<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th July 2026

“મારા સૌથી પ્રિય ટેસ્ટ પાર્ટનર!”: અજિંક્ય રહાણેની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ પર વિરાટ કોહલીની અત્યંત ભાવુક શ્રદ્ધાંજલિ!

85 ટેસ્ટ, 90 વનડે અને ઓસ્ટ્રેલિયામાં ઐતિહાસિક શ્રેણી વિજય સાથે રહાણેની શાનદાર કારકિર્દીનો અંત: સ્લિપમાં સૌથી સુરક્ષિત જોડીદારને વિરાટે પાઠવી ભાવભીની શુભેચ્છાઓ

નવી દિલ્હી : ભારતીય ક્રિકેટ ટીમનો અનુભવી અને ભરોસાપાત્ર મિડલ ઓર્ડર બેટ્સમેન અજિંક્ય રહાણેએ ગુરુવાર, 30 જુલાઈના રોજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. એક દાયકાથી વધુ સમય સુધી ભારતીય ક્રિકેટમાં અદ્ભુત યોગદાન આપનાર 'જિંક્સ' (Jinks) ની નિવૃત્તિ બાદ ભારતના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ સોશિયલ મીડિયા પર એક અત્યંત ભાવુક સંદેશ શેર કરીને પોતાના પૂર્વ વાઇસ-કેપ્ટનને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

વિરાટ કોહલીએ X (ટ્વિટર) પર રહાણેને ક્રિકેટના સૌથી લાંબા ફોર્મેટમાં પોતાનો 'સૌથી પ્રિય બેટિંગ પાર્ટનર' ગણાવતા લખ્યું કે, "જિંક્સ, એક શાનદાર અને ગર્વ કરવા જેવી આંતરરાષ્ટ્રીય કારકિર્દી બદલ ખૂબ ખૂબ અભિનંદન. તેં ભારતીય ક્રિકેટ માટે અદ્ભુત કામ કર્યું છે. સ્લિપ કેચિંગમાં સૌથી સુરક્ષિત હાથ ધરાવનાર જોડીદાર અને મારો સૌથી પ્રિય ટેસ્ટ બેટિંગ પાર્ટનર! તારા ભવિષ્ય માટે મારી અનંત શુભેચ્છાઓ."

ઉલ્લેખનીય છે કે, વિરાટ અને રહાણેની જોડીએ ટેસ્ટ ક્રિકેટમાં ભારત માટે અનેક યાદગાર વિજય અપાવ્યા છે. 67 ટેસ્ટ મેચોમાં સાથે બેટિંગ કરતાં આ જોડીએ 56.32 ની શાનદાર સરેરાશથી 3,661 રન બનાવ્યા છે, જેમાં 10 શતકીય અને 17 અર્ધશતકીય ભાગીદારીઓ સામેલ છે. 85 ટેસ્ટ, 90 વનડે અને 20 T20 રમનાર રહાણેની કેપ્ટનશીપ હેઠળ ભારતે 2020-21 માં ઓસ્ટ્રેલિયાની ધરતી પર બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ઐતિહાસિક વિજય મેળવ્યો હતો. રહાણેએ ભારત માટે એક પણ ટેસ્ટ મેચ હાર્યા વગર કેપ્ટન તરીકેની અણનમ કારકિર્દીનો અનોખો રેકોર્ડ પણ પોતાના નામે રાખ્યો છે.

(8:18 PM IST)