તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 15th September 2026
ટીમ ઈન્ડિયામાં સતત નજરઅંદાજ થતાં મુકેશ કુમારે લીધો મોટો નિર્ણય! હવે ઈંગ્લેન્ડમાં કાઉન્ટી ચેમ્પિયનશિપ રમતો જોવા મળશે
નોટિંગહામશાયર સાથે કરાર કરીને ભારતીય ઝડપી બોલરે શરૂ કરી નવી સફર; યુઝવેન્દ્ર ચહલ અને કુલદીપ યાદવ બાદ કાઉન્ટી ક્રિકેટના મેદાને પરચમ લહેરાવવા મુકેશ કુમાર સજ્જ

કોલકાતા, તા.૧૫: ભારતીય રાષ્ટ્રીય ક્રિકેટ ટીમમાં પસંદગીકારો દ્વારા સતત ઉપેક્ષાનો ભોગ બની રહેલા ૩૨ વર્ષીય ઝડપી બોલર મુકેશ કુમારે પોતાના કરિયરને નવી ઊંચાઈ આપવા માટે ઈંગ્લેન્ડ જવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મુકેશ કુમારે ઈંગ્લેન્ડની પ્રતિષ્ઠિત કાઉન્ટી ચેમ્પિયનશિપમાં રમવા માટે જાણીતી ટીમ 'નોટિંગહામશાયર' (Nottinghamshire) સાથે સત્તાવાર કરાર કર્યા છે. ભારતીય ટીમમાં સ્થાન ન મળવાના કારણે તેણે લાલ બોલની ક્રિકેટમાં પોતાની ધાર મજબૂત કરવા આ મોટો પગલો ભર્યો છે.
ઉલ્લેખનીય છે કે, મુકેશ કુમાર પહેલા પણ યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ અને માનવ સુથાર જેવા અન્ય ભારતીય ખેલાડીઓ હાલ ઈંગ્લેન્ડમાં કાઉન્ટી ક્રિકેટ રમીને પોતાની રમત પર સખત મહેનત કરી રહ્યા છે. તાજેતરની T20 સીરીઝમાં પસંદગી ન થતાં આ તમામ ખેલાડીઓ માટે ઈંગ્લેન્ડની સ્થાનિક ક્રિકેટ પોતાની ક્ષમતા સાબિત કરવાનું શ્રેષ્ઠ પ્લેટફોર્મ બની ગયું છે. મુકેશે ઈંગ્લેન્ડના વાતાવરણને ફાસ્ટ બોલરો માટે સર્વશ્રેષ્ઠ ગણાવતા ઉત્સાહ વ્યક્ત કર્યો હતો કે, સીઝનના આ તબક્કે નોટિંગહામશાયર સાથે જોડાવા બદલ તે ખૂબ જ આનંદિત છે અને ટીમની સફળતામાં મહત્વનું યોગદાન આપવા આતુર છે.
આંકડાઓની વાત કરીએ તો, મુકેશ કુમારે ભારત માટે છેલ્લી મેચ જુલાઈ ૨૦૨૪માં ઝિમ્બાબ્વે સામે રમી હતી, ત્યારથી તે ભારતીય ટીમમાંથી બહાર ચાલી રહ્યો છે. અત્યાર સુધીમાં તેણે ભારત તરફથી ૩ ટેસ્ટ (૭ વિકેટ), ૬ વન-ડે (૫ વિકેટ) અને ૧૭ T20 મેચોમાં (૨૦ વિકેટ) ઝડપી છે. નોટિંગહામશાયર તરફથી રમતી વખતે શ્રેષ્ઠ પ્રદર્શન કરીને ઈંગ્લેન્ડની ધરતી પર પોતાની ઘાતક બોલિંગનો જાદુ ચલાવવાનો અને ફરી એકવાર ભારતીય પસંદગીકારોનું ધ્યાન ખેંચવાનો મુકેશ કુમારનો મુખ્ય ઉદ્દેશ્ય છે.
(4:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
