ ભાવુક થયા છે.
(11:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
