<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 14th May 2026

નેહરાની ‘ડેડલી ફોર્મ્‍યુલા' : યોર્કરના બદલે બોડી પર એટેક, ગુજરાતની પેસ આર્મીએ બેટ્‍સમેનોમાં ફફડાટ મચાવ્‍યો

 

નવી દિલ્‍હી : આઈપીએલમાં ગુજરાત ટાઇટન્‍સના હેડ કોચ આશિષ નેહરાએ ક્રિકેટ જગતને ચોંકાવતું એક નવું ફાસ્‍ટ બોલિંગ મોડલ રજૂ કર્યું છે. જ્‍યાં ટી-૨૦માં મોટાભાગના બોલરો યોર્કર નાખવા મથે છે, ત્‍યાં નેહરાએ તેમના બોલરોને ‘યોર્કર ભૂલી જાઓ અને પાંસળીઓ તોડો' જેવી આક્રમક રણનીતિ આપી છે. આ રણનીતિ અંતર્ગત મોહમ્‍મદ સિરાજ, કેગિસો રબાડા, પ્રસિદ્ધ ક્રિષ્‍ણા અને જેસન હોલ્‍ડર જેવા બોલરો સતત ‘હાર્ડ લેન્‍થ' પર બોલિંગ કરી બેટ્‍સમેનોને હંફાવી રહ્યા છે.

ગુજરાતની આ ટેસ્‍ટ-મેચ જેવી શિસ્‍તબદ્ધ અને નિર્દયી બોલિંગ સામે દિગ્‍ગજ બેટ્‍સમેનો પણ ઘૂંટણિયે પડી રહ્યા છે. ખાસ કરીને કેગિસો રબાડા આ સીઝનમાં પાવરપ્‍લેનો અસલી કિંગ સાબિત થયો છે. તેણે અત્‍યાર સુધીમાં પાવરપ્‍લેમાં સૌથી વધુ ૧૬ વિકેટ ઝડપીને હરીફ ટીમોને શરૂઆતમાં જ બેકફૂટ પર લાવી દીધી છે. આંકડાકીય રીતે જોઈએ તો ગુજરાતની ટીમે પાવરપ્‍લેમાં કુલ ૨૫ વિકેટ ઝડપીને લીગમાં પોતાનું વર્ચસ્‍વ જાળવી રાખ્‍યું છે, જ્‍યારે બેંગ્‍લોર ૨૨ વિકેટ સાથે બીજા ક્રમે છે.

કેપ્‍ટન શુભમન ગિલ પણ હવે માત્ર ‘પોસ્‍ટર બોય' રહ્યો નથી, તેની કેપ્‍ટન્‍સીમાં ગંભીરતા અને રણનીતિની નવી ધાર જોવા મળી રહી છે. રાશિદ ખાન જેવા વર્લ્‍ડ ક્‍લાસ સ્‍પિનર હોવા છતાં ગિલ ઘણી વાર ફાસ્‍ટ બોલરો પર વધુ ભરોસો મૂકે છે. નેહરાનું સ્‍પષ્ટ માનવું છે કે જો બેટ્‍સમેન આરામથી શોટ રમી રહ્યો હોય, તો બોલર યોગ્‍ય બોલિંગ નથી કરી રહ્યો. આ જ આક્રમકતાને કારણે ગુજરાતના બોલરો માત્ર વિકેટો જ નથી લેતા, પણ મેચનો આખો મૂડ બદલી નાખવાની ક્ષમતા ધરાવે છે. રબાડાના નામે અત્‍યાર સુધીમાં ૨૧ વિકેટ છે, જ્‍યારે પ્રસિદ્ધ ક્રિષ્‍ણા ૧૪ અને મોહમ્‍મદ સિરાજ-જેસન હોલ્‍ડર ૧૩-૧૩ વિકેટ સાથે ગુજરાતના પેસ-એટેકને મજબૂત કરી રહ્યા છે.

(4:00 PM IST)