તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 26th September 2026
રોહિત-વિરાટની વાપસી સાથે વેસ્ટ ઇન્ડિઝ સામે કાલથી વનડે જંગ
ગિલની આગેવાનીમાં ટીમ ઇન્ડિયા મેદાને ઉતરશેઃ તિરુવનંતપુરમમાં કાલે બપોરે બે વાગ્યાથી પ્રથમ મુકાબલો

નવી દિલ્હીઃ ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચેની ત્રણ મેચની વનડે સિરીઝનો આવતીકાલે ૨૭ સપ્ટેમ્બરથી તિરુવનંતપુરમમાં પ્રારંભ થશે. બપોરે ૨ વાગ્યાથી શરૂ થનારી પ્રથમ વનડેમાં ભારતીય ટીમ શૂબમન ગિલની આગેવાનીમાં મેદાનમાં ઉતરશે. ત્રણ મેચની સિરીઝની બીજી વનડે ૩૦ સપ્ટેમ્બરે ગુવાહાટી અને ત્રીજી વનડે ૩ ઓક્ટોબરે ન્યૂ ચંડીગઢમાં રમાશે.
સિરીઝ પહેલાં જ ભારતીય ક્રિકેટ ચાહકોમાં ઉત્સાહ વધારનાર સૌથી મોટી બાબત છે રોહિત શર્મા અને વિરાટ કોહલીની વનડે ટીમમાં વાપસી. બંને દિગ્ગજ ખેલાડીઓ બે મહિનાના વિરામ બાદ ફરી એકવાર વનડે ક્રિકેટમાં જોવા મળશે. શૂભમન ગિલ ટીમના કેપ્ટન અને કેએલ રાહુલ ઉપ-કેપ્ટન તરીકે જવાબદારી સંભાળશે.
ભારતીય ટીમમાં રોહિત-વિરાટ ઉપરાંત રુતુરાજ ગાયકવાડ, યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ સહિતના ખેલાડીઓનો સમાવેશ છે. રવિન્દ્ર જાડેજાની પણ લાંબા વિરામ બાદ વનડે ટીમમાં વાપસી થઈ છે. બીજી તરફ નમન ધીર અને ઔકિબ નબીનો પ્રથમ વખત વનડે ટીમમાં સમાવેશ થયો છે.
વેસ્ટ ઇન્ડિઝની ટીમ શાઈ હોપની આગેવાનીમાં રમશે. ટીમમાં જોન કેમ્પબેલ, કેઈસી કાર્ટી, રોસ્ટન ચેઝ, શેર્ફેન રધરફોર્ડ, અલ્ઝારી જોસેફ, શમાર જોસેફ અને ગુડાકેશ મોતી જેવા ખેલાડીઓ છે. જોન કેમ્પબેલ ઈજામાંથી સાજા થયા બાદ ટીમમાં પરત ફર્યો છે.
વેસ્ટ ઇન્ડિઝ માટે પણ આ સિરીઝ મહત્વની છે. પ્રથમ બે વનડે સાથે ૨૦૨૭ વનડે વર્લ્ડ કપના સીધા લાયકાત ચક્રનો તેમનો તબક્કો પૂર્ણ થશે. જોકે વેસ્ટ ઇન્ડિઝ સીધી લાયકાત મેળવી શકે તેવી સ્થિતિમાં નથી અને આગામી વર્ષે ક્વોલિફિકેશન ટુર્નામેન્ટમાં રમવાનું રહેશે.
ભારત સામેની આ સિરીઝમાં વેસ્ટ ઇન્ડિઝ લાંબા સમય બાદ ભારતની ધરતી પર વનડે શ્રેણી જીતવાનો પ્રયાસ કરશે. છેલ્લે ૨૦૨૨માં બંને ટીમો વચ્ચે ભારતમાં વનડે સિરીઝ રમાઈ હતી, જેમાં ભારતે ૩-૦થી જીત મેળવી હતી. સિરીઝનું શેડ્યૂલઃ ૨૭ સપ્ટેમ્બર- પ્રથમ વનડે- તિરુવનંતપુરમ, ૩૦ સપ્ટેમ્બર- બીજી વનડે- ગુવાહાટી, ૩ ઓક્ટોબર- ત્રીજી વનડે- ન્યૂ ચંડીગઢ, ત્રણેય મેચ બપોરે ૨ વાગ્યે શરૂ થશે.(૪૧.૧૦)
પ્રેકટીસમાં ગિલ ઇનજર્ડ
નવી દિલ્હીઃ પ્રેક્ટીસ દરમ્યાન કેપટન શુભમન ગિલને મોહમદ શિરાજનો બોલ લાગતા તેને તાત્કાલીક નેટ્સ છોડીને બહાર જવું પડયું હતું. ગિલની કોણી પર પાટો બાધવામાં આવ્યો હતો. થોડીવાર બાદ તે ફરી પ્રેકટીસમાં જોડાયો હતો.
(12:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
