તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ શ્રાવણ વદ-૧૪, રવિવાર
News of Sunday, 12th April 2026
આઈપીએલ ડગઆઉટમાં મોબાઈલ કાંડ: રાજસ્થાન રોયલ્સ વિવાદમાં
વિજયી રથ પર સવાર રાજસ્થાન રોયલ્સના મેનેજર ડગઆઉટમાં ફોનનો ઉપયોગ કરતા કેમેરામાં કેદ: લલિત મોદીએ ઉઠાવ્યા ગંભીર સવાલો અને બીસીસીઆઈ પાસે કડક કાર્યવાહીની કરી માંગ

ગુવાહાટી: આઈપીએલ 2026 માં સતત ચાર જીત મેળવીને પોઈન્ટ ટેબલમાં ટોચ પર રહેલી રાજસ્થાન રોયલ્સની ટીમ હવે એક મોટા વિવાદના વંટોળમાં ફસાઈ છે. ગુવાહાટીના મેદાન પર રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામેની મેચ દરમિયાન રાજસ્થાનના ટીમ મેનેજર રોમી ભિંડર ડગઆઉટમાં બેસીને ખુલ્લેઆમ મોબાઈલ ફોનનો ઉપયોગ કરતા ઝડપાયા હતા. આ ઘટના ત્યારે બની જ્યારે યુવા ખેલાડી વૈભવ સૂર્યવંશી આઉટ થઈને તેમની બાજુમાં બેઠા હતા. બ્રોડકાસ્ટર્સના કેમેરામાં આ દ્રશ્યો કેદ થતા જ સોશિયલ મીડિયા પર ખળભળાટ મચી ગયો છે, કારણ કે આઈપીએલના કડક સુરક્ષા પ્રોટોકોલ મુજબ પ્લેયર્સ એરિયામાં ઈલેક્ટ્રોનિક ઉપકરણો પર સંપૂર્ણ પ્રતિબંધ છે.
બીસીસીઆઈના ભ્રષ્ટાચાર વિરોધી એકમ (ACU) ના નિયમો અનુસાર, પીએમઓએ (PMOA) વિસ્તારમાં ખેલાડીઓ કે સપોર્ટ સ્ટાફ મોબાઈલ ફોન કે સ્માર્ટવોચનો ઉપયોગ કરી શકતા નથી. માત્ર નિયુક્ત કરાયેલા ટીમ એનાલિસ્ટને જ ટેબલ પર ટેકનિકલ ઉપકરણો વાપરવાની છૂટ હોય છે. મેનેજર ડ્રેસિંગ રૂમમાં ફોનનો ઉપયોગ કરી શકે છે, પરંતુ મેદાન પરના ડગઆઉટમાં આવું કરવું એ સુરક્ષાના નિયમોનો ભંગ માનવામાં આવે છે. આ ઘટનાએ એન્ટી કરપ્શન મેનેજરોની હાજરી અને તેમની કાર્યક્ષમતા સામે પણ મોટા પ્રશ્નાર્થ ચિન્હો ઉભા કર્યા છે, કારણ કે સ્ટેડિયમમાં પ્રવેશતા પહેલા જ તમામ ઉપકરણો જમા કરાવવાના હોય છે.
આ મામલે આઈપીએલના પૂર્વ ચેરમેન લલિત મોદીએ આક્રમક વલણ અપનાવ્યું છે. તેમણે ટ્વિટ કરીને આ ઘટનાને "સંપૂર્ણપણે અસ્વીકાર્ય" ગણાવી છે અને આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલ પાસે તાત્કાલિક ધોરણે તપાસની માંગ કરી છે. લલિત મોદીએ સવાલ ઉઠાવ્યો હતો કે ભ્રષ્ટાચાર વિરોધી અધિકારીઓની નજર સામે આવું કેવી રીતે બની શકે? જો આ પ્રોટોકોલ ભંગ સાબિત થશે, તો વિજયી લયમાં ચાલી રહેલી રાજસ્થાન રોયલ્સની ટીમ અને મેનેજમેન્ટ પર બીસીસીઆઈ દ્વારા મોટો દંડ અથવા અન્ય શિસ્તભંગના પગલાં લેવામાં આવી શકે છે. અત્યાર સુધી આ મામલે ફ્રેન્ચાઇઝી તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં આવી નથી.
(11:11 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
