તા. ૨૭ ઓગષ્ટ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ સુદ – ૧૪ ગુરૂવાર
News of Monday, 14th September 2026
મોહસીન નકવીને ઠેંગો! ભારતીય મહિલા ટીમે ટ્રોફી વગર કરી ગ્રાન્ડ ઉજવણી; કેપ્ટન હરમનપ્રીતે પાણીની બોટલ ઊંચકીને રચ્યો રમુજી ઈતિહાસ!
દુબઈમાં એશિયા કપ ૨૦૨૬ જીત્યા બાદ 'વુમન ઈન બ્લુ'નો અનોખો મિજાજ; સત્તાવાર સ્ટેજથી દૂર સાથી ખેલાડીઓ સાથે વોટર બોટલથી ટ્રોફી લિફ્ટિંગનો વિડીયો વાયરલ

દુબઈ, તા.૧૪: એશિયા કપ ૨૦૨૬ની ફાઈનલમાં શ્રીલંકાને ૭૨ રને ધૂળ ચાટ્યા બાદ ભારતીય મહિલા ક્રિકેટ ટીમે એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) ના પ્રમુખ અને પાકિસ્તાનના મંત્રી મોહસીન નકવીના હસ્તે ટ્રોફી લેવાનો સાફ ઈનકાર કરી દીધો હતો. સત્તાવાર પ્રેઝન્ટેશન સમારોહનો બહિષ્કાર કર્યા બાદ ડ્રેસિંગ રૂમ અને મેદાનની બહાર ભારતીય ખેલાડીઓએ જે અંદાજમાં ઉજવણી કરી, તેણે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે. ટ્રોફી ન મળવા છતાં કેપ્ટન હરમનપ્રીત કૌર અને તેની ટીમે એક એવી રમુજી ક્ષણ સર્જી જે ચાહકો માટે કાયમ માટે યાદગાર બની ગઈ છે.
પાણીની બોટલ બની 'એશિયા કપ ટ્રોફી'!
પ્રેઝન્ટેશન સ્ટેજથી દૂર જ્યારે સમગ્ર ભારતીય ટીમ વિક્ટ્રી ફોટોગ્રાફ માટે એકઠી થઈ હતી, ત્યારે માહોલ એકદમ હળવો અને ઉત્સાહવર્ધક હતો. ટીમના સાથી ખેલાડીઓએ એકાએક કેપ્ટન હરમનપ્રીત કૌરના હાથમાં એક મોટી વોટર બોટલ (પાણીની બોટલ) પકડાવી દીધી અને તેને ટ્રોફીની જેમ ઊંચકવા માટે પ્રોત્સાહિત કરી હતી. સાથી ખેલાડીઓના જોરદાર હુટિંગ અને ઉત્સાહ વચ્ચે હરમનપ્રીતે પણ મજેદાર અંદાજમાં પાણીની બોટલને બંને હાથથી માથા ઉપર ઊંચકીને જાણે સાચી ટ્રોફી લિફ્ટ કરી હોય તેમ ઉજવણી કરી હતી!
વિરોધ વચ્ચે હળવાશ અને સંદેશ
આ રમુજી કિસ્સાએ સાબિત કરી દીધું કે પાકિસ્તાની મંત્રી સામે બોર્ડના સખત રાજકીય વલણ છતાં ભારતીય ડ્રેસિંગ રૂમનો મૂડ કેટલો સકારાત્મક અને જોશથી ભરેલો હતો. વિજેતા બન્યા પછી ટ્રોફી હાથમાં ન હોવાનો અફસોસ કરવાને બદલે 'વુમન ઈન બ્લુ' એ પોતાની ખુશી વ્યક્ત કરવાનો આ અનોખો અને રમૂજી રસ્તો શોધી કાઢ્યો હતો.
હરમનપ્રીતનો આ બોટલ-લિફ્ટિંગનો અંદાજ અને ટીમનું ખડખડાટ હાસ્ય કેમેરામાં કેદ થઈ ગયું હતું, જે હવે ક્રિકેટ ચાહકોમાં ભારે પસંદ કરવામાં આવી રહ્યું છે. ટ્રોફી વગર પણ ચેમ્પિયન તરીકે ગર્વથી ઉજવણી કરવાનો ભારતીય ટીમનો આ મિજાજ એશિયા કપ ૨૦૨૬ની સૌથી મોટી હાઇલાઇટ બની ગયો છે.
(3:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
